Thu Jan 01 2026

Logo

White Logo

ઉન્નાવ રેપ કેસ : કુલદીપ સેંગરના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, પીડિતાએ રાહુલ ગાંધી પાસે માંગી મદદ

6 days ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: બહુચર્ચીત ઉન્નાવ રેપ કેસના દોષી કુલદીપ સેંગરને દિલ્હી હાઈ કોર્ટે જામીન આપ્યા છે. કુદલીપ સિંહ સેંગરને જામીન મળતાની સાથે છે, લોકોમાં રોષ વ્યાપ્યો હતો. ઠેર-ઠેર વિરોધના સૂર ઉઠ્યા હતા. કસ્ટોડિયલ ડેથના કેસની સજાને લઈને કુલદીપ સિંહ સેંગર હજુ પણ જેલમાં છે. રેપની પીડિતાએ પણ દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસના વિરોધ પ્રદર્શનો બાદ હવે કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

દિલ્હી હાઈ કોર્ટનો આદેશ યોગ્ય નથી

બે મહિલા વકીલોએ દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સિંહ સેંગરને આપેલી જામીનનો વિરોધ કરવામાં આવ્યો છે. અરજીમાં કુલદીપ સિંહ સેંગરના જામીન રદ્દ ફગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીકર્તા વકીલોનું કહેવું છે કે, સેંગરને આજીવન કારાવાસની સજા થઈ છે, એવામાં આવો આદેશ યોગ્ય નથી. 

ઉન્નાવ રેપ કેસની તપાસ કરનાર CBI પણ હવે દિલ્હી હાઈ કોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહી છે. CBIનું કહેવું છે કે, પીડિતાને ન્યાય અપાવવો એ અમારી પ્રાથમિકતા છે. 

પીડિતાની કૉંગ્રેસ પાસે માંગ

ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસની પીડિતા જ્યારે ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. ત્યારે પોલીસ તેને ઉઠાવીને લઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને એક્સ પર શેર કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, "શું એક ગેંગરેપ પીડિતા સાથે આવો વ્યવહાર યોગ્ય છે? તેની ભૂલ માત્ર એટલી છે કે, તે પોતાનો અવાજ ઉઠાવવાની હિંમત કરી રહી છે. બળાત્કારિયોને જામીન અને પીડિતા સાથે ગુનેગારો જેવું વર્તન, આ કેવો ન્યાય છે?" આ ઉપરાંત પીડિતાએ ગઈકાલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુલાકાત પણ લીધી હતી. 

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં પીડિતાએ પોતાની ત્રણ માંગ રજૂ કરી હતી. જેમાં પહેલી માંગ સુપ્રીમ કોર્ટમાં કુલદીપ સેંગર સામે કેસ લડવા માટે ટોપ લેવલનો વકીલ રોકવામાં મદદ કરવામાં આવે. બીજી માંગ તેને કૉંગ્રેસ શાસિત રાજ્યમાં શિફ્ટ થવામાં મદદ કરવામાં આવે. આ સિવાય તેના પતિને સારી નોકરી આપવામાં આવે, એ પીડિતાની ત્રીજી માંગ હતી.