Fri Jan 02 2026

Logo

White Logo

BMC Election: નાર્વેકરના કાફલાને કારણે 17થી વધુ ઉમેદવાર ફોર્મ ભરી શક્યા નહીં, : ચૂંટણી પંચે તપાસનો આપ્યો આદેશ...

2 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને આરોપો પર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં કેટલાક ઉમેદવારોએ દાવો કર્યો છે કે તેઓ મ્યુનિસિપલ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શક્યા નથી. એવો આરોપ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર એક મોટા કાફલા સાથે નામાંકન કેન્દ્ર પર પહોંચ્યા, જેના કારણે રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

આમ આદમી પાર્ટી, રિપબ્લિકન ગવઈ જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઉમેદવારોએ જણાવ્યું હતું કે રાહુલ નાર્વેકર ઘણા બધા લોકો સાથે નોમિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા. આનાથી અંધાધૂંધી સર્જાઈ અને ઘણા ઉમેદવારોને તેમના ઉમેદવારીપત્રો દાખલ કરવાની તક મળી નહીં. ઉમેદવારોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ફરજ પરના પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા.

રાહુલ નાર્વેકરના ભાઈ મકરંદ નાર્વેકર, ભાભી હર્ષિતા નાર્વેકર અને પિતરાઈ બહેન ડૉ. ગૌરવી શિવાલકર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રાહુલ નાર્વેકર સાથે આ આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રીતિ શર્મા મેમણે આરોપ લગાવ્યો કે રાહુલ નાર્વેકરના કહેવા પર રિટર્નિંગ ઓફિસરે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ કામ કર્યું અને નિર્ધારિત પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે નાર્વેકર રિટર્નિંગ ઓફિસર પાસે ગયા પછી, ત્યાં પહેલાથી હાજર ઉમેદવારોને પણ તેમના ઉમેદવારીપત્રો ભરવાથી રોકવામાં આવ્યા હતા. તેમના મતે, સીસીટીવી ફૂટેજથી આ વાતની પુષ્ટિ થઈ શકે છે. 17થી વધુ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શક્યા નથી.

ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્ય હરિભાઉ રાઠોડ સહિત બાર ઉમેદવારોએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને માંગ કરી છે કે તેમની નામાંકન પ્રક્રિયા 30 ડિસેમ્બરની અંતિમ તારીખ પછી પણ પૂર્ણ કરવામાં આવે. 

આમ આદમી પાર્ટી (આપ)ના પ્રોફેસર માર્ગારેટ ડી'કોસ્ટાએ જણાવ્યું હતું કે 30 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાની સમયમર્યાદા પછી તેમને રિટર્નિંગ ઓફિસરના રૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહીં. તેમનો આરોપ છે કે આ નાર્વેકરના સમર્થકોના ટોળાના કારણે આવું થયું હતું. પાર્ટીના પ્રવક્તા રુબેન મસ્કરેન્સે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને નિષ્કર્ષ સુધી આગળ લઇ જશે.  

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બબન મહાડિકે જણાવ્યું હતું કે તેઓ નિર્ધારિત સમયે નામાંકન કેન્દ્ર પર પહોંચી ગયા હતા, છતાં તેમનું નામાંકન દાખલ કરી શક્યા નહીં. તેમણે આરોપ લગાવ્યો કે રિટર્નિંગ ઓફિસર અને પોલીસ દબાણ હેઠળ હતા. તેમણે કહ્યું કે આ લોકશાહી માટે અત્યંત જોખમી છે.