રાજકોટઃ આજી નદીના કાંઠે વર્ષોથી વસી ગયેલા જંગલેશ્વરમાં નદીના કાંઠા ઉપરાંત સરકારી જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ ગુરુવારે અચાનક જ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા ટીપી સ્કીમ અન્વયે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલ 80 હજાર ચોરસમીટર જમીન પર દબાણ સંદર્ભે 500થી વધુ મિલકતધારકને નોટિસ આપી હતી. મહત્વની વાત એ છે કે, આખા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનના કાઉન્ટડાઉન વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે નોટિસ ફટકારવામાં આવી હતી. જેના કારમે જંગલેશ્વર વિસ્તારમાં રહેલા લોકોમાં ફફડાય વ્યાપી ગયો હતો.
તંત્ર દ્વારા 1337 કરતા વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી
જંગલેશ્વર વિસ્તારના લોકોને ખબર પડી તેમની છત હવે છીનવાઈ રહી છે, ત્યારે તેઓ ચિંતિત થઈ ગયાં હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ડિમોલિશનની નોટિસ મળતા જંગલેશ્વરના આગેવાન અફઝલ રાઉમાનું મીડિયાને નિવેદન આપવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારની કુલ 1297 જેટલી મિલકતોને 1337 કરતા વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. તમામ સમાજના લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે, અહીં રહેતા ગરીબ લોકો ઘર વિહોણા થશે તેનું દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું. અફઝલ રાઉમાનું કહેવું છે કે, આ લોકો પાસે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દરેક સરકારી દસ્તાવેજ છે તો પછી સરકાર દબાણનો ઓર્ડર કેવી રીતે આપી શકે? અને શો આ જગ્યા દબાણ હેઠળ હતી તો આ લોકોને સરકારી ડોક્યુમેન્ટ શા માટે આપવામાં આવ્યાં?
જિલ્લા વહીવટી તંત્રની નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ
સ્થાનિક લોકો અત્યારે સરકાર પર રોષે ભરાયા છે. મળતી જાણકારી પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રએ જે નોટિસ આપી છે તેની સામે આ લોકોએ હાઈકોર્ટમાં 3 જેટલી પીટીશન દાખલ કરી છે. સ્થાનિક આગેવાનનું કહેવું છે કે, અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી અને કોઈ રેલીના સમર્થનમાં પણ નથી.. સ્થાનિકોને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેવીએટ દાખલ કરવામાં આવી છે તેમાં અમને પણ સાંભળવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જો આ લોકોની અરજી હાઇકોર્ટ ખારીજ કરશે તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી કરીને બેઠા છે.
વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક આગેવાને શું કહ્યું?
સરકાર દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થાનું કહેવામાં આવ્યું છે તેમાં આ લોકોએ અગાઉ પણ કહ્યું હતું. પરંતુ સરકાર જે 1BHK જેવું નાનો ફ્લેટ આપી રહી છે. આટલી જગ્યામાં પરિવારો કેવી રીતે રહી શકશે? જેથી જંગલેશ્વરના આગેવાન અફઝલ રાઉમા દ્વારા માંગણી કરવામાં આવી છે કે, પરિવારની જરૂરિયાત પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, જેથી પરિવાર સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે. જો કે, હજી સુધી આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી તેમાં તમામ દબાણકર્તાઓને 29 ડિસેમ્બરે પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું.