Thu Jan 01 2026

Logo

White Logo

7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના : અજાણ્યા દેશના બોલરે મચાવ્યો તરખાટ

2 days ago
Author: Ajay Motiwala
Video

ગેલેફુ સિટી (ભુતાન): ટી-20 ફૉર્મેટની આંતરરાષ્ટ્રીય અને બિન-આંતરરાષ્ટ્રીય મૅચોમાં અગાઉ કદી નથી બન્યું એવી ઘટના તાજેતરમાં બની ગઈ જેમાં ભુતાન (Bhutan)ના લેફ્ટ-આર્મ સ્પિનર સોનમ યેશી (Sonam Yeshey)એ એક જ મૅચમાં આઠ વિકેટ લીધી હતી. કોઈ બોલરે એક મૅચમાં આઠ વિકેટ લીધી હોય એવું આ ફૉર્મેટના અઢી દાયકામાં પહેલી જ વખત બન્યું છે.

અગાઉ બે બોલરે લીધી હતી સાત-સાત વિકેટ


બાવીસ વર્ષના યેશીએ તાજેતરમાં ભુતાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી નામના શહેરના મેદાન પર મ્યાનમાર સામેની મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ફક્ત સાત રનમાં આઠ વિકેટ (8 wickets) લીધી હતી. ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અગાઉ બે બોલર મૅચમાં સાત વિકેટ લઈ ચૂક્યા હતા. ક્રિકેટમાં નાના દેશો એકમેક સામે રમી રહ્યા છે ત્યારે અકલ્પનીય વિક્રમો બની રહ્યા છે. 2023ની સાલમાં ચીન સામે મલયેશિયાના સ્યાઝરુલ ઇન્દ્રુસે આઠ રનમાં સાત વિકેટ અને 2025માં ભુતાન સામે બહરીનના અલી દાઉદે 19 રનમાં સાત વિકેટ લીધી હતી. મહિલા ટી-20 ક્રિકેટમાં ઇન્ડોનેશિયાની રોહમાલિયાનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ છે. તેણે તેણે 2024માં મોંગોલિયા સામે શૂન્યમાં સાત વિકેટ લીધી હતી.

ભુતાનનો 82 રનથી વિજય

ભુતાને 20 ઓવરમાં નવ વિકેટે 127 રન કર્યા હતા. યેશી (4-1-7-8)એ ચાર ઓવરમાં આઠ ફક્ત સાત રનના ખર્ચે આઠ વિકેટ લીધી હતી જેને કારણે મ્યાનમારની ટીમ 45 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ભુતાનનો 82 રનથી વિજય થયો હતો. ભુતાનની ટીમનો દાવ પૂરો થયો ત્યારે એના એક પણ ખેલાડીએ વિચાર્યું નહીં હોય કે તેઓ પોતાના ટોટલના પોણા ભાગના રનના માર્જિનથી જીતી જશે.

યેશી આ સિરીઝનો સુપરસ્ટાર બોલર છે. તેણે ચાર મૅચમાં કુલ 12 વિકેટ લીધી છે. તેણે 2022માં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે મલયેશિયા સામેની પહેલી જ મૅચમાં 16 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે એકંદરે તેનો દેખાવ સાધારણ રહ્યો છે. તેણે કરીઅરમાં કુલ મળીને તેણે 34 મૅચમાં 37 વિકેટ લીધી છે.