નવી દિલ્હી: ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ 1996ના ડ્રગ જપ્તી કેસમાં આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો. સંજીવ ભટ્ટે તેમને ફટકારવામાં આવેલી 20 વર્ષની જેલની સજાને રદ કરવાની માંગ કરતી કરી હતી, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને વિજય બિશ્નોઈની બેન્ચે આ મામલામાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સંજય ભટ્ટ તરફથી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેંચ સમક્ષ દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટે 20 વર્ષમાંથી 7 વર્ષ અને 3 મહિનાની સજા કાપી લીધી છે, હવે સજાને રદ કરવી જોઈ. જોકે, બેન્ચે તેમાં કોઈ પણ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાત સરકાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મનીન્દર સિંહે જણાવ્યું કે સંજીવ ભટ્ટે જીલ્લાના DSP તરીકેની ફરજ બજાવતી વખતે આ ષડયંત્ર રચ્યું હતું. તેમણે અફીણ મંગાવ્યું અને હોટેલ રૂમ રાખીને વકીલને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જે ગંભીર મામલો છે.
પાલનપુરની સેશન્સ કોર્ટે ફટકારી હતી સજા:
વર્ષ 1996 માં રાજસ્થાનના વકીલને ખોટી રીતે ડ્રગ્સ કેસમાં ફસાવવાના પ્રયાસ બદલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સેશન્સ કોર્ટે આ મામલામાં સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતાં અને 20 વર્ષની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે આ સજાને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
વકીલને ફસાવવા માટે કાવતરું:
વર્ષ 1996 માં રાજસ્થાનના એક વકીલ પાલનપુરની એક હોટલના રૂમમાં રોકાયા હતા, ત્યાંથી પોલીસેને 1.5 કિલો અફીણ મળી આવ્યું હતું. રાજસ્થાન પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે વકિલને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ફસાવવા માટે આ અફિણ રૂમમાં મુકાવ્યું હતું.
રાજસ્થાનના પાલી ખાતે આવેલી એક વિવાદિત મિલકત વેચવાના માટે દબાણ કરવાના હેતુથી આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. એ સમયે સંજીવ ભટ્ટ એ સમયે બનાસકાંઠા જિલ્લાના ડેપ્યુટી સુપ્રિટેડેન્ટ ઓફ પોલીસ (DSP)હતા.
સંજીવ ભટ્ટની ધરપકડ:
વર્ષ 2015માં સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના આદેશ પર વર્ષ 2018માં ક્રિમિનલ ઇન્વેસ્ટમેન્ટ ડીપાર્ટમેન્ટ(CID)એ આ મામલાની તપાસ શરૂ કરી અને ભટ્ટની ધરપકડ કરવામાં આવી. માર્ચ 2024માં પાલનપુર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને NDPS એક્ટની કેટલીક કલમો હેઠળ દોષિત ઠેરવ્યા, કોર્ટે 20 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી.
ભટ્ટ આ કેસમાં પણ દોષિત:
નોંધનીય છે કે જામનગર જિલ્લાની સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને 1990ના કસ્ટોડીયલ ડેથ દોષિત ઠેરવ્યા હતાં અને આજીવન કેદની સજા ફટકારી હતી, આ કેસમાં પણ તેમને હજુ સુધી કોઈ રાહત મળી નથી.
બદલાની ભાવના સાથે કાર્યવાહી?
બીજી તરફ એવા પણ દાવા કરવામાં વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોની તપાસ દરમિયાન ભટ્ટે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન (હાલના વડાપ્રધાન) નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતાં. તેમને તાપસ સમિતિને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોલિસને કાર્યવાહી કરતી અટકાવીને લઘુમતી સમુદાયના લોકોની કત્લેઆમ થવા દીધી હતી. આ નિવેદનો બદલ ભટ્ટની સામે બદાલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જોકે આવા દાવા સાબિત થઇ શક્યા નથી, SIT અને અદાલતોએ નરેન્દ્ર મોદી ક્લીન ચીટ આપી છે.