Mon Dec 08 2025

Logo

White Logo

મોર્નિંગ મ્યૂસિંગ : જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી એવી એક બેનમૂન અભિનેત્રી કામિની કૌશલ

22 hours ago
Author: Mumbaisamachar Team
Video

 - રાજ ગોસ્વામી

ચલો એક બાર ફિર સે, અજનબી બન જાયેં હમ દોનો... એક અધૂરી મહોબ્બત ને એક સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઈતિહાસ 

કામિની કૌશલ , ગુમરાહનું એક દૃશ્ય

 નવેમ્બરની 14મી તારીખે, એક્ટ્રેસ કામિની કૌશલનું અવસાન થયું તે સાથે જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી તૂટી ગઈ. 98 વર્ષીય કામિની કૌશલ એક માત્ર જીવિત કલાકાર હતી, જેની કારકિર્દી સાત દાયકાઓમાં પથરાયેલી હતી.

તે સૌથી લાંબા સમય સુધી કામ કરનારી એક્ટ્રેસ હતી. તેની સાબિતી એ છે કે તેમણે રાજ કપૂરથી શરૂ કરીને અશોક કુમાર, દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કુમારથી લઈને (લાલ સિંહ ચઢ્ઢામાં) આમિર ખાન સુધીના હીરો સાથે કામ કર્યું હતું.
તેમણે એકવાર સરસ નિરીક્ષણ કર્યું હતું, ‘મેં રાજ સાથે તેની બીજી ફિલ્મમાં; દેવ સાથે પણ તેની બીજી ફિલ્મમાં અને દિલીપ સાથે ય તેની બીજી જ ફિલ્મમાં કામ કર્યું હતું.’    

કામિનીએ એ  ત્રણેને પોતાની આંખો સામે સ્ટાર બનતાં જોયા હતા  અને પછી એ  ત્રણેયને વારાફરતી  વચ્ચે વિદાય લેતા પણ નીરખ્યા હતા.

કામિની કૌશલનું જીવન એટલું સમૃદ્ધ અને રોચક હતું કે તેના પર એક બાયોપિક બને તેમ છે (ઇન ફેક્ટ, તેના પરથી પ્રેરણા લઈને એક લોકપ્રિય ફિલ્મ પણ બની હતી, પણ તેની વાત પછી). તેમનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં ઉમા કશ્યપ તરીકે થયો હતો. તેમના પિતા  રાય બહાદુર એસ. આર. કશ્યપ વનસ્પતિ વિજ્ઞાનના પ્રોફેસર હતા. કામિની  માત્ર સાત વર્ષનાં હતાં, ત્યારે પિતાનું અવસાન થયું હતું અને પાછળ તેમની અમુક ડાયરીઓ છોડી ગયા   હતા, જે ઉમા કશ્યપની સૌથી મૂલ્યવાન ધરોહરોમાંની એક હતી.

ઉમાએ 1934માં લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. ઓનર્સ કર્યું હતું. એકવાર એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘હું એક બુદ્ધિજીવી પરિવારમાંથી આવતી હતી. મારા પિતાએ 50થી વધુ પુસ્તકો લખ્યાં હતાં. અમારા પરિવારમાં જ્ઞાન મેળવવાની પ્રાથમિકતા હતી, પણ તેમણે મને ક્યારેય કશું કરતાં રોકી નહોતી. મારી પાસે આમતેમ ડાફોળિયાં મારવાનો સમય કે ફુરસદ નહોતી. હું તો સ્વીમિંગ, ઘોડેસવારી, સ્કેટિંગ અને આકાશવાણી પર રેડિયો નાટક કરવામાં વ્યસ્ત હતી.’
આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે તે વખતે તેમની ફિલ્મ ‘નીચા નગર’ (1946)માં ગ્રેજ્યુએટ થઇને બહાર પડેલી ઉમાને પહેલીવાર રોલ ઓફર કર્યો હતો. ફિલ્મમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ પણ હતાં એટલે ઉમાનું નામ કામિની કરી દેવામાં આવ્યું હતું. ઉમાનું નામ જ નહીં, અટક પણ કેવી રીતે બદલાઈ તેની પણ એક કહાની છે.

ઉમાને તેનાથી મોટાં ચાર ભાંડું  હતાં. તેમાંથી સૌથી મોટી બહેન ઉષાનાં લગ્ન બી.એસ. સૂદ નામના બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય ઈજનેર સાથે થયાં હતાં. બહેનને બે દીકરી હતી- કુમકુમ અને કવિતા. આ બહેનનું એક કરુણ કાર અકસ્માતમાં અવસાન થઇ ગયું. ઉમાએ બહેન તરીકેની ફરજના ભાગ રૂપે બંને દીકરીને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી, અને જ્યારે ‘નીચા નગર’માં તેનું નામ બદલવાનું આવ્યું, ત્યારે તેમણે ચેતન આનંદને વિનંતી કરી કે ‘કામિની’ નામની સાથે, કુમકુમ અને કવિતાના પ્રથમાક્ષર પરથી, ‘ક’ નામની અટક પણ લગાવવામાં આવે. એ રીતે તે કામિની કૌશલ બન્યાં.  એટલું જ નહીં, દીકરીઓને ઉછેરવાની વાત આવી એટલે ઉમા (કામિની)એ તેમના જીજાજી સાથે લગ્ન કરીને મુંબઈમાં   સ્થળાંતર કર્યું. એ લગ્નથી તેમને ત્રણ દીકરા થયા; રાહુલ, વિદુર અને શ્રવણ. દત્તક દીકરી કુમકુમે મોટા થઈને મહાત્મા  ગાંધીના વિચારો પર બાળકો માટે એક પુસ્તક લખ્યું, જ્યારે કવિતા આર્ટીસ્ટ બની.

‘ફિલ્મફેર’ સામયિક (જેના પહેલા અંકના કવર પેજ પર કામિનીનો ફોટો આવ્યો હતો) સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે તેમના લગ્નના નિર્ણય અંગે કહ્યું હતું, ‘હું મારી બહેનને બેહદ પ્રેમ કરતી હતી. મને ડર લાગતો કે મારી ભાણીઓ, જે  માત્ર બે અને ત્રણ વર્ષની હતી, માતા સિવાય ભટકી જશે. મને આ સંપૂર્ણ રીતે યોગ્ય ઉકેલ લાગ્યો. આ કોઈ બલિદાન હતું નહીં. ઉપરથી, મારા પતિ એક સભ્ય અને સારા માણસ હતા.’

જવાબદારીની આ ભાવનાના કારણે કામિનીએ તેમના પહેલા પ્રેમ-  દિલીપ કુમારને જતા કરવા પડ્યા હતા. તેમના આ ભાવનાત્મક સંઘર્ષ પરથી 1963માં બી. આર. ચોપરાએ  ‘ગુમરાહ ‘ફિલ્મ બનાવી હતી. તેમાં ફિલ્મની નાયિકા મીના (માલા સિંહા)ને અકસ્માતમાં અવસાન પામેલી તેની બહેન કમલા (નિરુપા રોય)ના પતિ અશોક (અશોક કુમાર) સાથે લગ્ન કરવાં પડે છે, જેથી તેનાં બાળકોને ઉછેરી શકે. વર્ષો પછી, મીનાનો પ્રેમી રાજેન્દ્ર (સુનીલ દત્ત) તેના જીવનમાં પાછો આવે છે. આ અજીબ પ્રણય ત્રિકોણમાંથી જ યુવા પ્રેમીઓના હૃદયભંગનું ‘રાષ્ટ્રગીત’ સર્જાયું હતું: ચલો એક બાર ફિર સે, અજનબી બન જાયેં હમ દોનો...

આમ તો  ‘ગુમરાહ’ કામિનીના જીવનની પૂરેપૂરી નકલ નથી, પરંતુ તેના ભાવ-સંસ્કાર નિશ્ર્ચિત પણે દિલીપ અને કામિનીના એ  ટૂંકા સંબંધ પરથી પ્રેરિત છે, જે પ્રેમના આકર્ષણ અને ફરજના બોજ વચ્ચે પીસાઈ ગયો હતો.  કદાચ એ જ કારણ છે કે ‘ગુમરાહ’ માત્ર એક પ્રેમ-ત્રિકોણ નહીં, પરંતુ એવી ફિલ્મ બની ગઈ જે તે સમયના મધ્યવર્ગીય બોજ- પરિવાર, પ્રતિષ્ઠા, જવાબદારી- અને માણસની સૌથી અંતરંગ ઇચ્છાઓ વચ્ચે ઊભેલા સંઘર્ષને જીવંત બનાવે છે   અને જ્યારે આજે આપણે પાછળ નજર કરીએ છીએ, તો સમજાય છે કે ક્યારેક ફિલ્મોની કથાઓ લખતાં પહેલાંથી જ જીવન પોતાની સ્ક્રિપ્ટ લખી ચુક્યું હોય છે- અને તેનો પ્રભાવ એટલો સાચો, એટલો ઊંડો હોય છે કે પડદા પર ઊતરતાં-ઊતરતાં તે વાર્તા એક યુગની ભાવનાઓનું પ્રતિબિંબ બની જાય છે.

કામિની કૌશલ અને દિલીપ કુમારની અધૂરી પ્રેમકથા પણ એવી જ એક વાર્તા છે- એક એવી શાંત, સંયમિત, ગૌરવશાળી કહાની, જેણે હિન્દી સિનેમાને તેની સૌથી આત્મીય ફિલ્મોમાંની એક આપી અને એ અનુભવ પણ કરાવ્યો કે ક્યારેક પ્રેમની સૌથી મોટી પરીક્ષા એનો ત્યાગ હોય છે.