Sun Dec 14 2025

Logo

White Logo

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: : કેસ ફાઈલ્સ- ચિઠ્ઠી

20 hours ago
Author: Tina Doshi
Video

ટીના દોશી 

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી અને ઝલક દીક્ષિત જીપમાં સવાર થઈને ચાણક્યપુરી સોસાયટી પહોંચ્યાં. ચાણક્યપુરી એટલે નગરને છેવાડે આવેલી સોળ બંગલીઓની સોસાયટી. મુખ્ય પ્રવેશદ્વારથી બે બાજુ હરિયાળાં વૃક્ષો. વચ્ચે હારબંધ બંગલીઓ. એક એક માળની. એક હારમાં છ બંગલી. લાલ પથ્થરની બનેલી બંગલીઓ. શિખરબંધ મંદિર જેવા ઘુમ્મટ આકારની. દેખાવમાં ભવ્ય અને આકર્ષક. 

દરેક બંગલીની બહાર નાકકડો બગીચો. બગીચામાં રંગરંગી ફૂલની ક્યારીઓ. વચ્ચે લીલીછમ લોન. બેઠક માટે બાંકડા. બેચાર શણની ખુરસી. દરેક બંગલીની બહાર નંબર લખેલો. જમણી બાજુ એકથી આઠ નંબર અને ડાબી બાજુ નવથી સોળ. સામસામે આવેલી બંગલીઓ વચ્ચે સિમેન્ટના ચોસલા પાડેલો રસ્તો હતો. દેખાવ પગદંડી જેવો હતો, પણ પગથી જેવો સાંકડો નહીં, રસ્તો હતો પહોળો. કરણે જીપ ડાબી બાજુને રસ્તે આગળ વધવા દીધી. બંગલી નંબર તેર સુધી પહોંચ્યા ત્યાં તો બગીચામાં ઊભેલી યુવતીએ દબાયેલા અવાજે બૂમ પાડી: `સાહેબ, અહીં...આ બાજુ!'

જીપ પાર્ક કરીને કરણ અને ઝલક ત્યાં જ ઊતરી ગયાં. પેલી યુવતી બે હાથ જોડીને બોલી: `હું અંગના અભિમન્યુ ભારદ્વાજ!' આટલું કહેતાં તો એની આંજણ આંજેલી આંખમાં આંસુનાં તોરણ બંધાયાં. કરણ એને જોઈ રહ્યો. એકદમ રૂપાળી નહીં, પણ સુંદર તો હતી જ. કેડ સુધી પહોંચતા કાળા ભમ્મર વાળ. આકર્ષક મુખડું. ઘાટીલો નાકનકશો. ચહેરો માસૂમ. પણ માસૂમિયત તો મુખવટો પણ હોઈ શકે!  

અંગના એ બંનેને બંગલીમાં લઇ ગઈ. બંગલીમાં દાખલ થતાં નાનકડી પરસાળ આવે. પરસાળમાં જ ડાબી બાજુ એક ખંડમાં બારણું ખૂલતું. ત્યાં નાનો બેઠકખંડ હતો. બહારના મુલાકાતીઓ માટે. પરસાળ ઓળંગીને સીધા જઈએ એટલે વિશાળ દીવાનખંડ દેખાય. એક દીવાલ પર સાત અશ્વના રથ પર સવાર સૂર્યદેવતાનું લાંબુ પહોળું રંગીન ચિત્ર. બીજી દીવાલે સારથિ કૃષ્ણ અને ગાંડીવનો ટંકાર કરતા અર્જુનનું ચિત્ર. 

એક ખૂણામાં વીણાવાદન કરતાં સરસ્વતીદેવીની ત્રણ ફૂટની ચાંદીની રત્નજડિત અને માણેકમઢિત મૂર્તિ. ત્રણ બાજુ આછા કેસરી રંગના સુંવાળા સોફા. વચ્ચે કાચની ટીપોય. દીવાનખંડની બરાબર સામે નાનો પેસેજ. પેલું પરસાળમાં બારણું ઊઘડતું હતું એ ખંડનો બીજો દરવાજો આ પેસેજમાં ખૂલતો. આ દ્વારની બાજુમાં પેસેજમાંથી ઉપર લઇ જતી સીડીઓ દેખાય. 

અંગના સીડીઓ ચડવા લાગી. પાછળ કરણ અને ઝલક. આઠેક પગથિયાં ચડ્યા પછી જમણી બાજુ વળાંક આવ્યો. બીજાં આઠ પગથિયાં. નાની લોબીમાં આવ્યા. લોબીમાં ત્રણ દરવાજા હતા. એમાંના જમણી બાજુનો દરવાજો અંગનાએ ખોલ્યો. પાછળ કરણ અને ઝલક પણ દાખલ થયા. એક દીવાલે પુસ્તકોનું કેબિનેટ. માથે કાચના દરવાજા. આખું કેબિનેટ પુસ્તકોથી ભરેલું. એક ખૂણામાં કોમ્પ્યુટર ટેબલ. એના પર કાળું દેખાવડું કોમ્પ્યુટર. સામે ખુરસી. બીજી દીવાલને અઢેલીને એક પાટ હતી. પાટ પર નાની ગાદી. અઢેલીને બેસવા માટે બે ગોળ તકિયા. સૂવા માટે નરમ ઓશીકું. 

અત્યારે આ પાટ પરના ઓશીકે માથું મૂકીને એક યુવાન મૃત્યુની ગોદમાં સૂતો હતો. મોંમાંથી ફીણ નીકળેલાં. હાથમાં બંધ પુસ્તક. જયરાજે પુસ્તકનું નામ વાંચ્યું: તેરનું ત્રેખડ. નામ પરથી રહસ્યકથા હોય એવું લાગ્યું. આ પુસ્તક વાંચતાં વાંચતાં જ એણે આપઘાત કર્યો હોવાનું અંગનાનું કહેવું હતું!

સાહેબ, અભિ...એટલે કે અભિમન્યુએ આપઘાત કરી નાખ્યો...અંગનાની પાંપણો ભીંજાવા લાગી: બોલાચાલી તો કયા ધણીધણિયાણીને નથી થતી?એના વાંચવાના ગાંડા શોખને કારણે અમારી તકરાર થઇ ગઈ. અને હું બહાર જતી રહી. પાછું આવીને જોયું તો અભિમન્યુએ ઝેર ખાઈ લીધેલું. અંગનાની આંખે ઝળઝળિયાં બાઝ્યાં.

તમને કેવી રીતે ખબર પડી કે અભિમન્યુએ ઝેર ખાઈને આપઘાત કર્યો છે? કરણના ઘૂંટાયેલા અવાજમાં કુમાશ હતી. 
એ તો એવું થયું કે...અંગના સ્વસ્થ થઈને બોલી: `હું ઉપર આવી ત્યારે અભિમન્યુ આ જ સ્થિતિમાં પડેલો. પહેલાં તો મને થયું કે એ વાંચતાં વાંચતાં ઊંઘી ગયો હશે. પણ નજીક આવીને જોયું તો એના મોઢામાંથી ફીણ નીકળતાં હતાં. એટલે મને થયું કે અભિમન્યુએ ઝેર ખાધું હોવું જોઈએ. અમારાં પ્રેમલગ્ન પહેલાં હું નર્સ રહી ચૂકી છું એટલે મને ખ્યાલ આવી ગયો. વળી એણે આપઘાતની ચિઠ્ઠી પણ લખેલી.'

`આપઘાતની ચિઠ્ઠી?' ઝલકે સવાલ કર્યો: `ક્યાં છે એ ચિઠ્ઠી?'
આ રહી. કહેતાં અંગનાએ ગળામાં કંઈક અટક્યું હોય એમ ખોંખારો ખાધો: `આ તેરના ત્રેખડે જ ત્રેખડ કરી નાંખ્યું. એટલે જ અભિમન્યુએ પુસ્તકનું કોઈક દ્રશ્ય વાંચીને આપઘાત કરી નાખ્યો. અને ચિઠ્ઠી પણ પુસ્તકમાં જ મૂકી દીધી. બુકમાર્ક હોય એ રીતે. પાના નંબર તેર અને ચૌદ વચ્ચેથી મને આ ચિઠ્ઠી મળી.' કહીને અંગનાએ કરણને ચિઠ્ઠી આપી.

`તમે પાના નંબર પણ યાદ રાખ્યો છે?' ઝલક બોલી: `નવાઈ લાગે એવી વાત છે!'
`ના..ના..એ તો મારી સહજ જ નજર પડી ગયેલી.' અંગના બોલી.  
કરણે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે,
`આવું તે કેવું જીવન? હું તો હવે કંટાળી ગયો. મારે હવે ઝાઝું જીવવું નથી. હું હવે જિંદગીથી તંગ આવી ગયો છું. જલ્દી જ મોતને વ્હાલું કરી લઈશ. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. મારા સિવાય. કોઈએ વસવસો કરવો નહીં.  અફસોસ કરવો નહીં. હવે હું જાઉં છું. આ દુનિયાને અભિમન્યુની અલવિદા.'

કરણે અભિમન્યુ પાસેથી પુસ્તક લીધું. ત્યાં આસપાસ બીજું કાંઈ નહોતું. કરણે પુસ્તક ઉપાડ્યું. ખોલ્યું. પહેલે પાને પુસ્તકનું શીર્ષક લખેલું. અને પ્રકાશકનું નામ સરનામું. એમાં કોઈ પ્રસ્તાવના નહોતી. ત્રીજે પાનેથી સીધી જ નવલકથા શરૂ થતી હતી. કરણ પાનાં ફેરવતો ગયો. તેરમે અને ચૌદમે પાને શું દ્રશ્ય આવે છે એ જોવા આતુર હતો. 

તેરમું પાનું. કથાનાયક સાગર અને એની પ્રેયસી સરિતાનો સંવાદ હતો. સરિતા રિસાયેલી અને સાગર મનાવતો હતો. સાગર કહેતો હતો કે, સરિતા, હવે તો માની જા. આખરે તો તારે સાગરમાં જ ભળી જવાનું છે! અડધું પાનું રિસામણાં મનામણાંનું જ હતું. સરિતા માનતી નથી, એટલે ચૌદમે પાને પ્રિયતમાને મનાવવાના અંતિમ પ્રયાસરૂપે સાગર ઊંચી મંઝિલ પરથી છલાંગ મારવાનું નાટક કરે છે. આત્મહત્યાનું નાટક!

કરણે પુસ્તક એક બાજુએ મૂક્યું. પછી પૂછપરછ આગળ વધારી: `અંગનાજી, પુસ્તકનો નાયક તો આપઘાતનું નાટક કરે છે. શું તમને લાગે છે કે એ વાંચીને અભિમન્યુએ સાચુકલો આપઘાત કર્યો?'

`એમાં તો હું શું કહી શકું?' અંગનાએ પ્રતિપ્રશ્ન કર્યો: `મને તો લાગે છે કે તેરનો આંકડો જ ખરાબ છે. આ જુઓને પુસ્તકમાં પણ તેર ને બંગલીનો નંબર પણ તેર! મેં તો ના જ પાડેલી આ તેર નંબરની મનહૂસ બંગલી ખરીદવાની. અંતે અભિમન્યુનો જીવ લઈને જ રહી! મેં તો તેરનું ત્રેખડ વાંચવાની પણ ના પાડેલી. પણ માને તો ને!'
`હં, તમે ના પાડેલી એમ ને?' કરણે રસ લઈને પૂછ્યું.

`સાહેબ, અભિમન્યુને રહસ્યકથાઓ અને જાસૂસીકથાઓ વાંચવાનો બેહદ શોખ હતો...' અંગના કરણના સવાલનો જવાબ આપતાં બોલી: `આ કેબિનેટ જોયું ને! એમાં બધી રહસ્યકથાઓ જ છે. ઓફિસેથી આવે એટલે જમી પરવારીને કોઈ રહસ્યકથા લઈને બેસી જાય. રવિવારે તો વાંચનમાંથી નવરા જ ન પડે આ કક્ષમાં ભરાઈ જાય અને વાંચ્યા કરે. આજે ઓફિસેથી બપોરે બે વાગ્યે જ ઘેર આવી ગયા. ચા પીને આ પુસ્તક લઈને વાંચવા બેઠા. હું કંઈક કામસર બજારે ગઈ. આવીને જોયું તો એ...એ...આ તેરનું ત્રેખડ જ કહેવાયને! તેરનો આંકડો જઅપશુકનિયાળ!'
`તમે બજારેથી પાછાં ક્યારે આવ્યાં?' કરણે ઇન્વેસ્ટિગેશન આગળ વધાર્યું.  

`આ જુઓને...' અંગનાં યાદ કરતાં બોલી: `હું લગભગ બે વાગ્યે ગઈ. અને સાંજે ચાર વાગ્યે પાછી ફરી. અભિ માટે ચા બનાવી અને લઈને ઉપર આવી. જોયું તો....ઓ મારા અભિ રે! આ રહસ્યકથાઓએ તો મારા અભિનો જીવ લઇ લીધો!'

તમે કહેલું કે તમારે અને અભિમન્યુને બોલાચાલી થયેલી. કરણે પૂછ્યું: કયા કારણસર બોલવાનું થયેલું?

`અં, ખાસ કાંઈ નહીં...' અંગના શાંતિથી બોલી: `કોઈ પણ પતિ પત્ની વચ્ચે થાય એવી જ રકઝક હતી. મારે સાંજે સિનેમા જોવા જવું હતું અને અભિમન્યુ વાંચવા માંગતો હતો. મેં કહ્યું કે જયારે હોય ત્યારે વાંચવા શેનો બેસી જાય છે. આખરે મારેય કોડ પૂરા કરવા હોયને! તો મને કહેવા લાગ્યો કે તું તારા કોડ પૂરા કર. હું મારા કોડ પૂરા કરીશ. મને ગુસ્સો આવી ગયો. અમારો ઝઘડો થયો. એ ઉગ્ર થઈને બોલવા લાગ્યો. મેં પણ થોડી ખરીખોટી સંભળાવી. પછી હું બજાર જવાના બહાને ઘેરથી નીકળી ગઈ.'

`અભિમન્યુને ઝેર આપ્યા પહેલાં કે પછી?' કરણના શબ્દો તીર સમાન હતા.
`શું...શું કહ્યું?' અંગનાએ પ્રશ્ન ન સમજાયો હોવાનો દેખાવ કર્યો.
મેં એમ પૂછ્યું કે `અભિમન્યુને ઝેર ખવડાવીને ગયેલાં કે આવીને ઝેર ખવડાવેલું?' કરણે એક એક શબ્દ છુટ્ટો પાડીને કહ્યું. 
`આ શું મજાક છે, ઇન્સ્પેક્ટર!' અંગનાના અવાજમાં આક્રોશ છલકવા લાગ્યો: `તમને ચોખ્ખું દેખાય છે કે અભિએ આત્મહત્યા કરી છે. તો પછી આવો ઉટપટાંગ સવાલ કેમ કરો છો?'

`ચોખ્ખું તો એટલું જ દેખાય છે કે અભિમન્યુનું મૃત્યુ થયું છે...' કરણની આંખમાં રતાશ ભળી: `જોવાનું એટલું જ છે કે એણે આત્મહત્યા કરી છે કે એની હત્યા થઇ છે!'
`હત્યા....મારા અભિની હત્યા!' અંજનાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી: `કોણે કરી હત્યા? તો આ આપઘાતની ચિઠ્ઠી!'

`એ ચિઠ્ઠી જ પોકાર કરી કરીને કહે છે કે અભિમન્યુની હત્યા થઇ છે...' કરણે સૂચક વિધાન કર્યું: `અને એ હત્યા તમે કરી છે શ્રીમતી અંગના ભારદ્વાજ!'
`અચ્છા, એ કઈ રીતે?' અંગનાનો મિજાજ એકાએક પલટાયો. નાગણની જેમ ફુત્કાર કરતાં એણે પ્રશ્ન કર્યો. એની આંખોમાંથી ઝેર નીતરતું હતું.

`એ એ રીતે કે....' કહીને નાગણનું માથું પકડીને કરંડિયામાં પૂરવાના ઝનૂનથી કરણ બોલ્યો: `તમે કહ્યું કે આપઘાતની ચિઠ્ઠી પુસ્તકના પાના નંબર તેર અને ચૌદ વચ્ચેથી મળી. મેં જોયું કે એ તો એક જ પાનાનો આગળપાછળનો ક્રમ છે. એક જ પાનું! આગળ તેર પાછળ ચૌદ. બે પાનાં સામસામે હોય તો એની વચ્ચે ચિઠ્ઠી મૂકી શકાય. ઉદાહરણ તરીકે ચિઠ્ઠી બાર અને તેર નંબરના પાના વચ્ચેથી મળી હોય તો સમજી શકાય, પણ એક જ પાનું હોય તો એની વચ્ચે ચિઠ્ઠી કેવી રીતે મૂકી શકાય? તમારું જ નિવેદન છે. બસ. તમારી આ એક ભૂલ અને ખેલ ખતમ!'
`પણ કદાચ પાના નંબર જોવામાં મારી ભૂલ થઇ હોય એ પણ શક્ય છે ને?' અંગના શરણે આવવા તૈયાર નહોતી.

`હા, એવું બની શકે....' કરણે આકાશમાં ઊડતા પતંગને પહેલાં થોડી ઢીલ આપીને અને પછી એકઝાટકે કાપી નાખતો હોય એમ બોલ્યો: `પણ એવું તો ન બની શકે ને કે કોઈ આપઘાતની ચિઠ્ઠી અદ્રશ્ય પેનથી લખે? અભિમન્યુના મૃતદેહ પાસેથી ચિઠ્ઠી મળે તો પેન પણ મળવી જ જોઈએ. પણ ત્યાં પેન, પેન્સિલ કે લખવાનું બીજું કોઈ સાધન મળ્યું નથી. શું ચિઠ્ઠી લખીને અભિમન્યુએ પેન સગેવગે કરી દીધી! પેન ક્યાં ગઈ? એનો જવાબ સ્વયંસ્પષ્ટ છે. પહેલાં તમે અભિમન્યુને ઝેર આપ્યું. તમે નર્સ હતાં એટલે તમને ઝેર અંગેની માહિતી હોય જ. અને પછી તમે જ ચિઠ્ઠી લખીને મૂકી. ફોરેન્સિક તપાસમાં એ સ્પષ્ટ થઇ જશે. બોલો, ખરૂં કે ખોટું?'

અંગના ભાંગી પડી. એણે ગુનો કબૂલ કરી લીધો: `હું અભિમન્યુથી કંટાળી ગયેલી. આખો દિવસ બસ વાંચ, વાંચ ને વાંચ. બીજું કાંઈ નહીં. અમારી રોજ તકરાર થતી. આજે તો એણે મને એમ કહી દીધું કે એ મને છૂટાછેડા આપી દેશે. વકીલને ફોન પણ કરવા લાગેલો. એટલે મેં એની માફી માંગવાનું નાટક કર્યું અને ચામાં ઝેર ભેળવીને એને પીવડાવી દીધી. મને એમ કે મારો પ્લાન ફૂલપ્રૂફ છે, પણ...'
ઝલકે અંગનાને હાથકડી પહેરાવી ત્યારે કરણની નજર પેલા કેબિનેટમાં પડેલા પુસ્તક પર પડી. એનું શીર્ષક હતું: ક્રાઈમ નેવર પેઝ!
આવતા અઠવાડિયે નવી કથા