અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વર્ષ 2010 માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પરિણામે આજે છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે. વર્ષ 2025 માં આ આયોજનમાં કુલ 73 લાખ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રાજ્યના ખેલાડીઓને સ્પોર્ટ્સ ઇન્જરી માટે વિદેશ ન જવું પડે તે હેતુથી ગુજરાતમાં AI અને સંશોધન આધારિત અત્યાધુનિક 'સ્પોર્ટ્સ મેડિસિટી' વિકસાવવામાં આવી રહી છે.
નેશનલ ગેમ્સનું આયોજન માત્ર 100 દિવસમાં કર્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન માત્ર 100 દિવસમાં કર્યું હતું. તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવેલા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ અને એશિયન એક્વેટિક્સ જેવી સ્પર્ધાઓનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ ટૂર્નામેન્ટના આયોજન માટે અમદાવાદ-ગુજરાત સજ્જ છે.
ક્રીડા ભારતી'ના ત્રિ-દિવસીય પાંચમા રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન
અમદાવાદના શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આયોજિત 'ક્રીડા ભારતી'ના ત્રિ-દિવસીય પાંચમા રાષ્ટ્રીય અધિવેશનનો સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે તેમણે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે ક્રીડા ભારતી માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ દેશપ્રેમના સંસ્કારો દ્વારા શ્રેષ્ઠ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.
તેમણે ઉપસ્થિત તમામ ખેલાડીઅને અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અચૂક મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. યુવા શક્તિમાં આત્મવિશ્વાસ, ખેલભાવના અને દેશભક્તિ વિકસાવવા માટે આ પ્રકારના આયોજનો અત્યંત મહત્ત્વના સાબિત થશે તેમ જણાવતાં સંઘવીએ કહ્યું કે ગુજરાત પણ નશામુક્ત, સ્વસ્થ અને અનુશાસનબદ્ધ સમાજના નિર્માણ માટેના સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે.
ક્રીડા ભારતીના પ્રયાસોને બિરદાવ્યા
નાયબ મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રમતોને જાળવી રાખવા બદલ ક્રીડા ભારતીના પ્રયાસોને બિરદાવ્યા હતા અને રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઇન ક્રીડા જ્ઞાન પરીક્ષાના વિજેતાઓને પારિતોષિકના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
અખાડાઓ શારીરિક સજ્જતાનું કેન્દ્ર રહ્યા
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ આલોક કુમારે વ્યાયામ અને રમતગમતને ભારતીય પરંપરાનું અભિન્ન અંગ ગણાવ્યું હતું. અખાડાઓ શારીરિક સજ્જતાનું કેન્દ્ર રહ્યા છે.આ પ્રસંગે મહામંત્રી રાજ ચૌધરીએ ક્રીડા ભારતીના ત્રિદિવસીય અધિવેશનમાં કરવામાં આવેલી ચર્ચાઓ અને પરિસંવાદો વિશે માહિતી આપી હતી. તેમણે આ ત્રણ દિવસ દરમિયાનની ચર્ચાઓ અને સંવાદોનું નવનીત અન્ય કાર્યકર્તાઓ સુધી પહોંચાડીને તેમનો ઉત્સાહ વધારવાનું સૂચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ગોપાલજી સૈની, મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી ચૈતન્ય કશ્યપ સહિત વિવિધ પ્રાંતના પદાધિકારીઓ, પ્રશિક્ષકો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.