Thu Jan 01 2026

Logo

White Logo

નાંદેડમાં સામૂહિક આપઘાતની આશંકા : માતા-પિતાના ઘરે તો પુત્રોના ટ્રેક નજીકથી મળ્યાં મૃતદેહ

1 week ago
Author: Kshitij Nayak
Video

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળતા પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. એક જ પરિવારના ચાર સભ્યનાં મૃતદેહ મળવાને કારણે પોલીસે સામૂહિક આપઘાતની શંકા વ્યક્ત કરી છે. પોલીસને એક પરિવારમાંથી બે અલગ અલગ જગ્યા પરિવારના ચાર સભ્યના મૃતદેહ મળ્યા હતા, જેમાં માતાપિતાની સાથે બે દીકરાનો સમાવેશ થાય છે. હાલમાં પરિવારના સભ્યોનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જ્યારે કેસ અંગે વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. 

નાંદેડ જિલ્લાના જાવલા મુરાર ગામમાં એક ખેડૂત પરિવારના ચાર લોકોના મોતના અહેવાલથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. માતાપિતાના મૃતદેહ ઘરે મળ્યા હતા, જ્યારે બે દીકરાના શબ રેલવે ટ્રેક નજીકથી મૃત હાલતમાં મળ્યા હતા. સામૂહિક આપઘાતનો કેસ હોઈ શકે છે. હાલમાં તપાસ હાથ ધરી છે, જ્યારે ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોત અંગે સાચી વાત જાણવા મળશે, એમ પોલીસે જણાવ્યું છે. આ બનાવને કારણે સમગ્ર ગામના રહેવાસીઓ આઘાતમાં છે, એમ સ્થાનિકે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું છે કે આજે સવારના આઠ વાગ્યાના સુમારે પોલીસને માહિતી મળી હતી. જાણકારી મળ્યા પછી પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકની ઓળખ રમેશા સોનાજી લાખે (51) તથા પત્ની રાધાબાઈ લાખે (44) તરીકે કરી છે. રેલવે ટ્રેક નજીકથી ઉમેશ (25) અને બજરંગ (22)ના મૃતદેહ મળ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું છે કે કદાચ ટ્રેન સામે ઝંપલાવીને આપઘાત કર્યો હોઈ શકે છે. 

પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું છે કે માતાપિતાના મૃતદેહ ઘરેથી મળ્યા છે, જ્યારે દીકરાના મોત રેલવે ટ્રેક પર થયા છે. ફોરેન્સિક સાયન્સ લેબની ટીમને પુરાવા એકત્ર કરવા માટે બોલાવવામાં આવી છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સમગ્ર મામલાની ખબર પડશે. જોકે, હાલના તબક્કે હજુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે આ કેસ સામૂહિક આપઘાતનો છે. અન્ય કારણની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પોલીસે કહ્યું છે કે આ પરિવાર ખેતીવાડીનું કામકાજ કરે છે. પરિવારમાં ચાર લોકો હતા, જ્યારે ચારેયના મૃતદેહના મળવાથી ગામના લોકોને આઘાત લાગ્યો છે. ફાઈનાન્શિયલ પ્રોબ્લમ અથવા પારિવારિક સમસ્યાને કારણે આ પગલું ભર્યું હોઈ શકે એ સ્પષ્ટ થયું નથી. પડોશીઓએ જણાવ્યું છે કે લાખે પરિવાર મહેનતું છે, જે ખેતીવાડી કરીને જીવનગુજરાન કરે છે. નાંદેડ પોલીસે પરિવારના અન્ય સભ્યો અને પડોશીઓનું નિવેદન પણ નોંધ્યા છે. ઘરમાંથી પણ કોઈ નોટ મળી છે કે નહીં એની તપાસ હાથ ધરવામાં આવી છે.