Thu Jan 01 2026

Logo

White Logo

CM રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત સફળ : તેલંગાણામાં સલમાન ખાને કર્યું 10,000 કરોડનું જંગી રોકાણ

6 days ago
Author: Himanshu Chavada
Video

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત મોટું રોકાણ લઈને આવી છે. અભિનેતા સલમાન ખાને તેલંગાણામાં રૂ. 10,000 કરોડનું રોકાણ કર્યું છે. આ અંગે તાજેતરમાં યોજાયેલ 'તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ'માં સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેલંગાણા સરકાર MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

સલમાન ખાન તેલંગાણામાં બનાવશે સ્ટુડિયો

ઓક્ટોબર 2025માં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ મુંબઈમાં સલમાન ખાનની મુલાકાત લીધી હતી. રેવંત રેડ્ડીની આ મુલાકાતથી "તેલંગાણા રાઇઝિંગ" અભિયાનમાં બોલિવૂડને દક્ષિણ તરફ આકર્ષવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. રેવંડ રેડ્ડીની મુલાકાત બાદ સલમાન ખાને તેલંગાણાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના વિકાસથી પ્રભાવિત થઈને આ વિશાળ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો.

સલમાન ખાને દૂરંદેશી અને વ્યુહાત્મક આયોજનના ભાગરૂપે તેલંગાણામાં રૂ. 10,000 કરોડનું મોટું રોકાણ કર્યું છે. તેલંગાણા સરકાર સાથે થયેલા MoU હેઠળ હવે સલમાન ખાન દ્વારા તેલંગાણામાં વર્લ્ડ ક્લાસ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ અને ફિલ્મ સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે. મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ સલમાન ખાનના રોકાણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ તેલંગાણાને મનોરંજન અને વૈભવી પ્રવાસન માટે ભારતના સૌથી આકર્ષક સ્થળ તરીકે સ્થાપિત કરશે."

રૂ. 10,000 કરોડના પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત

તેલંગાણા સરકારે સલમાન ખાનના પ્રોજેક્ટ માટે જમીન અને જરૂરી નિયમનકારી મંજૂરીઓ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ એક વિશાળ સંકૂલમાં અત્યાધુનિક ફિલ્મ સ્ટુડિયો ઊભો કરવામાં આવશે. જે હાઈ-એન્ડ VFX સાથે સજ્જ હશે. આ સ્ટુડિયોમાં મોટા બજેટની ફિલ્મો અને OTT કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે. આ સ્ટુડિયોમાં સ્થાનિક ટેકનિશિયનો અને કલાકારોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની તાલીમ આપવા માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. આ સ્ટુડિયો ફિલ્મ નિર્માણથી લઈને ટેકનિકલ સેવાઓ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે, અહીં ફિલ્મ સ્ટુડિયો ઉપરાંત અહીં ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ, રેસ કોર્સ અને પ્રીમિયમ રહેણાંક ટાઉનશીપ બનાવવામાં આવશે, જે લક્ઝરી ટુરિઝમને વેગ આપશે. આ સ્ટુડિયો હૈદરાબાદને બોલીવૂડ અને હોલીવૂડને જોડતી કડી બનશે.