વડા પ્રધાને 2030ની અમદાવાદની કૉમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુરુવારે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટનો ઉલ્લેખ કરવા ઉપરાંત કહ્યું હતું કે ` આ મહોત્સવમાં શહેરોથી લઈને નાના ગામડા સુધીના ભાગોમાંથી (ગરીબ વિસ્તારોમાંથી) લોકોએ ભાગ લીધો એ જ બતાવે છે કે દેશમાં હવે રમતગમત ક્ષેત્રનો કેટલો બધો વિસ્તાર થઈ ગયો છે અને આ ક્ષેત્રનો પ્રભાવ પણ યુવા વર્ગ પર કેટલો બધો વધી ગયો છે. આપણા દેશમાં હવે બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં પણ વિશ્વ સ્તરિય ખેલ સુવિધાઓ બની રહી છે.'

એક દિવસમાં ડબલ સહિત 20 સેન્ચુરી
વિજય હઝારે ટ્રોફીમાં એક દિવસમાં 19 મૅચમાં 20 સેન્ચુરી અને એક ડબલ સેન્ચુરી ફટકારવામાં આવી હતી. એમાં પણ ખાસ કરીને બિહાર વતી રમતો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી 190 રનના સ્કોર સાથે લિસ્ટ-એ વન-ડે ડોમેસ્ટિક ક્રિકેટ જગતનો સૌથી યુવાન સેન્ચુરિયન બન્યો હતો. અરુણાચલ પ્રદેશ સામે બિહારે છ વિકેટે 574 રન કર્યા હતા અને લિસ્ટ-એમાં હવે આ હાઇએસ્ટ ટીમ-ટોટલ છે. વૈભવે 36 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ઝારખંડના કૅપ્ટન ઇશાન કિશને 33 બૉલમાં અને બિહારના સુકાની સાકિબુલ ગનીએ 32 બૉલમાં સદી પૂરી કરી હતી. લિસ્ટ-એમાં હવે ગનીની 32 બૉલની સેન્ચુરી નવો ભારતીય વિક્રમ છે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સહિતના એનડીએના સુશાસનની 2014ના વર્ષમાં શરૂઆત થઈ હતી. ગુરુવારે સુશાસન દિવસ ઉજવવામાં આવ્યો હતો. વડા પ્રધાને ગુરુવારના સમારોહમાં વિજય હઝારે ટ્રોફીના બુધવારના યાદગાર દિવસનો એક રીતે ઉલ્લેખ કરતા કહ્યું, ` 2014ની સાલ પહેલાં દેશના ખેલ ક્ષેત્રે, ટીમો પસંદ કરવામાં તેમ જ પાયાના ક્ષેત્રે રમતગમતના નામે જે બધી ગરબડ ચાલતી હતી એ બંધ થઈ ચૂકી છે. હવે ગરીબ પરિવારોના બાળકો પણ નાની ઉંમરે શિખર પર પહોંચી શકે છે. ગઈ કાલે (બુધવારે) પંદરથી વીસ વર્ષના ઉંમરના ક્રિકેટરોએ ખેલના મેદાન પર કમાલ કરી હતી. કોઈએ 32 બૉલમાં સદી ફટકારી તો કોઈએ 40 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. આ છે તેમની તાકાત. આપણે આપણા યુવાનોને રમવા માટે બને એટલા વધુ મંચ આપી રહ્યા છીએ. ખેલો ઇન્ડિયાની વિવિધ રમતો તથા સાંસદ ખેલ મહોત્સવ (Sansad Khel Mahotsav) દ્વારા પ્રતિભાઓની ઓળખ થઈ રહી છે.'
માતા-પિતાને હવે અહેસાસ થઈ ગયો છે કે…
વડા પ્રધાને એવું પણ કહ્યું કે ` દેશના દૂર-દૂરના ભાગોમાંથી અનેક ઉદાહરણો મળી રહ્યા છે જે આખા દેશને પ્રેરિત કરે છે. કોઈક વિસ્તારનો કોઈ દિવ્યાંગ ખેલાડી પડકારોને નાના બનાવીને ઊંચાઈઓ સર કરે છે તો કોઈક મેદાન પર કોઈ દીકરી પોતાના સપનાં પૂરા કરવામાં વ્યસ્ત છે. સાંસદ ખેલ મહોત્સવ આવા ખેલાડીઓ અને ઍથ્લીટોને પોતાની પ્રતિભા બતાવવાનો મોકો આપે છે. હવે માતા-પિતાને અહેસાસ થઈ ગયો છે કે ખેલકૂદથી જીવન બરબાદ નથી થતું, પણ બાળકો રમતગમતમાં આગળ વધીને પોતાના પરિવારનું જ નહીં, આખા ગામનું અને સમાજનું ભાગ્ય પણ બદલી શકે છે.'
2036ની ઑલિમ્પિક્સનો કર્યો ઉલ્લેખ
વડા પ્રધાન મોદીએ 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ માણવા મળનારી સંભવિત તક બાબતમાં કહ્યું, ` વર્ષ 2014 પહેલાં દેશનું રમતગમત માટેનું બજેટ 1,200 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું જે હવે 3,000 કરોડ રૂપિયાથી પણ વધુ હોય છે. ટૉપ્સ (ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ) યોજના મારફત ખેલાડીઓને દર મહિને 25થી 30 હજાર રૂપિયા સુધીની મદદ મળે છે. આ તમામ પ્રયાસોનો લાભ મળી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં આપણા ખેલાડીઓએ વિશ્વ સ્તરે અસાધારણ પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં સાત મેડલ અને પૅરિસ ઑલિમ્પિક્સમાં 29 મેડલ જીતીને આપણે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એશિયાની સૌથી મોટી સ્પર્ધામાં આપણે 100થી પણ વધુ ચંદ્રક જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આપણા ખેલાડીઓ અને ઍથ્લીટો વૈશ્વિક સ્તરે દેશને નવી ઓળખ આપી રહ્યા છે. 2030માં અમદાવાદ કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને આખી દુનિયાની નજર ભારત પર રહેશે. દેશના યુવા વર્ગ માટે આ બહુ મોટું મંચ બની રહેશે. 2036ની ઑલિમ્પિક ગેમ્સના યજમાન બનવા માટે પણ ભારત પ્રયત્નશીલ છે અને એમાં ભારતનો એવો યુવા વર્ગ પ્રતિનિધિત્વ કરશે જેઓ અત્યારે 10થી 12 વર્ષના છે. આપણે અત્યારથી તેમની ટૅલન્ટ પારખવાની છે, તેમને તાલીમ આપવાની છે અને રાષ્ટ્રીય સ્તરે તેમને ટોચ સુધી લઈ આવવાના છે. એમાં સાંસદ ખેલ મહોત્સવ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હું આજે આપણા દેશના દરેક ખેલાડી-ઍથ્લીટને કહેવા માગું છું કે તમે માત્ર પોતાની જીત માટે નથી રમી રહ્યા, તમે તમારા દેશ માટે અને તિરંગાના સન્માન માટે તેમ જ એની ગરિમા માટે રમી રહ્યા છો.'