Sun Dec 14 2025

Logo

White Logo

થાણેમાં સિલિંગનું પ્લાસ્ટર તૂટી પડતા : માતા-પુત્ર જખમી, પિતાનું મૃત્યુ

16 hours ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણેમાં શનિવારે વહેલી સવારના સાત માળની બિલ્ડિંગમાં ઉપરના માળા પર આવેલા ફ્લેટનો સિલિંગનો ભાગ તૂટી પડતાં ૪૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તો તેની પત્ની અને પુત્ર જખમી થયા હતા.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે વેસ્ટમાં લોકમાન્ય નગરમાં આવેલા મૈત્રી પાર્કમાં કરુમેદેવ સોસાયટી આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ૧૬ વર્ષ જૂની બિલ્ડિંગની ટેરેસ ઉપર ૮૦૨ નંબરનો ફ્લેટ આવેલો છે, જેમાં વહેલી સવારના ત્રણ  વાગે હૉલનું પ્લાસ્ટર તૂટી પડયું હતું.

રૂમનું પ્લાસ્ટર હૉલમાં તૂટી પડ્યું ત્યારે તે સમયે ઘરમાં ચાર લોકો સૂઈ રહ્યા હતા, તેમાંથી બે લોકો મામૂલી માત્રામાં જખમી થયા હતા. તેમને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

જખમીમાં ૪૨ વર્ષની અર્પિતા મોરે અને તેનો ૧૬ વર્ષનો દીકરા આરુષનો સમાવેશ થાય છે. તો અર્પિતાના ૪૫ વર્ષના પતિ મનોજ મોરેની છાતી પર  પ્લાસ્ટર તૂટી પડયું હોવાથી તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યો હતો પણ સારવાર પહેલા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.