ગોવા: એક તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો બીજી તરફ IFFI (ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)ની ઇવેન્ટ દરમિયાન કાંતારા ફિલ્મના દેવની કરેલી ટિપ્પણીને લઈને તેના પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પદુકોણ સાથે એક ગોવા ખાતે મેરેજ ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપિકા પદુકોણની એક ખાસ મૂવમેન્ટ કેપ્ચર થઈ છે.
દીપિકાએ આપ્યો ઓરી જેવો પોઝ
છેલ્લા એક વર્ષથી ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણી મોટા ભાગની બોલિવૂડ સેલિબ્રિટીના ફંક્શનનો ભાગ બની ગયો છે. તાજેતરમાં ઓરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો એક મેરેજ ફંક્શનનો છે, જેમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ નજરે પડ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, રણવીર અને દીપિકાએ મેચિંગ લાલ રંગના આઉટફિટ પહેર્યા છે. રણવીરે લાલ રંગનો કુર્તા પહેર્યો છે. જ્યારે દીપિકાએ પ્રિંટેડ લાલ સાડી પહેરી છે. દીપિકાએ કાનમાં પહેરેલા ટ્રેડિશન ઝુમકા તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. વીડિયોમાં દીપિકા પદુકોણે રણવીર સિંહના શરીર પર હાથ રાખીને ઓરીની સ્ટાઈલમાં પોઝ પણ આપ્યો છે. આ સિવાય રણવીરે પોતાના કઝિનના લગ્નમાં 'ધુરંધર' ફિલ્મના એક ગીત પર ડાન્સ પણ કર્યો હતો.
'ધુરંધર' ફિલ્મ પર થશે વિવાદની અસર
ઉલ્લેખનીય છે કે, IFFIની ઇવેન્ટ દરમિયાન કરેલી ટિપ્પણી બદલ રણવીર સિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી માફી પણ માંગી લીધી છે. પરંતુ હવે મામલો બેંગલુરુમાં કાયદાકીય રીતે આગળ વધી રહ્યો છે. આ વિવાદની અસર તેની ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થનારી 'ધુરંધર' ફિલ્મ પર કેવી રીતે પડે છે, એ જોવું રહ્યું.