નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં ફ્લાઈટ કેન્સલેશન અને ક્રૂ મેમ્બર્સની અછત જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અને પાઈલટ્સની નારાજગી દૂર કરવા માટે કંપનીએ એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ઈન્ડિગોએ તેના હજારો પાઈલટ્સના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, જે આગામી 1 જાન્યુઆરીથી અમલી બનશે. આ પગલા દ્વારા કંપની પાઈલટ્સને પ્રોત્સાહિત કરી કામગીરીને ફરી પાટા પર લાવવા માંગે છે.
કંપનીએ પાઈલટ્સ માટે ડોમેસ્ટિક લેઓવર, નાઈટ એલાઉન્સ અને ડેડહેડ જેવી વિવિધ શ્રેણીઓમાં ફેરફાર કર્યા છે. હવેથી કેપ્ટનને 10 થી 24 કલાકના લેઓવર માટે રૂ. 2000ના બદલે રૂ. 3000 મળશે, જ્યારે ફર્સ્ટ ઓફિસરને રૂ. 1500 આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, ઈન્ડિગોએ પ્રથમ વખત 'ટેલ સ્વેપ એલાઉન્સ' પણ શરૂ કર્યું છે. જ્યારે કોઈ પાઈલટ નિર્ધારિત વિમાનને બદલે અન્ય કોઈ વિમાનની ઉડાન ભરે છે, ત્યારે તેને આ વધારાનું વળતર ચૂકવવામાં આવશે. નાઈટ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે હવે કેપ્ટન માટે કલાકના રૂ. 2000 રહેશે.
પાઈલટ્સ જ્યારે મુસાફર તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્યુટી માટે જાય છે (જેને ડેડહેડ કહેવાય છે), ત્યારે તેમના ભથ્થામાં પણ વધારો કરાયો છે. કેપ્ટન માટે આ દર રૂ. 3000 થી વધારીને રૂ. 4000 કરવામાં આવ્યો છે. ટ્રાન્ઝિટ દરમિયાન ભોજન માટે અપાતું ભથ્થું પણ બમણું કરીને રૂ. 1000 કરવામાં આવ્યું છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ વધારો તાજેતરમાં એફડીટીએલ (FDTL) ના નવા નિયમોને કારણે થયેલા ઘટાડાની સરખામણીએ માત્ર 25 ટકા જેટલો જ છે, જે પાઈલટ્સને મનાવવા માટેની કંપનીની એક કોશિશ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઈન્ડિગોના અનેક વિમાનો ગ્રાઉન્ડેડ થતા હતા. એક જ દિવસમાં 1600 જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. ત્યારબાદ ડિજીસીએ (DGCA) એ કંપનીને ફ્લાઈટમાં 10 ટકાનો કાપ મૂકવા સૂચના આપી હતી. હાલમાં ઈન્ડિગોમાં અંદાજે 5085 પાઈલટ્સ કાર્યરત છે. કંપની આશા રાખી રહી છે કે આ આર્થિક પ્રોત્સાહનથી પાઈલટ્સની અછત ઓછી થશે અને મુસાફરોને પડતી અગવડતામાં ઘટાડો થશે.