Wed Jan 07 2026

Logo

White Logo

ડૉલર સામે રૂપિયો : વધુ 29 પૈસા ખાબકીને નવા તળિયે

3 weeks ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીના દબાણ, બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલીને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 29 પૈસા ખાબકીને 90.78ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 90.49ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.53ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.80 અને ઉપરમાં 90.51ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસાનાં કડાકા સાથે 90.78ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 17 પૈસા તૂટ્યો હતો. 

ગત નવેમ્બર મહિનામાં દેશની નિકાસમાં 19.37 ટકાનો વધારો અને આયાતમાં 1.88 ટકાનો ઘટાડો થતાં વેપાર ખાધ 24.53 અબજ ડૉલરના સ્તરે રહી હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં ગબડતા રૂપિયાને ટેકો ન મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલરમાં આયાતકારોની પ્રબળ માગ અને મૂડીગત્‌‍ બાહ્ય પ્રવાહ પણ વધુ રહેતાં માગ અને પુરવઠા વચ્ચેનું સમતુલન ખોરવાતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો છે.

અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં 90.50ની સપાટી ટેકાની સપાટી અને 90.95ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શકયતા જણાય છે. 
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.08 ટકા ઘટીને 98.32 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.21 ટકા વધીને બેરલદીઠ 61.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલો અનુક્રમે 54.30 પૉઈન્ટનો અને 19.65 પૉઈન્ટનો ઘટાડો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં 1114.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.