પ્રજ્ઞા વશી
‘રમલી, અમે તો પચ્ચીસ માળના હાઇરાઇઝમાં રહેવા આવ્યાં છીએ. મારો દીકરો શૅરબજારમાં એટલું કમાયો કે અમે તો છ બેડરૂમના એવા બે ફ્લેટ જ સામસામે લઈ લીધા. એક દીકરાનો ફ્લેટ A ટાવરમાં અને બીજા દીકરાનો ફ્લેટ B ટાવરમાં.
‘તે મીનકી, તેં લેતાં પે’લા વિચારેલું કે પછી એમ જ ફ્લેટ લેઈ પારયો? આજકાલ બધાં દેખાદેખીમાં દુનિયાભરનું લેઈ તો પારે (પાડે) પણ પછી પહતાયા કરે.’
‘તે રમલી, તું મને કાચી હમજે કે હું? ને મારા બેઉ રામ-લખન જેવા પોયરા જોયા કે? પાવરફુલ બુદ્ધિવારા. એમને એમ શૅરબજારમાં ડંકાની ચોટ પર હજારના કરોડ કરે ને કરોડોના અબજો હો થોરા દાડામાં કરહે. હમજી? તું મારાથી જલતી તો નથી ને? હવે તો મારે ખાટલેથી પાટલે જ છે. બે રસોઈવારા, બે કામવારા, બે ડ્રાઇવર, એક મસાજ કરવાવારી. બોલ રમલી, હરગ (સ્વર્ગ) જેવું હુખ (સુખ) છે. મારે તો હારી કોઈની નજર ની (નહીં) લાગી જાય તો હારું. (સારું) રમલી, અમારા ફ્લેટની અંદર જ કામવારા ને ડ્રાઇવરના હો નોખાં ઓરડા ઠેઠ ફ્લેટના નાકે. એક ઘંટડી મારો કે નોકર ચાકર હાજર હમજો.’
‘તેં મીનકી, તેં લેતાં પે’લા (પહેલાં) વિચારેલું કે પછી... આમ કરોડોના ફ્લેટ કરતાં જમીન હાથે બંગલા લેતે તો હારું પડતે. આ તો ધરતીકંપ આવહે તો દીવાહળીના ખોખા જેવા ફ્લેટ પડી જતાં વાર થોડી લાગવાની? મૂઆ આજકાલના કડિયા, મજૂર, સિમેન્ટ તો હાવ તકલાદી. બિલ્ડરનો સામાન હો નકલી.’
‘તે રમલી, મને હમજાય ગીયું કે તું હાવ જલેલી, બળેલી, અદેખી ને નિહાપિયણ છે. તારાથી મારું હુખ (સુખ) ની ખમાયું. ખરું ને? નીચે લોગ ઘટિયા સોચ.’
ફોન ફટ દઈને મુકાયો.
ગોસિપ ક્લબની પ્રમુખ એવી મીનકીથી રેવાયું ની. (રહેવાયું નહીં) એટલે ફોન જોડ્યો.
‘મીનકી, તે દાડે (દહાડે) ફોન પર એક વાત કરવાની તો રેઈ ગેયલી. અમારા અ, ઇ, ઈ, ઉ એમ ચાર ટાવર છે બોલ! એમાં અમારા ટાવરની બેનુંનું એક વ્હોટ્સ એપ ગ્રૂપ હો છે. કામવારી ગ્રૂપ છે અને એમાં હો હું પરમુખ છું. મળસ્કેથી મેસેજ ચાલુ થાય તે મોડી રાત હુધી મેસેજ પડે. કામવારી કલાક પરમાણે પૈહા લેય છે. કામવારી જરાક મોરી (મોડી) આવે કે મેસેજ પડે. :
‘આઠ વાગી ગીયા મીનાબેન, મંજુબેન વાહણ માંજવા નથી આયવાં. તમારે ત્યાં હોય તો જલદી મોકલો. મારે ત્યાં મહેમાન આવેલા છે.’
એટલે મારે જવાબ આપવાનો કે, ‘મારે ત્યાં નથી. જેને ત્યાં કામ કરતી હોય તે જલદી મોકલો.’ એવો મેસેજ છોરવો પરે. (છોડવો પડે) ને બધી કામવારી ઇ સ્કૂટર પર જ આવે. એક મારે જો હરગ જેવું હુખ છે. મારા તો ઘરમાં જ કામવારા રેઈ એટલે નિરાંત જીવ છે.’
‘તે મીનકી, તારે પરમુખ બનીને પારકી વોરવાની હું કામ? આખો દારો મેસેજ કરવાના હેલા થોરા છે?’
‘તે તને ની ખબર પડે. પરમુખ બને તો વટ પડે. હમજી? ને મારી કામવારી હાલી જાય તો ગ્રૂપવારી કામવારી કામ આવે તે જુદી. છોડ વાત. તને ની હમજાય. પરમુખ બનવામાં તારી - મારી કરવાની કેવી મજા પરે! આખો દાડો મેસેજ વાંચવાના અને જવાબ આપવામાં ચોવીસ કલાક હો ઓછા પરે છે. હમજી? ને રમલી, અમારા ટાવરમાં તો રોજ લગભગ પાંચ કામવારી ની આવે. બધી કરોડપતિઓ મારી સલાહ માગે કે કામવારીનું હું કરીએ? અને હું રમાબહેનની કામવારી શોભનાબેનને ત્યાં અને રેશમાબેનની કામવારી નેહાબેનને ત્યાં મોકલી આપું. કામવારી હો બધ્ધી પરમુખનું જ માને છે.’
‘જો મીનકી, આ વ્હોટ્સ એપ ગ્રૂપનો રોગ ઘરનું નખ્ખોદ વાળે છે. આપણને લોકોને કામવાળી સેટ કરી આપવાનું કામ કરી શું મળવાનું છે? એના કરતાં આપણે આપણા ઘર ઉપર જ ધ્યાન રાખીએ તો ઘર તો ચોખ્ખું રહે.’
‘તે રમલી, તું ની સુધરવાની! હાવ બળેલી ભાખરી જેવી જ છે.’
એમ બોલીને મીનકીએ ફોન પછાડ્યો. પછી મનમાં જ બોલી.
‘રમલી હાવ બળેલી ને જલેલી છે. મારું કામવારીનું હુખ એનાથી જોવાતું નથી. મારાં ગાડી, ફ્લેટ, નોકર-ચાકરના હુખ એનાથી જોવાતાં નથી.’
ત્યાં જ ડ્રાઇવરે બૂમ પાડી. ‘હેઠાણીજી, આપરી કામવારી ઘરમાં દેખાતી નથી અને રૂમમાં તપાસ કરી તો એનો માલ સામાન હો નથી કે નથી ફોન લેતી. પેલી બીજી હો કશે નથી દેખાતી. એનો સામાન હો નથી.’
મીનકીને પડી ફાળ! એ તો દોડતી છોકરાઓના રૂમમાં ગઈ. પછી યાદ આવ્યું કે બેઉ છોકરા વહુ બાળકો હાથે રાતના પ્લેનમાં ફરવા ગયાં છે અને ત્યાં જ છોકરાનો કબાટ ને અંદરનું લોકર ખુલ્લું પડ્યું હતું. બાજુના બીજા દીકરાના ઓરડામાં પણ બધા કબાટ ખુલ્લા અને ઝવેરાત, પૈસા બધું જ ગાયબ હતું.
મળસકે વહુ પોયરા ફરવા ગયાં, ત્યારના પરમુખ મીનકીબહેન ઉર્ફે મીનાબહેન, કામવાળા ગ્રૂપમાં કોની કામવાળી નથી આવવાની અને કોની કામવાળી આવવાની છે, કઈ કામવાળી કોને ત્યાં કેટલા વાગ્યે, કેટલો એક્સ્ટ્રા ચાર્જ લઈને કામ કરશે એવા મેસેજ છોડવામાં વ્યસ્ત હતાં અને કામવાળા હેઠ-હેઠાણી ને એમના પોયરાઓને બાય બાય કરીને હારી રીતે સોના-ચાંદી અને રોકડની હાથ સફાઈ કરીને રામ જાણે ક્યાં ભાગી ગયાં હશે! તે સાંજ સુધી પોલીસ કેસ અને પોલીસની પૂછપરછ. ‘છોકરા ક્યાં ગયા છે એ પણ ખબર નથી? એ તો કેમ ચાલે માજી. એ તો સારું છે કે તમારું ગળું દબાવી નથી દીધું. નહીં તો તમારું પણ રામ જાણે શું થાત!’
એ સાથે જ પરમુખ મીનાબેન બોલ્યાં, ’હાચું કેવ? (કહું) એ તો હું પોયરા ગીયા પછી મારા રૂમનું બારણું અંદરથી બંધ કરીને મારો પરમુખ ધરમ નિભાવતી હતી એટલે બચી ગઈ. હે ભગવાન! હું પરોપકારનું કામ કરતી હતી (કામવાળી પ્રોવાઇડ કરવાનું) એટલે તેં મને બચાવી લીધી. મૂઆ, પોયરા હો કેવાં છે! મોબાઇલ બંધ કરીને બેઠાં છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આજકાલનાં પોયરા કેટલાં બેદરકાર છે? ક્યાં જાય છે એ તો માને કેઈને જવું જોઈએ ને...? આપરે કંઈ નવરાં થોડાં છીએ? આપરે હો હજાર કામ હોય. ખરું ને?’
ઇન્સ્પેક્ટર બોલે તો હું બોલે!