Tue Jan 06 2026

Logo

White Logo

મકર સંક્રાંતિ 2026: પોંગલથી લઈને બિહુ સુધી, : જાણો ભારતના કયા રાજ્યમાં કયા નામે ઉજવાય છે ઉત્તરાયણ

3 days ago
Author: Darshana Visaria
Video

2026ના નવાનક્કોર વર્ષનો પ્રારંભ થઈ ગયો છે અને એની સાથે જ અનેક મહત્ત્વના વ્રત, તહેવારો પણ આવી રહ્યા છે. આવા જ તહેવારોમાંથી એક છે મકર સંક્રાંતિ કે જેને આપણે ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ. પોષ મહિનાના શુક્લ પક્ષમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે જ ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ત્યારથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. 

પરંતુ શું તમને ખબર છે કે મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે કે જે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે? કોઈ જગ્યાએ મકર સંક્રાંતિ તો ક્યાંક પોંગલ તો વળી ક્યાંક ઉત્તરાયણ, માઘી બિહુ, શિશુર સંક્રાંતિ અને હજી બીજું ઘણું બધું... ચાલો જોઈએ ભારતના કયા રાજ્યમાં આ તહેવારને કયા નામ ઉજવવામાં આવે છે. 

પોંગલઃ
તામિલનાડુમાં મકર સંક્રાંતિને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે અને આ ખેડૂતો માટે આ એક ખાસ પર્વ છે. ચાર દિવસ સુધી ઉજવવામાં આવતા આ તહેવારનો મુખ્ય દિવસ તો પોષ મહિનાની પ્રતિપદા હોય છે. પોંગલની પહેલાં અમાસ પર લોકો બદીઓને ત્યાગીને સારી વસ્તુઓને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. જેને પોહી તરીકે ઓળખવામાં આવે છે અને એનો અર્થ થાય છે જઈ રહેલી. 

લોહડીઃ 
પંજાબ, હરિયાણામાં આ તહેવારને લોહડી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો અગ્નિ દેવની પૂજા કરે છે અને રવિ પાકની લણણી સાથે આ તહેવાર જોડાયેલો છે. લોહડીના દિવસે સાંજે લોકો અગ્નિ પ્રગટાવીને તેની ફરતે ગોળાકારમાં નૃત્ય કરે છે. આ સમયે અગ્નિમાં તલ, રેવડી, ગોળ, ગજક વગેરે હોમવામાં આવે છે. આ સાથે સાથે જ રવી પાકને પણ આગમાં સમર્પિત કરવામાં આવે છે અને અગ્નિદેવ અને સૂર્યદેવનો આભાર માનવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે લાડુ વહેંચીને પતંગ પણ ચગાવે છે. 

બિહુઃ 
નોર્થ ઈસ્ટમાં આવેલા આસામમાં બિહુની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણી આસામમાં સાત દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન જાત જાતના પકવાન વગેરે બનાવવામાં આવે છે. એક વર્ષમાં ત્રણ વખત આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં શિયાળામાં પોષ સંક્રાંતિ સમયે, બીજી વખત વિષુવ સંક્રાંતિ સમયે અને ત્રીજું કાર્તિક મહિનામાં. 

ઉત્તરાયણઃ 
ગર્વીલા ગુજરાતમાં તો આ તહેવારની ઉજવણી દરમિયાન માહોલ જ આખો અલગ હોય છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મકર સંક્રાંતિને પતંગોત્સવના નામે પણ ઓળખવામાં આવે છે. પતંગ ઉડાવવા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો પતંગ ચગાવવાના બહાને સૂર્ય પ્રકાશમાં અમુક ચોક્કસ કલાકો પસાર કરવાનો હોય છે. 

ખિચડીઃ 
ઉત્તર પ્રદેશ અને બિહારમાં મકર સંક્રાંતિને ખિચડી તરીકે ઉજવવામાં છે, કારણ કે આ દિવસે ખિચડી બનાવીને ખાવાનો અને દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ખિચડી નવગ્રહોને સંતુલિત કરીને શુભ ફળ પ્રાપ્ત કરવાનું પ્રતિક છે. ખિચડી બનાવીને સૂર્ય દેવને સમર્પિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને બ્રાહ્મણોને દાનમાં આપીને પોતાના ભોજનમાં સામેલ કરવામાં આવે છે. 

વિદેશમાં પણ ઉજવાય છે મકર સંક્રાંતિ
મકર સંક્રાંતિનો તહેવાર ભારત સહિત અન્ય દેશોમાં ઉજાવવામાં આવે છે જેમ કે બાંગ્લાદેશમાં આ તહેવાર પોષ સંક્રાંતિ, નેપાળમાં માઘે સંક્રાંતિ કે ખિચડી સંક્રાંતિ, થાઈલેન્ડમાં સોંગકરન, લાઓસમાં પિ મા લાઓ, મ્યાનમારમાં થિંયાન, કંબોડિયામાં મોહા સંગક્રાન અને શ્રીલંકામાં પોંગલ. 

14મી કે 14મી જાન્યુઆરીના જ કેમ ઉજવાય છે?
મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે કે જે સૂર્યની સ્થિતિના આધારે ઉજવવામાં આવે છે અને આ જ કારણ છે કે ચંદ્રની સ્થિતિમાં મામુલી ફેરફારને કારણે ક્યારેક આ તહેવાર 14મી જાન્યુઆરી તો ક્યારેક 15મી જાન્યુઆરીના ઉજવવામાં આવે છે. પરંતુ સૂર્યની મુખ્ય ભૂમિકાને કારણે અંગ્રેજી તારીખ નથી બદલાતી.