Sun Dec 14 2025

Logo

White Logo

સોના-ચાંદીની તોફાની તેજીમાં ગ્રાહકલક્ષી માગ તણાઈ, : ભારત સહિત એશિયન બજારોમાં સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટમાં વધારો

17 hours ago
Author: Ramesh Gohil
Video

રમેશ ગોહિલ 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 9 અને 10 ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે 40 અબજ ડૉલરના મૂલ્યના ટૂંકા સમયગાળાના ટ્રેઝરી બિલ ખરીદ કરવાના કાર્યક્રમની પણ જાહેરાત કરવાની સાથે બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે અમેરિકી અર્થતંત્રમાં મજબૂત વલણ રહ્યું હોવાના સંકેત આપવાની સાથે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતનો આધાર આર્થિક ડેટા પર અવલંબિત રહેશે, એમ જણાવ્યું હતું. આમ રેટ કટની સાથે સુસંગત નાણાનીતિની જાહેરાતને પગલે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્વિક સોનાચાંદીમાં ઝડપી તેજી જોવા મળી હતી. જેમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.7 ટકાની તેજી આવી હતી. જોકે, ચાંદીમાં મુખ્યત્વે તંગ પુરવઠા સ્થિતિની સામે ઔદ્યોગિક વપરાશકારોની માગ પ્રબળ રહેતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે પાંચ ટકા અને આ વર્ષમાં અત્યાર સુધીમાં 112 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચાંદીનો મુખ્ય ખનીજમાં સમાવેશ કર્યો હોવાથી રોકાણકારોનું ચાંદીમાં આકર્ષણ વધ્યું છે. 

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં તેજી આગળ ધપી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિક હાજર બજારમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી ડિસેમ્બરના રૂ. 1,28,592 સામે સાધારણ સુધારા સાથે રૂ. 1,28,691ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,27,409 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 1,32,710ના મથાળે બંધ રહેતા સાપ્તાહિક ધોરણે રૂ. 4118નો અથવા તો 3.20 ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, ગત સપ્તાહ દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 54 પૈસાનું ધોવાણ થયું હોવાથી આયાત પડતરોમાં પણ વધારો થવાથી તેજીને ઈંધણ મળ્યું હતું. જોકે, સોનામાં તેજીનો પવન ફૂંકાઈ જવાથી ગ્રાહકલક્ષી માગ તણાઈ ગઈ હતી, પરિણામે જ્વેલરી ઉત્પાદકોની ખરીદી પણ મંદ પડતાં સ્થાનિકમાં ડીલરો દ્વારા ક્વૉટ કરવામાં આવતા સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ બાવીસ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરાઈ રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે આૈંસદીઠ 34 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર થઈ રહ્યાના અહેવાલ હતા. મુંબઈ સ્થિત એક જ્વેલર્સે જણાવ્યું હતું કે સોનાના વધતા ભાવથી લગ્નસરાની અપેક્ષિત માગ પર પાણી ફરી વળ્યું છે. 

એકંદરે વૈશ્વિક સોનામાં તેજી જોવા મળતા, માગ ઓસરવાને કારણે માત્ર ભારતમાં જ માગ નિરસ રહેતા ડીલરોએ ડિસ્કાઉન્ટમાં વધારો નથી કર્યો, પરંતુ એશિયાભરની બજારોમાં ડિસ્કાઉન્ટ વધ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ડીલરો આૈંસદીઠ 20 ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે, જ્યારે આગલા સપ્તાહે ભાવ આૈંસદીઠ 10 ડૉલર પ્રીમિયમમાં ઑફર થઈ રહ્યા હતા. ચીન સ્થિત એમકેએસ પીએએમપીનાં ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે ઊંચી સપાટીએથી માગ રૂંધાઈ રહી છે, વધુમાં ચીન ખાતે તાજેતરમાં વૅલ્યુ એડેડ ટૅક્સનો અમલ થવાથી જ્વેલરોની પડતરો પણ વધતાં માગ પર વધુ માઠી અસર પડી રહી છે. જોકે, ગત પહેલી નવેમ્બરથી શાંઘાઈ ગોલ્ડ અને શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જથી થયેલી અમુક સોનાની ખરીદીને વૅટમાંથી મૂક્તિ આપવામાં આવી છે. તે જ પ્રમાણે હૉંગકૉંગ ખાતે સોનાના ભાવ પરપર આૈંસદીઠ 0.5 ડૉલર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે અને જાપાનમાં ડીલરો આૈંસદીઠ 5.50 ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા, જ્યારે એકમાત્ર સિંગાપોર ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 1.50થી 3.50 ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. 
વધુમાં ગત સપ્તાહે સ્થાનિક બજારમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં તોફાની તેજી જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી ડિસેમ્બરના કિલોદીઠ રૂ. 1,78,210ના બંધ ભાવ સામે સુધારાના અન્ડરોને ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,77,054 અને ઊંચામાં સપ્તાહના અંતે રૂ. 1,95,180ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા. આમ એકંદરે ભાવમાં સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 16,970નો અથવા તો 9.52 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિકમાં ઊંચા મથાળેથી માત્ર સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ જોવા મળી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ નિરસ રહેવાથી જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી આગામી સોમવારે સ્થાનિક બજારમાં કેટલો ઘટાડો જોવા મળશે તેના પર બજાર વર્તુળોની નજર છે.

ગત છઠ્ઠી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે અમેરિકામાં બેરોજગારીનો દર વધીને બે મહિનાની ટોચે રહ્યો હોવાના નિર્દેશો હતા. એકંદરે હજુ રોજગારની સ્થિતિ થાળે ન પડી હોવાથી વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે અને વર્ષ દરમિયાન બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ બજાર વર્તુળો રાખે છે. જોકે, ફેડરલ રિઝર્વે વર્ષ 2026માં માત્ર એક જ વખત વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા હતા. વધુમાં તાજેતરમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં રાજકોષીય પરિબળો ઉપરાંત પ્રવર્તમાન પુરવઠાખેંચ અને પ્રબળ ઔદ્યોગિક વપરાશી માગ રહેતાં ભાવ ઝડપી તેજી સાથે ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોના-ચાંદી વચ્ચેની સરાસરી ઘટીને 68ની અંદર ઉતરી ગઈ છે, જે દર્શાવે છે કે સોનાની સરખામણીમાં ચાંદીની કામગીરી અથવા પ્રદર્શન વધુ સારું રહેશે. અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવની રેન્જ આૈંસદીઠ 4200થી 4450 ડૉલરની અને ચાંદીની રેન્જ આૈંસદીઠ 59થી 70 ડૉલરની રહેશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.29થી 1.38 લાખ આસપાસ અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 1.86 લાખથી 2.10 લાખ આસપાસ રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 64.64 ડૉલરની નવી ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ભાવ આગલા બંધ સામે ત્રણ ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 61.7 ડૉલર આસપાસ ક્વૉટ થઈ હ્હ્યા હતા, જ્યારે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 4293.43 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 4328.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વાસ્તવમાં સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા ઘટાડા પશ્ચાત્‌‍ સ્થિરતા જોવા મળી હોવાથી ચાંદીમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું સીએમઝેડે એક નોટ્સમાં જણાવતાં ઉમેર્યું હતું કે ચાંદીમાં વધુ ઝડપી ઉછાળો આવ્યો હોવાથી ઘટાડો અપેક્ષિત હતો. તેમ છતાં ચાંદીમાં ઔદ્યોગિક માગ વધવાના અંદાજે મુકાઈ રહ્યા હોવાથી મજબૂત આંતરપ્રવાહ જળવાઈ રહે તેમ જણાય છે.