અમદાવાદઃ શહેરના વિકાસ માટે કામ કરતી સરકારી એજન્સી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ શહેરના 10 મુખ્ય માર્ગ પર 4,604 હેક્ટર જમીન પર ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનના એક્સટેન્શનને મંજૂરી આપી છે. આ ડેવલપમેન્ટમાં 4.0 ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) અને પાર્કિંગ કન્સેશનનો સમાવેશ થાય છે.
આ લાભ એવા વિસ્તારોમાં પણ મળશે, જ્યાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) કોરિડોર અવેલેબલ નથી.
ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન (ટીઓઝેડ)દ્વારા મેટ્રોરેલ અથવા બીઆરટીએસ જેવા માસ ટ્રાન્સપોર્ટ કોરિડોરની લાઈનમાં 70થી 100 મીટર ઊંચી ઈમારતોને એક રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ નિર્ણય 17 ડિસેમ્બરના રોજ ઔડા ની 309મી બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો અને હવે તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
આ દરખાસ્ત હેઠળ, મુખ્ય રસ્તાઓની બંને બાજુએ 200 મીટર બફર ઝોનની અંદરની જમીનને જાહેર કરવામાં આવશે. રસ્તાઓમાં બોપલ ગામ-ઘુમા ગામ; સાયન્સ સિટી સર્કલ-સોલા બ્રિજ, વસંતનગર ટાઉનશીપ સુધી સોલા બ્રિજ-ગોતા ક્રોસરોડ્સ, બોપલ ગામ-સોબો સેન્ટર, ઇસ્કોન સર્કલ વાયા ઉજાલા સર્કલ-વિશાલા જંકશન, સુભાષ બ્રિજ-એરપોર્ટ રોડ, વિસત સર્કલ-વિશ્વકર્મા કોલેજ રોડ, ઝુંડાલ સર્કલ-અંબા ટાઉનશીપ, નરોડા પાટિયા વાયા દેવી સિનેમા-હંસપુરા રિંગ રોડ જંકશન, અને સારંગપુર ગેટ વાયા કાલુપુર ગેટ, ચોખા બજાર અને સિવિલ હોસ્પિટલ વાયા એરપોર્ટ રોડ સુધીનો સમાવેશ થાય છે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.