દાહોદ: શહેરના કસબા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોઈ જૂની અદાવતનો ખાર રાખીને શરૂ થયેલી બોલાચાલી હિંસક બની હતી અને ઉગ્ર બનેલા ઝઘડામાં બંને પક્ષે 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હતું, જેમાં બે જણને ઈજા પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર દાહોદના કસબા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. કોઈ જૂની અદાવતનો ખાર રાખીને શરૂ થયેલી બોલાચાલી હિંસક બની હતી અને ઉગ્ર બનેલા ઝઘડામાં બંને પક્ષે 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હતું.
ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિને ગોળી વાગી હતી અને બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અથડામણની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ફાયરિંગની ઘટના બાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ ફાયરિંગનો બનાવ જૂની અદાવતને કારણે બન્યો હતો. આ અંગે બે પક્ષો વચ્ચે મારામારી બાદ ફાયરિંગ થયું હતું.
ઘટનાની વધુ તપાસ અંગે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને નિવેદનો નોંધીને વધુ કાર્યવાહી આદરી હતી. હુમલા પછી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થયો છે, જ્યારે હુમલાખોરોને પકડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ટીમ બનાવવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.