અંબાજી: સનાતન ધર્મમાં પૂનમનું અનેરું મહત્વનું રહેલું છે, દરેક મહિનાની પૂનમના દિવસે મંદિરોમાં ખૂબ જ ભીડ રહે છે. પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું મહત્વ જુદું જ છે, કારણ કે પોષી પૂનમ એ જગતજનની મા અંબાનો પ્રાગટય દિવસ માનવામાં આવે છે. પોષી પૂનમનું ગુજરાતમાં ખાસ મહત્વ રહેલું છે. આજે બનાસકાંઠામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મા અંબાનો પ્રાગટય દિવસની શક્તિપીઠ અંબાજી ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે ગબ્બર તળેટીથી અંબાજી મંદિર સુધી જયોત યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ ત્યારબાદ સવારે ૮:૩૦ કલાકે મહાશકિત યજ્ઞ પ્રારંભ થયો હતો. તે ઉપરાંત સવારે ૧૦:૩૦ કલાકે અંબાજી નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે માતાજીનો અન્નકુટ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી ખાતે પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. ગઇકાલે માતાજીને રૂ.૪૩.૫૧ લાખનો સુવર્ણ-રત્નજડિત દિવ્ય મુગુટ અર્પણ કરવામાં આવ્યો હતો. જય ભોલે ગ્રુપ, અમદાવાદ દ્વારા અંબાજી માતાજીને ભવ્ય સુવર્ણ મુગુટની ભેટ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોષી પૂનમ એ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આજના એટલે કે પોષી પૂનમના દિવસે દેવી સતીના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.
ગિરનાર પર પણ છે અંબાજીનું સ્થાનક
ગુજરાતમાં અંબાજી સિવાય અન્ય એક પણ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ અંબાજી મંદિર આવેલું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ મા અંબાજીનું મંદિર આવેલું છે. ગિરનાર પર આવેલું માં અંબાનું મંદિર પશ્ચિમાભિમુખ છે. ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે.