કલ્પના કરો કે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમારી સવાર ઘરની બારીમાંથી આવતા ટ્રાફિકના અવાજથી નહીં પણ નદી કે નહેરમાં વહેતા ખળખળ પાણીના અવાજથી થાય. વિદ્યાર્થીઓ સ્કૂલ જવા માટે હોડી પકડતાં હોય, ઓફિસ જવા ટ્રેન, મેટ્રો કે બસ પકડવા માટે દોડાદોડી નહીં પણ આ નહેર જ તમારો રસ્તો બની જાય, પ્રદૂષણ, ટ્રાફિક જામ અને ભાગદોડથી દૂર… સાંભળવામાં આ કોઈ ફેરી ટેલ જેવું લાગે છે ને? પરંતુ દુનિયામાં એક એવું ગામડું છે કે જ્યાં તમને સવારમાં આવા જ દ્રશ્યો જોવા મળે છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આ ગામડા વિશે…
એક તરફ દુનિયા ઝડપથી આધુનિકીકરણની દિશામાં આગળ વધી રહી છે, જ્યાં ફ્લાયઓવર, રોડ, મેટ્રો, ટ્રાફિક જામ વગેરે ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજના આ સમયમાં દુનિયામાં એક ગામડું એવું પણ છે કે જેના માટે વિકાસ કે આધુનિકીકરણ એટલે રોડ નેટવર્કનું ગીચ જાળું નહીં પણ કુદરત સાથેનું સંતુલન છે.
અમે અહીં વાત કરી રહ્યા છે નેધરલેન્ડમાં આવેલા ગિથોર્ન નામના ગામની. આ ગામ આજે પણ રસ્તા વિના સંપૂર્ણપણે ફંક્શનલ, ઓર્ગેનાઈઝ્ડ અને ખુશહાલ છે. ગિથોર્નને નેધરલેન્ડના વેનિસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં શેરીઓને બદલે નહેરો છે અને આખા ગામમાં પાણી એ જ મુખ્ય રસ્તો છે.
ગિથોર્નમાં દરેક ઘરની બહાર લાકડાના નાના નાના ઘાટ બનાવવામાં આવેલા હોય છે અને ત્યાં હોડીઓ પાર્ક કરવામાં આવે છે. લોકો રોજબરોજના કામકાજ માટે આ હોડીનો જ ઉપયોગ કરે છે. શાંત નહેરો, હર્યા-ભર્યા મેદાનો અને પારંપારિક છાપરાવાળા ઘરને કારણે આ જગ્યાએ કોઈ પોસ્ટકાર્ડ જેવી લાગે છે.
ગિથોર્નની વસતીની વાત કરીએ તો આશરે આ ગામમાં આશરે 3000 જેટલા લોકો રહે છે અને શરૂઆતમાં અહીં લોકો ઈંધણ તરીકે વપરાતી પીટ નામનું ઘાસ કાઢતા હતા. આ ઘાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જમીન ખોદી અને એને કારણે આખા ગામમાં સાંકળી નહેરો બની ગઈ. સમયની સાથે આ નહેર પરિવહનનું મુખ્ય માધ્યમ બની ગઈ અને લોકોને રસ્તા બનાવવાની જરૂર જ ના વર્તાઈ.
ગિથોર્ન સંપૂર્ણપણે હોડી પર નિર્ભર ગામ છે. અહીં ઈલેક્ટ્રિટ મોટરથી ચાલતી વ્હીસ્પર બોટનો ઉપયોગ કરવામાં આવે છે, ખૂબ જ ઓછો અવાજ કરે છે. સ્કૂલ, બજાર, હોસ્પિટલસ, ઘર કોઈ પણ જગ્યાએ જવાનો રસ્તો આ નહેરોમાંથી જ પસાર થાય છે. આખા ગામમાં 180થી વધુ નાના નાના બ્રિજ છે, જે પગે ચાલનારા લોકોને નહેર ક્રોસ કરવામાં મદદ કરે છે.
વાહનોની ગેરહાજરીને કારણે ગિથોર્ન યુરોપનું સૌથી શાંત અને ઓછો પ્રદૂષિત વિસ્તાર ગણાય છે. અહીં ન તો વાહનોના હોર્ન સંભળાય છે કે ન તો ફોગ, ધુમાડો જોવા મળે છે. અહીંની હવા અને પાણી બંને ખૂબ જ સાફ છે. આ જ કારણ છે કે આ ગામ પર્યાવરણપ્રેમીઓ માટે અને શાંતિની શોધમાં આવનારા પર્યટકો માટે સ્વર્ગ સમાન છે.