થિરુવનંતપુરમ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા નવોદિત કલાકરોને શરૂઆતના સમયમાં ઘણું સ્ટ્રગલ કરવું પડે છે. પરંતુ કેટલાક કલાકારો સ્ટ્રગલ કરતાં કરતાં હિંમત હારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી લે છે. તાજેતરમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક 30 વર્ષીય કલાકારે આવું જ પગલું ભર્યું છે. જાણીતા મલયાલમ અભિનેતા અખિલ વિશ્વનાથે 30 વર્ષીની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે.
માતાએ ઘરમાં લટકતી જોઈ દીકરાની લાશ
મળતી માહિતી મુજબ, અખિલ વિશ્વનાથ તેના માતા-પિતા અને ભાઈ સાથે કેરળ ખાતેના નિવાસસ્થાને રહેતો હતો. 11 ડિસેમ્બર, 2025ના રોજ જ્યારે અખિલની માતા કામ પર જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે તેમણે પોતાના દીકરાની લાશ ઘરમાં લટકેલી જોઈ હતી. દીકરાનો લાશ જોઈને માતાને ઘેરો આઘાત લાગ્યો હતો. જોકે, હજુ સુધી અખિલ વિશ્વનાથની આત્મહત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી.
'ચોલા' ફિલ્મ ભજવ્યો હતો લીડ રોલ
અભિનેતા અખિલ વિશ્વનાથે 'મંગંડી' ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અખિલ સાથે તેનો ભાઈ અરુણ પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં નોંધપાત્ર એક્ટિંગને કારણે તેઓને રાજ્ય સરકાર તરફથી 'બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ'નો એવોર્ડ પણ મળ્યો હતો. 2019માં આવેલી 'ચોલા' ફિલ્મથી અખિલ વિશ્વનાથ લીડ રોલમાં જોવા મળ્યો હતો. જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મને કેરળ સ્ટેટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો.
મોબાઇલ શોપમાં પણ કામ કરતો હતો અખિલ
ઉલ્લેખનીય છે કે, અખિલ વિશ્વનાથની આત્મહત્યાથી મલયાલમ સિનેમામાં શોકનો માહોલ ફેલાયો છે. ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ અખિલને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્રણ મહિના પહેલા અખિલના પિતાનું એક્સિડન્ટ થયું હતું. જેમની સારવાર ચાલી રહી હતી. પોતાનો ઘર ખર્ચ ઉઠાવવા માટે અખિલ એક્ટિંગ ઉપરાંત એક મોબાઇલ શોપમાં પણ પાર્ટ ટાઈમ કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તે મોબાઇલ શોપ પર પણ ગયો ન હતો.