Thu Dec 25 2025

Logo

White Logo

આસામના કાર્બી આંગલોંગમાં હિંસક તોફાનઃ : 8 જણ ઘાયલ, ઈન્ટરનેટ સેવા બંધ

1 day ago
Author: Tejas
Video

આંગલોંગઃ આસામના શાંત ગણાતા કાર્બી આંગલોંગ જિલ્લામાં ફરી હિંસાની જ્વાળાઓ ફાટી નીકળી છે. આજે પ્રદર્શનકારીઓના બે જૂથની વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. આ સંઘર્ષને કાબૂમાં લેવા માટે પોલીસે કડક વલણ અપનાવવું પડ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

ખેરોની બજાર વિસ્તારમાં જ્યારે બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો, ત્યારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ હિંસામાં પ્રદર્શનકારીઓ, પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. આસામના ડીજીપી હરમીત સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે અને તોફાની તત્વોએ અનેક દુકાનો તેમ જ વાહનોને આગ ચાંપી દીધી છે.

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ આદિવાસી વિસ્તારોમાં થયેલું અતિક્રમણ છે. વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર હતા. તેમની માંગ છે કે વ્યાવસાયિક અને ગ્રામીણ ચરાણ અનામત વિસ્તાર (PGR અને VGR)માંથી ગેરકાયદે રીતે રહેતા લોકોને તાત્કાલિક દૂર કરવામાં આવે. સોમવારે ભીડ દ્વારા દુકાનો સળગાવવામાં આવ્યા બાદ મંગળવારે મહિલાઓ અને બાળકો પણ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી હિમંત વિશ્વ સરમાએ આ ઘટનાને અત્યંત સંવેદનશીલ ગણાવી છે. સરકાર વતી મંત્રી રાનોજ પેગુએ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી. લાંબી ચર્ચા અને સરકાર દ્વારા ટૂંક સમયમાં ત્રિપક્ષીય વાર્તાલાપ યોજવાની ખાતરી આપ્યા બાદ આંદોલનકારીઓએ તેમની ભૂખ હડતાળ સમેટી લીધી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં આ મુદ્દાનું વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન લાવવામાં આવશે.