મુંબઈ: નવી મુંબઈથી મુંબઈ સુધી મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. લાંબા સમયથી અટકેલી નેરુલ જેટીથી ભાઉચા ધક્કા સુધીની બોટ સેવા ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે. આનાથી ૯૦ મિનિટની મુસાફરી માત્ર ૩૦ મિનિટમાં કરી શકાશે. આમ સમયની બચત થશે, સાથે જ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.
નવી મુંબઈના મુસાફરો હવે જળ માર્ગે મુંબઈ પહોંચી શકશે. સિડકોએ નેરુલમાં પામ બીચ રોડ નજીક એક જેટી બનાવી હતી. પહેલાં આ જેટી પરથી રો-રો સેવા શરૂ કરવાની યોજના હતી. પરંતુ, કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે આ સેવા અટકી ગઈ હતી.
હવે, જેટી તૈયાર હોવા છતાં, અહીં ઘણાં વર્ષોથી વોટર ટ્રાન્સપોર્ટ શરૂ થઈ શક્યું ન હતું, પરંતુ હવે ૧૫ ડિસેમ્બરથી નેરુલથી ભાઉચા ધક્કા સુધી વોટર ટ્રાન્સપોર્ટ શક્ય બનશે. શરૂઆતમાં ૨૦ સીટર બોટ દરરોજ સવાર-સાંજ ચાર ટ્રિપ મારશે, જેમાં લગભગ ૮૦ લોકો દરરોજ મુસાફરી કરી શકશે.
હાલમાં નેરુલથી ભાઉચા ધક્કા સુધી જવામાં લગભગ ૯૦ મિનિટનો સમય લાગે છે, પરંતુ બોટ સેવા શરૂ થયા પછી આ મુસાફરી માત્ર ૩૦ મિનિટની કરી શકાશે. પ્રતિ મુસાફર ટિકિટના ૯૩૫ રૂપિયા હશે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા આ સંબંધે લીલી ઝંડી આપ્યા બાદ તરત જ આ સેવા શરૂ થઈ જશે. જોકે ભાડું ઘણું વધારે છે અને સામાન્ય લોકો તે પરવડી શકે તેમ નથી, એવું સ્થાનિકોનું કહેવું છે. તેથી, આ સેવા કેટલી સફળ રહે છે તે કહેવું મુશ્કેલ છે.