મુંબઈ: 'બિગ બોસ OTT 3' ની વિજેતા બન્યા બાદ સના મકબૂલની લોકપ્રિયતાની આસમાને પહોંચી છે. શો જીત્યા પછી તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ, પરંતુ આ સફળતા તેના અંગત જીવન માટે એક પડકાર સાબિત થઈ. જે સમયે ચાહકો તેની લગ્નની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, તે જ સમયે સનાના જીવનમાં એક મોટું તોફાન આવ્યું અને તેનો લાંબાથી ચાલી રહેલો સંબંધ તૂટી ગયો. આ વાતને લઈ અભિનેત્રીએ હવે પહેલીવાર મૌન તોડીને પોતાના બ્રેકઅપ પાછળના કારણો શેર કર્યા છે.
સના મકબૂલ અને બિઝનેસમેન શ્રીકાંત બુરેડ્ડી ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા, પરંતુ વર્ષ 2025 ની શરૂઆતમાં બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. એક લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં સનાએ ખુલાસો કર્યો કે જ્યારે તેના કરિયરનો ગ્રાફ ઉપર જવાનું શરૂ થયું, ત્યારે તેના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. સનાના મતે, તેની સફળતા તેના પાર્ટનર માટે અસહ્ય બની ગઈ હતી, જે આખરે સંબંધ તૂટવાનું કારણ બની.
પોતાનો અનુભવ શેર કરતા સનાએ કહ્યું કે, આપણી સોસાયટીમાં આજે પણ સ્વતંત્ર અને મજબૂત વિચારધારા ધરાવતી મહિલાઓને સ્વીકારવી પુરુષો માટે મુશ્કેલ છે. એક્ટ્રેસે ગંભીર આરોપ લગાવ્યો કે જ્યારે તે કરિયરમાં તેના પાર્ટનર કરતા આગળ વધી ગઈ, ત્યારે તેને આ વાત પસંદ ન આવી. તેણે ઉમેર્યું કે, "પુરુષોને લાગે છે કે આ સ્ત્રી તો મારા કરતા વધુ સારું કામ કરી રહી છે અને તેને ઘણા લોકો પસંદ કરે છે, આ વિચાર જ તેમને ઇનસિક્યોર બનાવી દે છે."
સનાએ જણાવ્યું કે સમય જતાં તેના સંબંધમાં પ્રેમનું સ્થાન ઈર્ષ્યા અને ઈનસિક્યોરીટીએ લઈ લીધું હતું. તેણે અનુભવ્યું કે જે વ્યક્તિ તેને પ્રેમ કરતી હતી, તેને અચાનક સનાની સિદ્ધિઓથી પરેશાની થવા લાગી હતી. સનાએ સ્પષ્ટ કર્યું કે તે એડજસ્ટ થવા તૈયાર હતી, પરંતુ તેની ઓળખ અને સફળતાના ભોગે નહીં. જ્યારે તેને સમજાયું કે સામેની વ્યક્તિનો વ્યવહાર બદલાઈ રહ્યો છે, ત્યારે તેણે સમજદારીપૂર્વક તે સંબંધમાંથી બહાર નીકળી આગળ વધવાનું નક્કી કર્યું.