Thu Dec 25 2025

Logo

White Logo

અમિતાભ બચ્ચને કોના માટે કહ્યું કે હું એક ક્ષણ માટે પણ એના પરથી નજર હટાવી શક્યો નહીં… : પોસ્ટ થઈ વાઈરલ

1 day ago
Author: Darshana Visaria
Video

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરમાં પણ એકદમ તરવરાટ અને એનર્જીથી ભરપૂર છે. બિગ બી સોશિયલ મીડિયા પર ડે ટુ ડે અપડેટ્સ શેર કરીને ફેન્સ સાથે કનેક્ટેડ પણ રહે છે. ગઈકાલે મુંબઈમાં યોજાયેલી ફિલ્મ ઈક્કીસની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બિગ બી પહોંચ્યા હતા. અહીંયા તમારી જાણ માટે કે આ જ એ ફિલ્મ છે કે જેનાથી બિગ બીનો દોહિત્ર અગત્સ્ય નંદા ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો રિવ્યૂ પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં બિગ બી ખૂબ જ ઈમોશનલ પણ થઈ રહ્યા છે, ચાલો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં... 

અમિતાભ બચ્ચને શેર કરેલાં બ્લોગમાં ફિલ્મ ઈક્કીસના ભરપેટ વખાણ કર્યા અને એની સાથે સાથે જ દોહિત્ર અને ફિલ્મના હીરો અગત્સ્ય નંદાના કામની પણ પ્રશંસા કરી છે. બિગ બીએ પોતાના બ્લોગમાં દોહિત્ર અગત્સ્ય નંદાની એક્ટિંગના વખાણ કરતાં લખ્યું હતું કે તેની મેચ્યોરિટી અને અનફિલ્ટર્ડ સચ્ચાઈ ખૂબ જ કમાલની છે. સાચું કહું તો હું તેના પરથી મારી નજર જ હટાવી શક્યો નહોતો. 

પહેલી જાન્યુઆરી, 2026ના ફિલ્મ ઈક્કીસ થિયેટર્સમાં રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ બોલીવૂડના હી-મેન અને દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ છે. ફિલ્મનું ગઈકાલે ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. સિલ્વર સ્ક્રીન પર દોહિત્ર અગત્સ્ય નંદાની એક્ટિંગ અને સ્કીલ જોઈને બિગ બીની આંખો ખુશીથી છલકાઈ ઉઠી હતી અને ગર્વની લાગણી અનુભવાઈ હતી. 

બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઈમોશન્સ વહી રહ્યા છે. આજે રાતે જ્યારે દોહિત્રને ફિલ્મ ઈક્કીસમાં ચમકતો જોયો. જ્યારે શ્વેતાને લેબર પેન બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ ગયા અને અગસ્ત્યના જન્મ બાદ જ્યારે મેં એને પહેલી વખત હાથમાં લીધો ત્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા કે શું તેની આંખો બ્લ્યુ કલરની છે? ધીરે ધીરે તે મોટો થયો અને મારી દાઢી સાથે રમવા લાગ્યો અને મોટો થઈને એક્ટર બનવાનો નિર્ણય અગત્સ્યએ કર્યો અને આજે તેને મોટા પડદા પર એક્ટિંગ કરતો જોવો. 

બિગ બીએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે ફિલ્મમાં એક પણ ક્ષણ માટે હું સ્ક્રીન પરથી હું મારી નજર હટાવી શક્યો નહોતો અને આ બધું હું એક નાના તરીકે નહીં પણ એક ફિલ્મ લવરની દ્રષ્ટિએ કહી રહ્યો છું. અગત્સ્યની મેચ્યોરિટી, કેરેક્ટરને લઈને વિના ફિલ્ટર દેખાડવામાં આવેલી ઈમાનદારી, દરેક શોટમાં પરફેક્શન. જ્યારે તે સ્ક્રીન પર આવે છે ત્યારે તમે માત્ર અગત્સ્યને જુઓ છો અને આ એક નાના નહીં પણ ફિલ્મપ્રેમી બોલી રહ્યો છે. 

બિગ બીએ પોતાની પોસ્ટના અંતમાં શ્રીરામ રાઘવનની ફિલ્મની સ્ક્રીપ્ટ અને ડિરેક્શનના પણ વખાણ કર્યા હતા. ફિલ્મ તમને ઈમોશનલ બનાવે છે અને તમને ગર્વથી ભરી નાખે છે. આ ફિલ્મ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત છે અને અગત્સ્ય નંદા આ ફિલ્મમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણનો રોલ કરી રહ્યો છે કે જેઓ 1971માં ભારત-પાક યુદ્ધમાં બસંતરની જંગમાં શહીદ થયા હતા.