2026નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ ખગોળશાસ્ત્રીઓ આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ એટલે કે આજે ત્રીજી જાન્યુઆરીના અવકાશપ્રેમીઓ માટે એક શાનદાર ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આજે રાતે આકાશમાં 'વુલ્ફ સુપરમૂન' (Wolf Supermoon)નો અદ્ભૂત નજારો જોવા મળશે, જેને કારણે આખું આકાશ દૂધિયા રોશનીમાં નહાઈ ઉઠશે. આજે 2026નો પહેલો ફૂલ મૂન હશે અને કહેવાની જરૂર ખરી કે તે નોર્મલ પૂનમના ચંદ્ર કરતાં કદમાં મોટો અને વધારે તેજસ્વી દેખાશે. ચાલો જાણીએ આ સુપરમૂન વિશે વિસ્તારથી...
શું છે સુપરમૂન?
જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના બિંદુ પર હોય અને એ જ સમયે પૂનમ આવે ત્યારે તેને 'સુપરમૂન' કહેવામાં આવે છે. ચંદ્રની ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળ નથી પણ લંબગોળ છે, તેથી પૃથ્વીથી તેનું અંતર બદલાતું રહે છે. ત્રીજી જાન્યુઆરીએ ચંદ્ર પૃથ્વીથી અંદાજે 3,62,000 કિલોમીટરના અંતરે હશે. આ કારણે જ તે સામાન્ય પૂનમની રાતે દેખાતા ચંદ્ર કરતાં 6થી 14 ટકા વધુ મોટો અને 13થી 30 ટકા વધુ તેજસ્વી દેખાશે.
કેમ કહેવાય છે 'વુલ્ફ સુપરમૂન'?
વાત કરીએ કે કેમ આજના સુપનમૂનને વુલ્ફ સુપરમૂન કહેવામાં આવે છે છે એની તો જાન્યુઆરી મહિનાની પૂનમને પરંપરાગત રીતે 'વુલ્ફ મૂન' તરીકે જ ઓળખવામાં આવે છે. આ આ નામ ઉત્તર ગોળાર્ધની પ્રાચીન લોકકથાઓમાંથી આવ્યું છે, જ્યાં શિયાળાની લાંબી રાતોમાં વરુઓના રડવાનો અવાજ સંભળાતો હતો. 2026નો આ વુલ્ફ મૂન ખાસ છે કારણ કે આ સમયે પૃથ્વી સૂર્યની પણ નજીક હશે અને એને કારણે ચંદ્ર પર પડતો સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી બને છે.
ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે?
હવે આગળ વધીએ અને વાત કરીએ કે ભારતમાં આ સુપરમૂન ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે એની તો ત્રીજી જાન્યુઆરીની સાંજે સૂર્યાસ્ત પછી તરત જ એટલે કે અંદાજે સાંજે 5.45 કલાકથી 6 વાગ્યાની વચ્ચે પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતો જોઈ શકાશે. ક્ષિતિજ પાસે હોવાને કારણે શરૂઆતમાં ચંદ્ર હળવો પીળો કે નારંગી રંગનો દેખાઈ શકે છે. આ સિવાય આ સમયે ચંદ્રની નજીક ચમકતો ગુરુ ગ્રહ પણ જોઈ શકાશે, જે આ દ્રશ્યને વધુ મનમોહક બનાવશે.
જોતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાનઃ
આ નઝારો માણવા માટે કોઈ ખાસ ટેલિસ્કોપ કે ઉપકરણની જરૂર નથી, તમે તેને નરી આંખે આરામથી જોઈ શકો છો. જો તમારી પાસે દૂરબીન કે સારો કેમેરો હોય તો તમે ચંદ્રની સપાટીના ખાડા અને સ્પષ્ટ રોશનીને કેપ્ચર કરી શકો છો. જો આકાશ સ્વચ્છ હશે તો આ દ્રશ્ય વર્ષનું સૌથી સુંદર દ્રશ્ય સાબિત થશે.
તો, આજે સાંજે આકાશમાં આ અદ્ભૂત નજારો જોવાનું ચૂકશો નહીં, નહીં તો ચોક્કસ જ પસ્તાવવાનો વારો આવશે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.