Thu Jan 01 2026

Logo

White Logo

ફેરિયાઓથી ત્રસ્ત ઘાટકોપર : વલ્લભબાગ લેનના રહેવાસીઓ રસ્તા ઉપર ઉતર્યા

3 weeks ago
Author: Mumbai Samachar Team
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઘાટકોપરમાં ફેરિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે ઘાટકોપર ઈસ્ટમાં આવેલા વલ્લભબાગ લેનના રહેવાસીઓ ફેરિયાઓ (ખાણી-પીણી)થી કંટાળીને આજે રસ્તા ઉપર ઉતર્યા હતા અને ફેરિયાઓ સામે લડી લેવા માટે એકતા દેખાડી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વલ્લભબાગ લેનમાં બપોરના ત્રણ વાગ્યાથી ફેરિયાઓ બેસી જાય છે અને રાતના બાર-એક વાગ્યા સુધી બેઠા હોય છે. આ ફેરિયાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે અને રસ્તા ઉપર ચાલવાની પણ જગ્યા હોતી નથી.

વલ્લભબાગ લેનેમાં રહેતા પ્રશાંત કેનિયાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે વર્ષો થી અહીંયાં રહીએ છીએ પણ છેલ્લાં બે-ત્રણ વર્ષથી અહીં બહુ હેરાનગતિ વધી ગઈ છે. રાતના બે-બે વાગ્યા સુધી આ લોકો અહીં બેઠા હોય છે. અહીં ભારે ગંદકી થાય છે જેને કોઈ સાફ કરવા તૈયાર નથી થતું. જયારે શાહિદ દેસાઈએ જણાવ્યું હતું કે અમે અનેકવાર બીએમસીમાં ફરિયાદો કરી છે પણ નામની કાર્યવાહી કરવામાં આવે છે એક-બે દિવસમાં હતું એમનું એમ થઈ જાય છે. 

અમે કરેલી ફરિયાદોને કારણે અમને ધમકીના ફોન પણ આવે છે. એક સ્થાનિક વેપારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે છેલ્લા ત્રણ- ચાર મહિનાથી જે ફેરિયા આવે  છે એમાંથી કોઈ ઘાટકોપરના હોય એવું લાગતું નથી. બધા બહારના લોકો આવે છે અને ન્યૂસન્સ ફેલાવે છે. તિલક રોડ પર રહેતાં રાખી કોઠારીએ જણાવ્યું હતું કે આવા જ હાલ તિલક રોડના છે. અહીં પણ રાતના બે-બે વાગ્યા સુધી ફેરિયાઓનો ત્રાસ ભોગવવો પડે છે. આમાં વલ્લભબાગ લેનની સાથે તિલક રોડ અને ખીમજી લેનના નિવાસીઓ પણ જોડાયા હતા. 

પ્રશાંત કેનિયાએ જણાવ્યું હતું કે અમે ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહને ફરિયાદ કરી હતી અને તેમણે વલ્લભબાગ લેનના લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે અમને પૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે.