બીજીંગ: અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોને તાજેતરમાં જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ભારતને ચેતવણી આપતા જણાવ્યું છે કે ચીન સાથી દેશમાં લશ્કરી થાણા બનાવી રહ્યું છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કરેલા દાવા અનુસાર ચીન ભારતના પડોશી દેશોમાં લશ્કરીમથકો બનાવી રહ્યું છે. સાથોસાથ શસ્ત્રો આપીને મદદ પણ કરી રહ્યું છે. પેન્ટાગોનનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ચીન અમેરિકા પર રોષે ભરાયું છે, જ્યારે ડ્રેગને પણ આકરા શબ્દોમાં જવાબ પણ આપ્યો છે.
પેન્ટાગોનના રિપોર્ટના દાવાઓનો વિરોધ
પેન્ટાગોનના રિપોર્ટને લઈને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું કે, "ચીન પોતાની રાષ્ટ્રીય રક્ષા નીતિને લઈને પેન્ટાગોનના રિપોર્ટના દાવાઓનો વિરોધ નોંધાવે છે. ચીન ભારતનું ક્લોઝ પાર્ટનર છે. ચીન-ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબાગાળાના દૃષ્ટિકોણથી જુએ છે. ભારત વિકસિત બને એ વાતને ચીન સમર્થન આપે છે. ચીન ભારત સાથેની વાટાઘાટોને મજબૂત કરવા, વિશ્વાસ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને સ્થિર, સ્વસ્થ અને સ્થાયી વિકાસની દિશામાં આગળ વઘારવા માટે તૈયાર છે."
લિન જિયાને આગળ જણાવ્યું કે, "એલએસી (લાઈન ઓફ કંટ્રોલ) પર તણાવ ઓછો થયા બાદ ચીન ભારત સાથેના સંબંધો સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક સંબંધોને ગાઢ બનતા અટકાવી શકાય.
ભારત-ચીનના સંબંધો સુધર્યા
ભારત અને ચીનના સંબંધોની વાત કરીએ તો ઓક્ટોબર 2024માં યોજાયેલ બ્રિક્સ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે બોર્ડર મેનેજમેન્ટને લઈને હાઈ લેવલની વાટાઘાટો શરૂ થઈ હતી. તાજેતરમાં ચીન ખાતે યોજાયેલ SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી ત્યાર બાદ ભારત-ચીન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ઠપ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ છે સાથો સાથ LAC પર સૈન્ય તણાવ પણ ઓછો થયો છે.
ઉલ્લેખનીય છે કે, પેન્ટાગોનના રિપોર્ટમાં અરુણાચલ પ્રદેશને ચીનના કોર ઇન્ટરેસ્ટ જેટલું મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સાથે ચીનના વધતા લશ્કરી સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.