Tue Dec 16 2025

Logo

White Logo

પીએમ મોદી ડિગ્રીનો બદનક્ષી કેસમાં કેજરીવાલ, : સંજયસિંહની રિવીઝન અરજી કોર્ટે ફગાવી...

3 hours ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા બદનક્ષી કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તથા નેતા સંજયસિંહને વધુ એક ઝટકો લાગ્યો હતો. સેશન્સ કોર્ટના જજ એમ.પી. પુરોહિતે બંને નેતાઓએ કરેલી રિવીઝન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે,  સીપીઆરસીની કલમ 223(એ)ના સિદ્ધાંતો આ કેસમાં લાગુ પડે છે. ત્યારે બંનેની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. હવે આગામી દિવસોમાં કેજરીવાલ અને સંજયસિંહ હાઇકોર્ટમાં આ અરજી કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે ટ્રાયલ અલગ કરવાની અરજી કરી હતી. જ્યારે સંજયસિંહે નીચલી કોર્ટે કરેલ આદેશ રદ કરવા માટે દાદ માગતી રિવીઝન અરજી કરી હતી.

કેસની ટ્રાયલ અલગ કરવાની અરજીને નકારી કઢાઈ હતી

અરવિંદ કેજરીવાલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા આ કેસની ટ્રાયલ અલગ કરવાની અરજીને નકારી કઢાઈ હતી. તેની સામે કેજરીવાલે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, બંને  આરોપી સામેના આક્ષેપો અને ઘટનાઓની તારીખો અલગ-અલગ છે. તેથી તેમની સંયુક્ત ટ્રાયલ ગેરકાયદે છે. ત્યારે બંને  સામે અલગ અલગ ટ્રાયલ ચાલવી જોઇએ. જ્યારે સંજય સિંહે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના વકીલ-કાઉન્સિલ મારફતે તેમના "પ્લી"  ની નોંધણી કરવાની મંજૂરી આપી હતી તે આદેશને રદ કરવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, નીચલી કોર્ટનો આદેશ ભૂલ ભરેલો છે, ત્યારે તેને રદ કરવો જોઇએ. 

કોર્ટના આદેશને 308 દિવસ બાદ સેશન્સ કોર્ટમાં પડકાર્યો

આ બંને  અરજીઓનો વિરોધ કરતા યુનિ. તરફે એડવોકેટ અમિત નાયરે એવી દલીલ કરી હતી કે, કેજરીવાલે નીચલી કોર્ટના આદેશને 308 દિવસ બાદ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે, જ્યારે સંજયસિંહે 346 દિવસ મોડો પડકાર્યો છે. અગાઉ કોર્ટે બન્નેને દંડ પણ કર્યો હતો. બંને  આરોપીઓની દલીલ સ્વીકારવા પાત્ર નથી, નીચલી કોર્ટે કરેલ આદેશ યોગ્ય  અને ન્યાયોચિત છે. ત્યારે બન્નેએ માગેલ દાદ રદ કરવી જોઇએ. બંને  પક્ષની દલીલ બાદ કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહે કરેલી અરજી ફગાવી દીધી છે.