Mon Dec 08 2025

Logo

White Logo

જય ભીમ: દલિતોને ઉર્જા આપતો નારો સૌપ્રથમ : મધ્ય મહારાષ્ટ્રના મકરાણપુરા ગામમાં આપવામાં આવ્યો હતો

1 day ago
Author: Vipul Vaidh
Video

છત્રપતિ સંભાજીનગર: ‘જય ભીમ’: આ બે શબ્દો સ્વતંત્ર ભારતમાં દલિત સમુદાયની જાગૃતિ અને સશક્તિકરણનું પ્રતીક બની ગયા છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ.

ડો. ભીમરાવ રામજી આંબેડકર પ્રત્યેના અપાર આદરને પણ વ્યક્ત કરતો આ નારો સૌપ્રથમ મહારાષ્ટ્રના આજના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નડ તહસીલમાં આવેલા મકરાણપુર ગામમાં આયોજિત મકરાણપુર પરિષદમાં ઉઠાવવામાં આવ્યો હતો.

ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા, આંબેડકરનું છઠી ડિસેમ્બર, 1956ના રોજ અવસાન થયું હતું.
મરાઠવાડાના અનુસૂચિત જાતિ ફેડરેશનના પ્રથમ પ્રમુખ ભાઉસાહેબ મોરેએ 30 ડિસેમ્બર, 1938ના રોજ પ્રથમ મકરાણપુર પરિષદનું આયોજન કર્યું હતું.

ડો. આંબેડકરે પરિષદમાં ભાષણ આપ્યું હતું અને લોકોને હૈદરાબાદ રજવાડાનું સમર્થન ન કરવા કહ્યું હતું, જે મધ્ય મહારાષ્ટ્રનો મોટો ભાગ હતો, એમ ભાઉસાહેબના પુત્ર સહાયક પોલીસ કમિશનર પ્રવીણ મોરેએ જણાવ્યું હતું.

‘જ્યારે ભાઉસાહેબ બોલવા ઉભા થયા, ત્યારે તેમણે કહ્યું કે દરેક સમુદાયના પોતાના દેવતા હોય છે અને તેઓ તે દેવતાના નામનો ઉપયોગ કરીને એકબીજાનું સ્વાગત કરે છે. ડો. આંબેડકરે અમને પ્રગતિનો માર્ગ બતાવ્યો હતો અને તે આપણા માટે ભગવાન સમાન છે. તેથી હવેથી, આપણે એકબીજાને મળતી વખતે ‘જય ભીમ’ કહેવું જોઈએ. લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો. સમુદાયના સૂત્ર તરીકે ‘જય ભીમ’ને સ્વીકારતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો,’ એમ મોરેએ જણાવ્યું હતું.

‘મારા પિતા તેમના શરૂઆતના વર્ષોમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સંપર્કમાં આવ્યા હતા. ભાઉસાહેબ નિઝામ રાજ્ય દ્વારા દલિતો પર કરવામાં આવતા અત્યાચારોથી વાકેફ હતા. તેમણે આંબેડકરને ધર્માંતરણના દબાણ સહિત આ અત્યાચારો વિશે જણાવ્યું હતું. ડો. આંબેડકર આ અત્યાચારોના સખત વિરોધી હતા, અને તેમણે 1938ના પરિષદમાં હાજરી આપવાનું નક્કી કર્યું,’ એમ તેમણે જણાવ્યું હતું.

આંબેડકર રજવાડાઓનો વિરોધ કરતા હોવાથી, તેમને હૈદરાબાદ રાજ્યમાં ભાષણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમને તેમના પ્રદેશોમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. શિવના નદી હૈદરાબાદ અને બ્રિટિશ ભારત વચ્ચે સરહદ બનાવતી હતી, એમ જણાવતાં એસીપી મોરેએ કહ્યુંં હતું કે, પ્રથમ પરિષદ માટે મકરાણપુરને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે તે શિવના કિનારે હતું પરંતુ બ્રિટિશ પ્રદેશમાં હતું.

ઈંટોથી બનેલું સ્ટેજ, જ્યાંથી ડો. આંબેડકરે પરિષદને સંબોધન કર્યું હતું, તે હજુ પણ અડીખમ ઉભું છે. આ પરિષદ દર વર્ષે 30 ડિસેમ્બરે આંબેડકરના વિચારોને આગળ ધપાવવા માટે આયોજિત કરવામાં આવે છે અને 1972માં જ્યારે મહારાષ્ટ્રમાં તેના ઇતિહાસનો સૌથી ખરાબ દુષ્કાળ પડ્યો ત્યારે પણ આ પરંપરા બંધ થઈ ન હતી.

‘મારી દાદીએ પરિષદના ખર્ચ માટે પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા હતા. ખાનદેશ, વિદર્ભ અને મરાઠવાડાના લોકોએ તેમાં હાજરી આપી હતી. નિઝામની પોલીસે લાદેલા પ્રતિબંધ છતાં, આંબેડકરના અનુયાયીઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નદી પાર કરીને ગયા હતા,’ એમ પણ એસીપી મોરેએ જણાવ્યું હતું.

‘આ મકરાણપુર પરિષદનું 87મું વર્ષ છે. અમે જાણી જોઈને આ સ્થળ જાળવી રાખ્યું છે કારણ કે તે ગ્રામીણ વિસ્તારોમાં આંબેડકરના વિચારો ફેલાવવામાં મદદ કરે છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.