Thu Dec 25 2025

Logo

White Logo

કાંકરિયા કાર્નિવલમાં દુબઈ જેવો જલસો: : ડ્રોન શો અને પાયરો શો આકર્ષણનું કેન્દ્ર બનશે.

1 day ago
Author: Tejas
Video

અમદાવાદઃ શહેરના લોકપ્રિય એવા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો તથા દુબઇમાં યોજાતો પાયરો શો પણ યોજાશે અને દુબઈ જેવો જલસો અમદાવાદમાં જોવા મળશે. સાત દિવસ સુધી યોજાનારા કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારો પર્ફોમન્સ કરશે. ઉપરાંત, બેન્ડ શો સહિતના અન્ય આકર્ષણો પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. કાર્નિવલમાં લોકોને વહેલી સવારથી રાત સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. કાંકરિયા પરિસરમાં ભીડ ન થાય અને ભાગદોડથી કોઈ દુર્ઘટના ન થાય એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા સૌપ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. કાંકરિયા કાર્નિવલને 25 ડિસેમ્બરના રોજ 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખૂલ્લો મૂકાશે. 

કાંકરિયાના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવી એની મદદથી કાંકરિયા પરિસરમાં કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા હાલમાં હાજર છે એનું લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખ આસપાસ થઈ જાય તો તાત્કાલિક ધોરણે ગેટ બંધ કરવા માટેની સૂચના અપાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંકરિયા લેકફ્રન્ટના અને ઈ-ગવર્નન્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય અને ભીડ ન વધે એના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત કાંકરિયા કાર્નિવલમાં કેટલા લોકો પ્રવેશ કરે છે અને કેટલા લોકો હાજર છે એ અંગે લાઇવ માહિતી મેળવવા હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે.

કાંકરિયાના સાત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત 34 જગ્યા પર સીસીટીવી કેમેરા લાગશે. જેનાથી કેટલા લોકો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો છે અને હાલમાં કેટલા લોકો હાજર છે એનું લાઈવ ફીડ કાંકરિયા ખાતે ઊભા કરવામાં આવનારા પોલીસ કંટ્રોલરૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલરૂમ સેન્ટરથી મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા લેક ફ્રન્ટ વિભાગ સહિત અલગ અલગ વિભાગો દ્વારા કાંકરિયા ખાતે કાર્નિવલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં સાફ-સફાઈ તેમજ 25 ડિસેમ્બરના રોજ સાંજે ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. દરેક ગેટ પાસે એલઈડી પણ લગાવવામાં આવ્યો છે, જ્યાં બેસીને લોકો કાર્યક્રમ માણી શકશે. કાંકરિયા ખાતે આવેલા વ્યાયામ વિદ્યાલયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગથી એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી કાંકરિયા કાર્નિવલની તમામ કામગીરી કરવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસ દરમિયાન ગુજરાતી ગાયક કલાકારો, જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રીજદાન ગઢવી સહિતનાં કલાકારો પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં રૂ. 5 હજાર કરોડનો વીમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસમાં 25 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે. ત્યારે આગ-અકસ્માતની કોઈ ઘટના બને, જેમાં જાનહાનિ થાય તો તેના માટે વીમો ઉતારવામાં આવ્યો છે. એના પેટે રૂ. 3 લાખથી વધુનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુરક્ષાને લઈને વીમો ઉતરાવવામાં આવ્યો છે.