Mon Dec 08 2025

Logo

White Logo

વન-ડેમાં વિરાટના : વિક્રમોની વણઝાર

11 hours ago
Author: Ajay Motiwala
Video

વિશાખાપટનમઃ વિરાટ કોહલીએ શનિવારે અહીં સાઉથ આફ્રિકા સામે ભારતના 2-1ના વિજય સાથે પૂરી થયેલી શ્રેણીમાં સૌથી વધુ 302 રન કરવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર (Award) મેળવ્યો એ સાથે તેણે કેટલાક વિક્રમો પોતાના નામે કર્યા હતા.

વિરાટ કોહલીના નામે લખાયા રેકૉર્ડ

(1) એક ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં સૌથી વધુ સેન્ચુરીઃ વિરાટ કોહલીએ એક આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. વન-ડે ફૉર્મેટમાં તેની 53 સેન્ચુરી છે. આ પહેલાં, સચિન તેન્ડુલકરનો વિક્રમ હતો જેણે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી હતી.

(2) ઘરઆંગણાના મેદાનો પર પચીસ સદીઃ વિરાટ (Virat) ઘરઆંગણાના મેદાનો પર પચીસ સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. તેણે તાજેતરની સિરીઝમાં બે સદી ફટકારી અને એ સાથે ઘરઆંગણે તે કુલ 26 સેન્ચુરી નોંધાવી ચૂક્યો છે.

(3) સૌથી વધુ પ્લેયર ઑફ ધ સિરીઝ પુરસ્કારઃ વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 20 પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ મેળવનાર ખેલાડી બન્યો છે. તેણે સચિનનો 19 પુરસ્કારનો વિક્રમ તોડ્યો છે.

(4) સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સેન્ચુરીઃ વિરાટ સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં સૌથી વધુ સાત સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે જે વિશ્વભરના ક્રિકેટરોમાં હાઇએસ્ટ છે.

(5) વિરાટ-રોહિતની જોડીમાં સૌથી વધુ મૅચઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકસાથે સૌથી વધુ મૅચ રમનાર ખેલાડી બન્યા છે. તેઓ ભેગા મળીને 394 મૅચ રમ્યા છે. તેમણે સચિન અને દ્રવિડનો 391 મૅચનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે.

(6) સતત 11મી વખત બૅક ટુ બૅક સેન્ચુરીઃ વિરાટે વન-ડે કરીઅરમાં સતત બે મૅચમાં (બૅક ટુ બૅક) સદી ફટકારી હોય એવું 11 વખત બન્યું છે જે વિશ્વવિક્રમ છે. તેના પછી ડિવિલિયર્સ (છ વખત બૅક ટુ બૅક સદી)નું નામ છે.

(7) સતત ચાર કે વધુ ઇનિંગ્સમાં 50-પ્લસનો સ્કોરઃ કોહલીએ ચાર કે વધુ ઇનિંગ્સમાં 50 કે એનાથી વધુ રન કર્યા હોય એવું તેની કારકિર્દીમાં નવ વખત બન્યું છે. તેણે સાઉથ આફ્રિકા સામે બે સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીની પહેલાં ઑસ્ટ્રેલિયા સામે અણનમ 74 રન કર્યા હતા.

(8) 34 અલગ સ્થળે સેન્ચુરીઃ વિરાટે વન-ડે કરીઅરમાં અલગ અલગ 34 સ્થળે સેન્ચુરી ફટકારી છે અને એ સાથે તેણે સચિનની બરાબરી કરી છે.

(9) કોહલી-રોહિતની સેન્ચુરીની ભાગીદારીનો વિક્રમઃ બન્ને દિગ્ગજોએ વન-ડેની કરીઅરમાં 20 સેન્ચુરી પાર્ટનરશિપ કરી અને સંગકારા-દિલશાનની બરાબરી કરી છે. હવે માત્ર સચિન-ગાંગુલી (26 ભાગીદારી) કોહલી-રોહિતથી આગળ છે.

(10) સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ 50-પ્લસ સ્કોરઃ કોહલીએ ત્રણેય ફૉર્મેટમાં સાઉથ આફ્રિકા સામે કુલ મળીને 27 વખત 50 કે વધુ રન કર્યા છે જે રેકૉર્ડ છે.