નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2025ના રોજ સુરતથી બિલિમોરા વચ્ચે દોડશે તેવી જાહેરાત કરી હતી. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાર વર્ષથી વધુના વિલંબના કારણે ખર્ચમાં અંદાજે 83 ટકાનો વધારો થયો છે અને તે વધીને 1.89 લાખ કરોડ પર પહોંચી ગયો છે. 508 કિમીનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મુકાઈ રહેલા અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટના વધેલા ખર્ચ અંગે સરકારની 'પ્રગતિ' પહેલના બ્રીફિંગ દરમિયાન રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન સતીશ કુમારે જણાવ્યું હતું કે, સુધારેલા ખર્ચ માટે અંતિમ મંજૂરી લેવાની હજુ બાકી છે..જે એક કે બે મહિનામાં ફાઈનલ થઈ જશે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 1.1 લાખ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જમીન સંપાદનમાં વિલંબ, વૈધાનિક મંજૂરીઓ અને રોલિંગ સ્ટોક નક્કી કરવામાં થયેલા વિલંબ સહિતના વિવિધ કારણોસર પ્રોજેક્ટના સમય અને ખર્ચમાં વધારો થયો છે.
ગયા અઠવાડિયે એક નિવેદનમાં રેલવેએ જણાવ્યું હતું કે 30નવેમ્બર સુધી પ્રોજેક્ટની એકંદર ભૌતિક પ્રગતિ 55.6 ટકા અને નાણાકીય પ્રગતિ 69.6 ટકા હતી. નવેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ રૂ. 85,801 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને રેલવે મંત્રાલયના કામકાજની સમીક્ષા કરતી વખતે પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક સત્તાવાર યાદીમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, પાલઘર જિલ્લામાં વિરાર અને બોઈસર બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચેનો આ વિભાગ સૌથી લાંબા વિભાગોમાંનો એક છે.