અમદાવાદઃ વડોદરામાં શુક્રવારે મોડી રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં આકસ્મિક રીતે પડી જવાથી 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. પરિવાર સાથે બહાર જમવા આવેલા યુવકના મોતથી મનપાના કામોમાં જોવા મળતી બેદરકારીએ લોકોમાં રોષ જગાવ્યો છે. પાણીની ટાંકી સાફ કર્યા બાદ ઢાંકણ ખુલ્લુ મૂકી દેવાતા આ અકસ્માત સર્જાયો હતો. મનપાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમવામાં આવેલી એજન્સી દ્વારા પાણીની ટાંકી વહેલી સવારે સાફ કરવામાં આવી હતી. સફાઈ કામગીરીના ભાગ રૂપે, ટાંકીમાંથી પાણી કાઢવા માટે ગટરના મેનહોલ ખોલવામાં આવ્યો હતો. જોકે, કામ પૂર્ણ થયા પછી, મેનહોલ બંધ કરવામાં આવ્યો ન હતો.
દરમિયાન સાંજે 7:30 વાગ્યા આસપાસ માંજલપુરની ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ ઝાલા, અકસ્માતે ખુલ્લા મેનહોલમાં પડી ગયા હતા. અહીંથી પસાર થતા લોકો અને સંબંધીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર કર્મચારીઓએ ઝાલાને મેનહોલમાંથી બહાર કાઢ્યા અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓ માંજલપુર પાણીની ટાંકી પાસે ખાણીપીણી માટે ગયા હતા. તેમના પરિવારના સભ્યોને સ્ટોલ પાસે મૂક્યા પછી, ઝાલા તેમની કાર રસ્તાની પેલે પાર પાર્ક કરવા ગયા હતા. આ સમયે અંધારું હોવાથી પાછા ફરતી વખતે, તેમણે ખુલ્લા મેનહોલ પર ધ્યાન આપ્યું નહીં હોય અને તેઓ પડી ગયા હશે. જ્યારે તે થોડીવાર સુધી પાછા ન ફર્યા ત્યારે પરિવારે તેમને શોધવાનું શરૂ કર્યું હતું અને તેઓ મેનહોલમાં પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
મેનહોલ લગભગ 17 ફૂટ ઊંડો હોવાનો અંદાજ છે, અને ફાયર કર્મચારીઓને મૃતદેહ કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલ છે. આસપાસનો પાઇપલાઇન વિસ્તાર પણ જર્જરિત હાલતમાં હતો. પાઇપો અને અન્ય સામગ્રી સ્થળની નજીક પડેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ઘટનાની નોંધ લઈ મનપાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સામે સખત પગલાં લેવાની વાત કરી હતી. ઝાલાના પિતા પોલીસ ખાતાના નિવૃત્ત કર્મચારી છે અને દવાની કંપનીમાં કામ કરતા ઝાલા એક સંતાનના પિતા હતા.