સુરતઃ સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 14મા માળેથી પટકાવવાને કારણે ગંભીર ઈજાઓ થતાં દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે માતાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તબીબોના જણાવ્યાં પ્રમાણે માતાની હાલત હજી ગંભીર છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
માતાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા અને બાળક 14મા માળેથી પડતા નીચે પાર્ક કરેલી કાર પર પટકાયા હતી. મહિલા કારના પાછળના ભાગે પડતાં કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
માતા-પુત્ર નીચે પાર્ક કરેલી કાર પર પટકાયા
આ સમગ્ર ઘટના સવાલે 10 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળ્યું છે. માતાની ઉંમર 30 વર્ષ અને બાળખની ઉંમર 5 વર્ષની છે, પરંતુ આખરે આ મહિલા કોણ છે, ક્યાંથી આવી અને શા માટે 14મા માળેથી છલાંગ લગાવી તે મામલે હજી પોલીસને જાણકારી મળી નથી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ જણાવી રહ્યો હતો, તેમ છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેક્નિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મહિલાની હાલત ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ
ઘટનાસ્થળે જ પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે હાલ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજી સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આવાસમાં રહેતા લોકો પણ તેમને ઓળખતા નથી. આ મહિલા બહારથી અહીં આવી અને આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો? તે એક સવાલ છે. સુરત પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.