Wed Jan 07 2026

Logo

White Logo

બળાત્કાર બાદ બાળકીની હત્યા: : 18 વર્ષથી ફરાર આરોપી પકડાયો

3 weeks ago
Author: yogesh c patel
Video

પાલઘર: વસઈમાં પાંચ વર્ષની બાળકીની બળાત્કાર બાદ કરપીણ હત્યા કરવાના કેસમાં 18 વર્ષથી ફરાર આરોપીને આખરે ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ નંદલાલ ઉર્ફે નંદુ રામદાસ વિશ્ર્વકર્મા તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને માણિકપુર પોલીસના તાબામાં સોંપાયો હોવાનું ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મદન બલ્લાળે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના 31 માર્ચ, 2007ની રાતે 11 વાગ્યાથી બીજી સવારે આઠ વાગ્યા દરમિયાન બની હતી. ચૉકલેટની લાલચે બાળકીને નિર્જન સ્થળે લઈ જવાઈ હતી. દુષ્કર્મ બાદ બાળકીની મારપીટ કરાઈ હતી અને પછી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તે સમયે બાવીસ વર્ષના વિશ્ર્વકર્મા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
માણિકપુર પોલીસ વિશ્ર્વકર્માની શોધ ચલાવી રહી હતી ત્યારે તે નેપાળ ફરાર થયો હોવાની માહિતી મળી હતી. જોકે બાદમાં તેના કોઈ સગડ મળ્યા નહોતા.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના સિનિયર ઈન્સ્પેક્ટર અવિરાજ કુર્હાડેએ જણાવ્યું હતું કે આરોપી લાંબા સમય સુધી નેપાળમાં જ રહ્યો હતો. તાજેતરમાં યુપી પાછો ફરેલો આરોપી ઈંટભઠ્ઠી ખાતે મજૂર તરીકે કામ કરતો હતો. યુપીમાં સિદ્ધાર્થ નગર જિલ્લાના તેના વતન ખારદૌરી ખાતે આરોપી સંતાયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ યુપી પહોંચી હતી. 10 ડિસેમ્બરે સ્થાનિક પોલીસની મદદથી તેને તાબામાં લેવાયો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)