અમદાવાદઃ પિતા પુત્રને ઠપકારે અથવા પુત્ર પિતા પાસે જીદ કર કે ઝગડો કરે, આ બન્ન ઘટનાઓ લગભગ દરેક ઘરમાં થતી હોય છે, પરંતુ અમુક સમયે આ રોજ બનતી ઘટના વરવું સ્વરૂપ લઈ લેતી હોય છે. આવી બે ઘટના ગુજરાતના બે શહેરો સુરત અને જામનગરમાં બની છે, જેમાં એક પુત્રએ પિતાના ઠપકાને લીધે અને પિતાએ પુત્ર સાથેના ઝગડાને લીધે આત્મહત્યા કરી લીધી હતી.
સુરતની ઘટનામાં રામપુરમાં એક રત્નકલાકાર પિતાએ પુત્રને કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે અહીં રહે છે. તેઓ હીરા ઘસવાના કામ સાથે જોડાયેલા છે અને 23 વર્ષીય દીકરો દાનિશ પણ હીરાની ઓફિસમાં કામ કરતો હતો, પરંતુ દીકરો કામમાં ધ્યાનમાં આપતો ન હોવાથી અને રખડતો રહેત હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગતા પુત્રએ ચોથા માળેથી કૂદી જીવ આપી દીધો હતો.
તો બીજી બાજુ જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે રહેતા રિક્ષાચાલક નીલેશ બચુભાઈ સૂચક (57) રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. તેમનો દીકરો ધવલ નવું બુલેટ ખરીદવા માગતો હતો, પરંતુ આર્થિક તંગીને લીધે પિતા ના પાડતા હતા. આવી બાબતોએ ઝગડો થતો હતો. આ બધાથી કંટાળી પિતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં સતત આત્મહત્યાના બનાવ બનતા રહે છે અને તેમાં બહાર આવતા કારણો સામાન્ય હોય છે ત્યારે માનસિક સ્વાસ્થ્યનો વિષય ખૂબ જ ગંભીર ચિંતન માગી લે તેવો છે. જોકે અહીં વણસતા સંબંધો પણ ચિંતાનો વિષય છે. મા-બાપ અને સંતાનો વચ્ચે રકઝક સામાન્ય હોય છે, પરંતુ સંતાનો કે માતા-પિતા આ વાતને વધારે ગંભીરતાથી લઈ આ પ્રકારના આત્યંતિક ભરે તે સમાજ વ્યવસ્થા માટે પણ ખતરારૂપ છે.