અજય મોતીવાલા
ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન મહારાષ્ટ્રની ગંગા કદમ, વિજેતા મહિલા ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું હતું અને તેમને મીઠાઈ ખવડાવીને તેમની વિરલ સિદ્ધિને બિરદાવી હતી.,
મહિલા સશક્તિકરણનો યુગ ચાલે છે, પુરુષોથી મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી અને એમાં હવે તો ક્રિકેટ પણ બાકાત નથી. જુઓને, 2024માં ભારતના પુરુષ ક્રિકેટરો કુલ ચોથો વર્લ્ડ કપ જીત્યા તો 2025માં આપણી મહિલા ક્રિકેટરોએ સપાટો બોલાવી દીધો. બીજી નવેમ્બરે નવી મુંબઈમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ પહેલી વખત વન-ડેનો વર્લ્ડ કપ જીતી તો 23મી નવેમ્બરે મહિલાઓ માટે પહેલી જ વાર યોજાયેલો ટી-20 વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડની ટ્રોફી ભારતની મહિલા ટીમે જીતીને સનસનાટી મચાવી દીધી હતી.
વર્ષોથી કરોડો રૂપિયાના વરસતા વરસાદમાં રમતા પુરુષ ખેલાડીઓ વિશ્ર્વ કપની ટ્રોફી જીતે કે પછી લાખો ને કરોડો રૂપિયાની વાર્ષિક ફી તથા મહેનતાણું મેળવનાર મહિલા ક્રિકેટરો વર્લ્ડ કપનો તાજ જીતે, એ દેશ માટે મોટું ગૌરવ જ કહેવાય, પરંતુ જોઈ ન શક્તી મહિલા ખેલાડીઓની ભારતીય ટીમે તાજેતરમાં જે સ્થિતિમાં વર્લ્ડ કપની ટ્રોફી હાંસલ કરી છે એ બદલ તેમને દાદ દેવી પડે.
સૅલ્યૂટ છે ભારતની મહિલાઓની બ્લાઇન્ડ વર્લ્ડ કપ ટીમને. દેશના મોટા શહેર કે નગરમાંથી નહીં, પણ ગામડાઓમાંથી ક્રિકેટના ક્ષેત્રે આગળ આવેલી આ ખેલાડીઓ જોઈ નથી શક્તી (ટીમમાં કેટલીક આંશિક દૃષ્ટિ ધરાવતી ખેલાડીઓનો પણ સમાવેશ છે), પરંતુ હરીફ ટીમોને તેઓ પોતાની તાકાત બતાવીને ભારત પાછી આવી છે. તેમણે ક્રિકેટ જગતને પોતાનામાં રહેલી ક્રિકેટની સુપર ટૅલન્ટ દેખાડી દીધી છે અને આ દીકરીઓએ દેશની 140 કરોડની જનતા સમક્ષ વર્લ્ડ કપની બહુમૂલ્ય ટ્રોફી જીતી બતાડી છે. તેમણે પોતાના પ્રત્યે ખોટા અભિગમ રાખનારાઓને દિવ્ય દૃષ્ટિ દેખાડી છે.
શ્રીલંકામાં આયોજિત મહિલાઓ માટેના બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં કર્ણાટકની દીપિકા ટી. સી.ની કૅપ્ટન્સીમાં અને મહારાષ્ટ્રની ગંગા કદમની વાઇસ-કૅપ્ટન્સીમાં રમનાર ભારતીય ટીમ આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી હતી અને ફાઇનલમાં નેપાળને સાત વિકેટે માત આપતાં જ તેમણે સૌપ્રથમ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયન બન્યાનું સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. ભારતના પુરુષો પાંચ-પાંચ બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીત્યા છે, જ્યારે મહિલા વર્ગમાં આ પહેલી જ વિશ્વ કપ ટ્રોફી છે.
વર્લ્ડ ચૅમ્પિયન ટીમની વાઇસ-કૅપ્ટન ગંગા કદમ ‘મુંબઈ સમાચાર’ને કહે છે, ‘મેં વર્ષો પહેલાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે લોકો ટોણા મારતાં કે છોકરી ક્રિકેટ રમીને શું ઉકાળશે? માત્ર ટાઇમપાસ કરે છે. ક્રિકેટમાં સમય બગાડવા કરતાં ભણવા પર ધ્યાન આપ. મારી જેમ મારી સાથી ખેલાડીઓ પણ તેમના રાજ્યમાં આવી ટકોર સાંભળી ચૂકી હતી.
જોકે હવે જ્યારે હું અને મારી સાથી ખેલાડીઓ વર્લ્ડ કપ જીતી તેમ જ અમે સ્વદેશ પાછાં આવ્યાં ત્યારે ખાસ મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારી ભરપૂર પ્રશંસા કરી એટલે (ભૂતકાળમાં અમને ટકોર કરનારા) લોકોને સમજાઈ ગયું છે કે અમારા પ્રત્યેનો તેમનો અભિગમ ખોટો હતો. પહેલાં અમને અમારા ગામમાં બહુ ઓછા લોકો ઓળખતા, પણ હવે એકેએક જણ અમારા વખાણ કરી રહ્યા છે. અમને આશા છે કે હવે અમને વધુ આંતરરાષ્ટ્રીય મૅચો રમવા મળશે કે જેથી અમે એમાં પણ અમારી ટૅલન્ટ અને ક્ષમતા બતાવી શકીએ.’
16થી 29 વર્ષના વયજૂથની ભારતની તમામ ચૅમ્પિયન ખેલાડીઓ ખૂબ સાધારણ પરિવારની હતી અને એમાંની કેટલીક પ્લેયર તો એવા ગરીબ ફૅમિલીની છે કે જેમના પરિવારજનો રોજ બે ટાઇમ ભોજન પણ નથી કરી શકતા. કોઈક ખેતમજૂરની દીકરી છે તો કોઈક દૈનિક વેતન પર કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રી છે. મોટા ભાગની પ્લેયર્સ હૉસ્ટેલમાં રહે છે અને ભણવાનું થોડો સમય બાજુ પર રાખીને ક્રિકેટની પ્રૅક્ટિસ કર્યા બાદ સર્વોત્તમ ટ્રોફી જીતી લાવી છે.
મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, આસામ, ઓડિશા અને રાજસ્થાનમાંથી વર્લ્ડ કપમાં રમવા જનાર ખેલાડીઓને ક્રિકેટ ઍસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયાના ચૅરમૅન ડૉ. મહંતેશ જી. કિવાડાસન્નવાર તથા તેમની ટીમનો, મૅનેજર શિખા શેટ્ટીનો તથા રાજ્ય-સ્તરીય બ્લાઇન્ડ ઍસોસિયેશન્સનો તેમ જ સમર્થનમ સ્કૂલની ટીમનો ભરપૂર નૈતિક ટેકો અને પ્રોત્સાહન મળ્યાં હતાં.
બ્લાઇન્ડ ચૅમ્પિયન ખેલાડીઓ મોટા રોકડ ઇનામોની વર્ષાથી વંચિત
મહિલાઓ માટે પહેલી જ વખત બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપ રમાયો અને એ ભારતે જીતી લીધો છે. યાદ છે ને, 2007માં પહેલી જ વાર મેન્સ ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે એમએસ ધોનીના સુકાનમાં જીતી લીધો હતો. વિમેન્સ બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપ માટે કુલ નવ રાજ્યમાંથી ખેલાડીઓ શ્રીલંકા રમવા ગઈ હતી જેમાંથી આંગળીને વેઢે ગણાય એટલા જ રાજ્યની સરકારે પોતાના રાજ્યની વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી માટે 10થી 12 લાખ રૂપિયાનું રોકડ ઇનામ, ઘર તેમ જ સરકારી નોકરીની જાહેરાત કરી છે.
હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીતનારી ભારતની મુખ્ય મહિલા ટીમ પર કરોડો રૂપિયા (કુલ અંદાજે 90 કરોડ રૂપિયાના રોકડ ઇનામ)ની વર્ષા થઈ એના 10 ટકા ભાગનું પણ ઇનામ દેશની બ્લાઇન્ડ વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમને નથી મળ્યું. જોકે તેઓ મોટા રોકડ ઇનામ ડિઝર્વ કરે જ છે.
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ
દીપિકા ટી. સી. (કૅપ્ટન), ગંગા કદમ (વાઇસ-કૅપ્ટન), દુર્ગા યેવલે (વિકેટકીપર), જમુના રાની ટુડુ, કરુણા, અનુ કુમારી, ફુલા સરેન, સિમુ દાસ, અનેખા દેવી, બસંતી હંસદા, સુનીતા શ્રાઠે અને કાવ્યા વી.
મહારાષ્ટ્રની ગંગા કદમે સદ્ગત પિતાનું સપનું પૂરું કર્યું, તે પણ છે મોટા ઈનામની હકદાર
ભારતીય વર્લ્ડ ચૅમ્પિયન મહિલા બ્લાઇન્ડ ટી-20 ટીમની ઉપ-સુકાની ગંગા કદમ જીવનમાં જે સંઘર્ષ કરીને વર્લ્ડ કપની ટ્રોફી સુધી પહોંચી એની કથા કોઈને પણ ભાવુક કરી દે એવી અને પ્રેરણાત્મક છે. ખેડૂત પરિવારની 26 વર્ષીય ગંગા સંભાજી કદમે નાનપણમાં જ આંશિક દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
હિંગોલી જિલ્લામાં જન્મેલી અને સોલાપુરમાં ભણેલી ગંગા કદમ પૉલિટિકલ સાયન્સનું ભણે છે. તે માસ્ટર્સની ડિગ્રી બાદ પોસ્ટ ગ્રૅજ્યૂએશન કરી રહી છે. વર્લ્ડ કપ માટે તેણે ભણવાનું થોડો સમય બાજુ પર રાખીને પ્રૅક્ટિસમાં તનતોડ મહેનત કરી હતી. સોલાપુરની હૉસ્ટેલમાં રહીને પણ ક્રિકેટ જગત સાથે ગજબનું કનેક્શન રાખનાર ગંગાએ વર્લ્ડ કપના ચાર મહિના પહેલાં મોટો આઘાત સહન કરવો પડ્યો હતો.
‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે તે દુ:ખદ સમયમાં પણ ડગમગી નહોતી અને વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય સતતપણે ધ્યાનમાં રાખ્યું હતું. વર્લ્ડ કપના ચાર મહિના પહેલાં ગંગાના પિતા સંભાજી કદમ ગંભીર રીતે બીમાર પડી જતાં ગંગા તેમની પાસે દોડી ગઈ હતી અને ક્રિકેટની પ્રૅક્ટિસ છોડીને સતત તેમના પડખે રહેવા મક્કમ બની હતી.
જોકે પુત્રીએ વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું લક્ષ્ય ન છોડવું જોઈએ અને તેમનું એ સપનું હતું એટલે તેમણે (પિતાએ) પુત્રીને પ્રૅક્ટિસ ચાલુ રાખવાની સલાહ આપી હતી. ગંગાએ ઘરેથી વિદાય લીધી અને બીજા જ દિવસે તેના પિતાનું દેહાંત થયું હતું. ગંગા આઘાતમાં ડૂબી ગઈ હતી અને ક્રિકેટની પ્રૅક્ટિસ છોડવાનો વિચાર કર્યો હતો.
જોકે તેને તેના પર્સનલ કોચે કહ્યું, ‘તું પ્રૅક્ટિસ છોડીશ તો તારા સ્વર્ગવાસી પિતાને દુ:ખ થશે એટલે પ્રૅક્ટિસ ન છોડ અને વર્લ્ડ કપની ટ્રોફી જીતીને પિતાનું સપનું સાકાર કર.’ ગંગાએ એ તબક્કે પ્રણ લીધું કે હવે તો હું વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા પછી જ ઘરે પાછી જઈશ. ગંગાએ પપ્પાનું સપનું પૂરું કર્યું અને હિંગોલી જિલ્લાને તેમ જ સોલાપુરને, સમગ્ર મહારાષ્ટ્રને અને દેશને ગૌરવ અપાવ્યું. આ વિરલ સિદ્ધિ છતાં ગંગાની હજી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી મોટા ઇનામ સાથે નવાજેશ નથી થઈ જેની તે નૈતિક રીતે હકદાર છે.