આપણામાંથી અનેક લોકોએ જીવનમાં ક્યારેકને ક્યારેક તો મોંઘી મોંઘી ફાઈવસ્ટાર કે ફાઈન ડાઈનિંગમાં જઈને ડિનર કે લંચ તો કર્યું જ હશે, બરાબર ને? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમને એ વાત પણ ખ્યાલ હશે કે આવી રેસ્ટોરાંમાં ફૂડનું પોર્શન ખૂબ જ ઓછું હોય છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આટલા પૈસા લઈને પણ રેસ્ટોરાં કે હોટેલ કેમ કસ્ટમરને ઓછું ખાવાનું આપે છે? ડોન્ટ વરી આજે તમને આ સ્ટોરીમાં આ પાછળનું ગણિત અને કારણ જણાવીશું…
ફાઈન ડાઈનિંગ અને મોંઘા રેસ્ટોરાંમાં ડિશમાં સર્વ કરવામાં આવતા ફૂડનું પોર્શન ખૂબ જ ઓછું હોય છે. આ પાછળના કારણની વાત કરીએ તો મોંઘી, મોટી અને ફાઈવસ્ટાર હોટેલમાં ફૂડ જલદી જલદી ખાવા માટે નહીં પણ તેના સ્વાદને સમજવા માટે પીરસવામાં આવે છે. ગેસ્ટ હંમેશા ડિશને ધ્યાનથી અને ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે.
લક્ઝુરિયસ અને મોંઘી રેસ્ટોરાંમાં ગેસ્ટ સામે એક સમય પર એક જ ડિશ પીરસવામાં આવે છે, કારણ કે સામાન્યપણે આવી જગ્યાઓ પર ગેસ્ટ માટે ચારથી આઠ કોર્સ મીલ હોય છે. દરેક કોર્સમાં અલગ અલગ ડિશ હોય છે જેમ કે સ્ટાર્ટર, મેન કોર્સ, ડેઝર્ટ અને ડ્રિંક પણ પીરસવામાં આવે છે. એક સમયે એક જ કોર્સ પીરસવામાં આવે તો ગેસ્ટ કોઈ પણ મૂંઝવણ વિના આરામથી દરેક મીલને એન્જોય કરી શકે છે.
ખાવામાં અલગ અલગ કોર્સ હોવાનો અર્થ ટેસ્ટિંગ મેનુ હોય છે. આ એક ખાસ મેનુ હોય છે જેમાં 5થી 12 નાના નાના કોર્સ આપવામાં આવે છે. આ આઈડિયા ફ્રેન્ચ શબ્દ ડેગુસ્ટેશનથી આવ્યું છે, જેનો અર્થ એવો થાય છે અલગ અલગ ફૂડને થોડું થોડું ચાખવું. મોટી અને લક્ઝરી રેસ્ટોરાં ક્યારેય પોતાની ક્વોલિટી સામે કોમ્પ્રોમાઈઝ નથી કરતાં. તે પોતાના ફૂડમાં મોંઘા અને ખાસ ઈન્ગ્રિડિયેન્ટસનો ઉપયોગ કરે છે.
ફૂડનું પોર્શન ઓછું હોવાને કારણે શેફ દરેક ડિશને વધુ સારી રીતે તૈયાર કરી શકે છે અને દરેક ડિશમાં એક અલગ સ્વાદ જોવા મળે છે. આ સિવાય ઓછી ક્વોન્ટિટીને કારણે શેફ સ્વાદને સારી રીતે બેલેન્સ કરી શકે છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે જ્યારે ફૂડની ક્વોન્ટિટી ઓછી હોય છે ત્યારે પ્લેટ પર તેને સુંદર અને આર્ટિસ્ટિક રીતે સજાવી શકાય છે.
જો એક જ પ્લેટમાં અનેક ડિશ હોય છે તો કોઈ એક ડિશને સમજવામાં અઘરું પડે છે. આ સિવાય જ્યારે પ્લેટમાં ઓછી ડિશ હોય છે ત્યારે ગેસ્ટ ડિશને ધ્યાનથી જોઈને તેનો સ્વાદ લઈને ખાઈ શકે છે અને ફૂડનો રિયલ ટેસ્ટ સમજી અને માણી શકે છે.