Thu Jan 01 2026

Logo

White Logo

હોમવર્ક ન કરવા બદલ બાળકોના કપડાં ઉતરાવનારી સ્કૂલ પર 1 લાખનો દંડ : ---

3 days ago
Author: Devayat Khatana
Video

ભોપાલ: ભાર વગરના ભણતર, નો સ્કૂલ બેગ જેવી પહેલોથી શાળાના વાતાવરણને બાળકો માટે એકદમ આરામદાયક બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે, ત્યારે મધ્યપ્રદેશના સીહોર જિલ્લાના જતાખેડા ગામમાં આવેલી સેન્ટ એન્જેલાસ સ્કૂલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. જ્યાં માત્ર હોમવર્ક ન કરવા જેવી સામાન્ય બાબતમાં નાના બાળકોને અર્ધનગ્ન કરીને ફેરવવામાં આવ્યા હતા.

આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. વાલીઓ અને સંગઠનોએ સ્કૂલ પર પહોંચી આશરે બે કલાક સુધી ભારે વિરોધ પ્રદર્શન અને હંગામો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો.

મળતી વિગતો અનુસાર, સ્થાનિકો અને વાલીઓનો આક્ષેપ કર્યો હતો કે સ્કૂલની પ્રિન્સિપાલ સમરીન ખાન અને શિક્ષક શિબુ ખાન દ્વારા બાળકોને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવે છે. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે બાળકોને હાથમાં દોરા બાંધવા કે કપાળ પર તિલક લગાવવાની પણ મનાઈ કરવામાં આવે છે.

તાજેતરમાં હોમવર્ક ન લાવવા બદલ બાળકોના કપડાં ઉતરાવી તેમને મુરઘા બનાવી આખા ક્લાસમાં ફેરવવામાં આવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જાણીજોઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતે સ્કૂલની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળકોના કપડાં ઉતરાવવાની ફરિયાદ સાચી હોવાનું સાબિત થયું હતું. આ બદલ શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્કૂલ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અધિકારીઓએ પોલીસને આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.