Thu Dec 11 2025

Logo

White Logo

કથા કોલાજ : મારા લગભગ તમામ નાયક મારા પ્રેમમાં પડી જતા...!

1 hour ago
Author: Mumbaisamachar Team
Video

કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 8)
નામ: મુમતાઝ જહાન દહેલવી 
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ

છેલ્લા છ મહિનાથી સાવ ઘરમાં બંધ છું ત્યારે સમજાય છે કે મારો દિવસ કેટલો વ્યસ્ત રહેતો હતો... સવારે છ વાગ્યે ઊઠીને હું નવ વાગ્યે કોઈપણ સંજોગોમાં સેટ પર પહોંચી જતી. મારી સાથે મારી બહેન ચંચલ કે મધુર મોટેભાગે મારી સાથે આવતા. સેટ પર જઈને મેકઅપ કરીને, કપડાં પહેરીને હું તૈયાર રહેતી. એવું કહેવાતું કે મારી ગાડી સ્ટુડિયોમાં દાખલ થાય એ જોઈને લોકો પોતાની ઘડિયાળ મેળવતા. 

એક વાર ‘દુલારી’નું શુટિંગ ચાલતું હતું. મુંબઈમાં ભારે વરસાદ હતો. રસ્તાઓ બંધ, ટ્રેનો બંધ અને એ દરમિયાનમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં તેમ છતાં હું નવ વાગ્યે કરદાર સ્ટુડિયો પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું. હાથમાં છત્રી લઈને દરવાન મારી ગાડી પાસે આવ્યો. એણે મારી સામે જે રીતે જોયું એ નજરે કદાચ મને પાગલ સમજી લીધી હતી! મેં હસીને એને કહ્યું, ‘કરદાર સાહેબને કહેજે કે અમે આવ્યાં હતાં... કોઈ નહોતું એટલે હું પાછી ગઈ!’ 

દેવ આનંદ, દિલીપ કુમાર અને ભારત ભૂષણ જેવા નાયક પણ મારે લીધે સમયસર આવતા થઈ જતા... નિર્માતા ક્યારેક મારે લીધે ફાયદામાં રહેતા! ઘણી વાર આ બધા નાયક એટલા માટે પણ વહેલા આવતા કે, શુટિંગ શરૂ થાય એ પહેલાં મારી સાથે થોડી વાતો થઈ શકે. હું જરાય અતિશયોક્તિ નથી કરતી કે નથી મારી બડાસ મારતી... પરંતુ, મારી સાથે કામ કરનારા લગભગ તમામ નાયક એક યા બીજા સમયે મારા પ્રેમમાં પડી જતા. 

જેમાં સૌથી પહેલાં પ્રેમનાથને યાદ કરવા પડે. અમે ‘આરામ’ના સેટ પર પહેલીવાર મળ્યાં. પ્રેમનાથ સતત મારી આગળ-પાછળ રહેતા. મારા અબ્બુને આ સમજાઈ ગયું હતું એટલે એમણે એક દિવસ મને કહ્યું, ‘આ પ્રેમનાથથી જરા દૂર રહેજે...’ આમ તો મેં હસીને વાત ટાળી દીધી હતી, પરંતુ એ રાજ કપૂરના સાળા હતા. 1950 સુધીમાં રાજ કપૂર સ્ટાર બની ચૂક્યા હતા. ‘અંદાઝ’ અને ‘બરસાત’ રિલીઝ થઈ ચૂકી હતી. પ્રેમનાથ પણ એક ઓળખ મેળવી ચૂક્યા હતા. મારા અબ્બુને સૌનો ડર લાગતો. પ્રેમનાથ પણ કંઈ અલગ નહોતા. 

અબ્બુએ એક દિવસ પ્રેમનાથને ખુલ્લી સૂચના આપી દીધી, ‘મુઝે મધુ કે આસપાસ તુમ્હારા મંડરાના અચ્છા નહીં લગતા.’ એ વખતે તો પ્રેમનાથ વાતને ગળી ગયા કારણ કે, એમને કોઈ મુદ્દો ઊભો કરવામાં રસ નહોતો. નવા કલાકાર તરીકે ફિલ્મ સારી બને એ માટે એ પૂરો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં દિલીપ કુમારે પણ પોતાની એક ઓળખ ઉભી કરી હતી. નિર્માતા-નિર્દેશક રામ દરિયાનીએ મને અને યુસુફને લઈને એક ફિલ્મ એનાઉન્સ કરી, ‘તરાના’. આ પહેલાં અમે ‘જ્વારભાટા’માં સાથે કામ કરવાનાં હતાં, પરંતુ ‘જ્વારભાટા’માંથી મને કાઢી મૂકી. એટલે ‘તરાના’ અમારી પહેલી ફિલ્મ બની. 

એ જ વખતે દિલીપ કુમાર પોતે નિર્દેશન કરવાનો વિચાર કરવા લાગ્યા. એમણે ‘હરસિંગાર’ ફિલ્મની જાહેરાત કરી, પરંતુ ત્યાં સુધીમાં ‘તરાના’ રિલીઝ થઈ ગઈ. લોકોએ ખૂબ વખાણી. અનેક નિર્માતાઓ અમને સાથે લેવા પડાપડી કરવા લાગ્યા, પરંતુ મારા અબ્બુને સમજાઈ ગયું હતું કે, અત્યાર સુધી હું તમામ નાયકોની મજાક ઉડાવતી, પરંતુ યુસુફથી હું અભિભૂત થઈ ગઈ હતી. ‘તરાના’ના પ્રણય દૃશ્યો પ્રેક્ષકોને ખૂબ ગમ્યા કારણ કે એમાં એમને સચ્ચાઈ લાગી ને વાત ખોટી નહોતી. 

યુસુફ સાથે પ્રણય દૃશ્ય ભજવતી વખતે, એની આંખોમાં જોતાં જ હું ખોવાઈ ગઈ. કોણ જાણે મને શું થઈ જતું. અબ્બુ સમજી ગયા. એમણે યુસુફ સાથેની ફિલ્મોને તારીખ આપવામાં આનાકાની કરવા લાગી. અનુબંધના પૈસા વધારી દીધા, પરંતુ એ પછી એક ફિલ્મ ‘સંગદિલ’ રિલીઝ થઈ. એ પણ ખૂબ સફળ થઈ. યુસુફ સાથેની નિકટતા હવે માત્ર અબ્બુને નહીં, પત્રકારો અને સહકાર્યકરોને પણ દેખાવા લાગી હતી. મારા અનેક મિત્રો યુસુફને લઈને મારી મજાક કરતા. 

જોકે, યુસુફને મારે માટે આવી કોઈ લાગણી છે કે નહીં એવી મને ખબર નહોતી. એ ગાળામાં મહેબુબ ખાન એક વાર્તા લઈને આવ્યા, ‘અમર’. હીરોના નેગેટિવ શેડની આ વાર્તા યુસુફને ખૂબ ગમી. એણે આગ્રહ રાખ્યો કે આ ફિલ્મમાં હીરોઈન તરીકે મને જ લેવામાં આવે. વાર્તા ખૂબ સરસ હતી મને પણ બહુ ગમી હતી. અબ્બુએ પોતાની રીતે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ વાર્તાને કારણે મેં ફિલ્મ કરવાનું નક્કી કર્યું... અનુબંધની શરતોમાં પણ મેં બાંધછોડ કરવાની તૈયારી બતાવી. 

યુસુફની સાથે સમય પસાર કરવા મળે એ મારી પહેલી લાલચ હતી અને ફિલ્મ જબરજસ્ત વાર્તા ધરાવતી હતી એ પણ મહત્ત્વનું કારણ તો હતું જ. ‘અમર’માં એક નવી છોકરી ઈન્ટ્રોડ્યુસ થઈ, ‘નિમ્મી’. સેટ પર મારો દબદબો રહેતો. એકાદ-બેવાર મારા પિતાએ નિમ્મી સાથે અપમાનજનક વર્તન કર્યું. યુસુફે મારા પિતાને સીધી ચેતવણી આપી જેમાંથી વાત બગડી... ‘હરસિંગાર’ અભરાઈ પર ચડી ગઈ. એ દરમિયાન યુસુફ વાર્તામાં અને દિગ્દર્શનમાં ખૂબ ઈન્ટરફિયર કરવા લાગ્યો. મહેબુબ ખાનને ગમતું નહીં, પરંતુ યુસુફને કોઈ કશું કહી શકે એમ નહોતું. 

પરિસ્થિતિ એ હદે વણસી ગઈ કે, મહેબુબ ખાને સેટ પર બૂમ પાડીને કહેવું પડ્યું, ‘આ ફિલ્મનો દિગ્દર્શક હું છું...’ દિલીપ કુમારે કરેલા ફેરફારને કારણે ફિલ્મનો મૂળ વિચાર અટવાઈ ગયો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ડૂબી ગઈ. એ દરમિયાનમાં દિલીપ કુમાર ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘ઈન્સાનિયત’ જેવી ફિલ્મો કરીને પોતાનો સિક્કો જમાવી દીધો હતો. અબ્બુ વધુ ચોકન્ના થઈ ગયા હતા. એમને ડર લાગતો હતો કે, યુસુફ મને નિકાહ કરવા મનાવી લેશે...

જીવનમાં કોઈ દિવસ રજા ન લેનારો માણસ છેક ચેન્નાઈથી દોઢ દિવસની રજા લઈને મારી સાથે ઈદ મનાવવા આવ્યા ત્યારે અબ્બુને ખાતરી થઈ ગઈ કે, પાણી માથા ઉપર જતું રહ્યું છે. એમણે યુસુફને એક કાગળ લખ્યો. જેમાં મારાથી દૂર રહેવાની કડક સૂચનાની સાથે સાથે જો એ નહીં માને તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપશે. દિલીપ કુમાર પણ સ્ટાર હતા. એમને માટે આ અપમાન ઓછું નહોતું, તેમ છતાં એમણે એક છેલ્લો પ્રયત્ન કરી જોવાનો નિર્ણય કર્યો. 

‘ઢાકા કી મલમલ’નું શુટિંગ ચાલતું હતું. ફિલ્મના નિર્માતાને વિનંતી કરીને એમણે મારા અબ્બુને અડધો કલાક માટે બહાર મોકલ્યા. આમ તો યુસુફ આસપાસ હોય ત્યારે અબ્બુ ક્યાંય જાય જ નહીં, પરંતુ નિર્માતાના બહાના આગળ એમની દલીલ બહુ ચાલી નહીં એટલે એ કોઈ કામે બહાર ગયા... એ જ વખતે યુસુફે ઓમપ્રકાશને વિનંતી કરી કે, એ મારા મેકઅપ રૂમમાં આવે. મારા આશ્ચર્ય સાથે ઓમપ્રકાશ જ્યારે મેકઅપ રૂમમાં આવ્યા ત્યારે યુસુફે ધીમા અવાજે ઓમપ્રકાશને કહ્યું, ‘તમને એટલા માટે બોલાવ્યા છે કાલે ઉઠીને કોઈ મને બેવફા ન કહે. 

હું અત્યારે મધુને લગ્ન પ્રપોઝ કરું છું. મારે ઘરે કાઝી બોલાવ્યા છે. આજે અહીંથી એ જો મારી સાથે મારા ઘરે આવશે તો આ લગ્ન થશે.’ એમણે મારી સામે જોઈને પૂછ્યું, ‘શું જવાબ છે તારો?’ હું ખુરશીમાં બેઠી બૂત બની ગઈ હતી. આવી કોઈ પરિસ્થિતિ માટે હું તૈયાર નહોતી. નાનીમોટી વાતમાં અબ્બુને છેતરવાની મજા પડતી કે થ્રિલ હતી, પરંતુ ઘર છોડીને નીકળી જવાનો વિચાર મને કદી આવ્યો નહોતો. યુસુફની આ વાત મારે માટે અકલ્પ્ય હતી. હું ચૂપચાપ રડતી રડતી બેસી રહી. 

યુસુફે ત્રણ વખત પૂછ્યું, ‘તારો જવાબ શું છે?’ હું જવાબ આપી શકવાની સ્થિતિમાં જ નહોતી. મને એક હજાર વિચાર આવી ગયા... અબ્બુને છોડીને ચાલી જાઉ, તો ઘરનું શું થાય, કોણ કમાય? જો યુસુફ સાથે કોઈ દિવસ સંબંધ બગડે તો મારા ઈગોઈસ્ટિક પિતા મને ક્યારેય પાછી ઘરમાં નહીં આવવા દે એની મને ખાતરી હતી, એ સ્થિતિમાં મારું શું થાય... કારકિર્દીનું શું થાય? કારકિર્દી વગરની મધુબાલા કઈ રીતે જીવી શકે? મારી બધી કમાણી મારા પિતાના હસ્તક હતી. યુસુફ મને ફિલ્મોમાં કામ નહીં કરવા દે તો મારી જિંદગી કેવી રીતે ચાલે... આવા બધા સવાલોની વચ્ચે હું જવાબ ન આપી શકી. બસ ચૂપચાપ રડતી રહી. 

યુસુફે ત્રણ વાર પૂછ્યું અને પછી એણે કહી દીધું, ‘આપણો સંબંધ આજે પૂરો થાય છે. હવે પછી હું તારી પાસેથી કોઈ ‘ઉમ્મીદ’ નહીં રાખું કે તું પણ મારી પાસે કોઈ આશા નહીં રાખતી...’ ઓમપ્રકાશ બાઘાની જેમ ઊભા હતા. હું ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. યુસુફે છેલ્લીવાર મારી આંખોમાં જોયું, એ મેકઅપ રૂમની બહાર નીકળી ગયા! એ દિવસે અમે છેલ્લી વાર એકબીજા સાથે વાત કરી...
આજે, મૃત્યુની પ્રતિક્ષા કરી રહી છું ત્યારે યુસુફની પણ પ્રતિક્ષા છે! એક વાર એને મળવું છે. માઝરત કરવી છે... પણ, એ નહીં આવે!  (ક્રમશ:)