Wed Jan 07 2026

Logo

White Logo

75 વર્ષ બાદ દુર્લભ સંયોગ : માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર

3 days ago
Author: MayurKumar Patel
Video

પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં માઘ મેળો 2026 શરૂઆત થતાં જ સંગમ તટ પર આસ્થાનો મહાકુંભ જોવા મળ્યો હતો. પોષી પૂનમના અવસર પર મુખ્ય સ્નાનની સાથે જ મેળાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી હોવા છતાં સંગમ ઘાટ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મેળા પ્રશાસનનું અનુમાન છે કે આજે 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સૌને માઘ મેળાની શુભેચ્છાઓ પાઠવી હતી.

75 વર્ષ પછી દુર્લભ સંયોગ 

પૂર્ણિમા તિથિની શરૂઆત સવારે 4 વાગ્યાથી થઈ ગઈ છે. માઘ મેળામાં 75 વર્ષ પછી દુર્લભ શુભ સંયોગ બની રહ્યો છે. આજથી શ્રદ્ધાળુઓ કલ્પવાસનો સંકલ્પ લઈને તેની શરૂઆત કરશે. માઘ મેળામાં અંદાજે 20 થી 25 લાખ કલ્પવાસીઓ એક મહિના સુધી નિવાસ કરે છે. કલ્પવાસીઓની આ આખું મહિનો કઠિન તપસ્યા અને સાધના ચાલતી હોય છે.

 

15 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે ડૂબકી

માઘ મેળાના દોઢ મહિના દરમિયાન 12 થી 15 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે.  શ્રદ્ધાળુઓની તાત્કાલિક સારવાર માટે 20-20 બેડની બે હોસ્પિટલો બનાવવામાં આવી છે. આ ઉપરાંત 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બે હેલ્થ સેન્ટર, એક વેક્ટર કંટ્રોલ યુનિટ, 5 આયુર્વેદિક અને 5 હોમિયોપેથિક હોસ્પિટલો પણ મેળામાં ખોલવામાં આવી છે. મેળામાં 50 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

42 સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા

મેળામાં 25 હજાર શૌચાલય, 8 હજાર ડસ્ટબિન, 10 લાખથી વધુ લાઇનર બેગ અને 30 સક્શન ગાડીઓ લગાવવામાં આવી છે. ત્રણ હજાર સફાઈ કામદારો તૈનાત છે. શ્રદ્ધાળુઓ માટે 42 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેખરેખ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ

મેળા વિસ્તારમાં 17 પોલીસ સ્ટેશન, 42 ચોકીઓ, 20 ફાયર ટેન્ડર, 7 અગ્નિશમન ચોકી, 20 ફાયર વોચ ટાવર, એક જલ પોલીસ સ્ટેશન અને એક કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. 8 કિમી લાંબી ડીપ વોટર બેરિકેડિંગ પણ બનાવવામાં આવી છે. સીસીટીવી કેમેરા અને AI યુક્ત 400 કેમેરા દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ, ક્રાઉડ ડેન્સિટી એનાલિસિસ અને ઇન્સિડન્ટ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરિવહન નિગમની 3800 બસો સેવામાં છે.

આગામી સ્નાન પર્વોની તિથિ

મકર સંક્રાંતિ

મૌની અમાસ

વસંત પંચમી

માઘી પૂર્ણિમા

મહાશિવરાત્રી (મેળાનું સમાપન)

સીએમ યોગી આદિત્યનાથે પાઠી શુભેચ્છાઓ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર લખ્યું, "શ્રીગંગાદેવ્યૈ નમઃ. માઘ મેળાના શુભારંભ અને પાવન પોષી પૂર્ણિમાની તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક અભિનંદન. પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે તીર્થરાજ પ્રયાગ પધારેલા તમામ પૂજ્ય સાધુ-સંતો, ધર્માચાર્યો, તમામ અખાડાઓ અને કલ્પવાસીઓનું હાર્દિક સ્વાગત. માં ગંગા, માં યમુના અને માં સરસ્વતી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.