મુંબઈ: મુંબઈ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ આજથી તેની 'નાગરિક સંમેલન' પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત નાગરિક ચૂંટણીઓ પહેલાં મહાનગરની 36 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. પાર્ટીના શહેર એકમના પ્રમુખ અમીત સાટમે આ પહેલી બેઠક વર્લીમાં સંબોધી હતી, જે શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેનો મતવિસ્તાર છે.
આ સંમેલન માટે ડૉક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલો, રહેવાસી સંગઠનો, નાગરિક જૂથો, હાઉસિંગ સોસાયટીઓ અને એસઆરએ સોસાયટીઓના હોદ્દેદારો, ચાલ સમિતિના લિડરો, બજાર, વેપાર અને વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ, અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો સહિતના વ્યાવસાયિકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સાટમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દરેક સંમેલનમાં મુંબઈમાં છેલ્લા ૧૧ વર્ષોમાં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોને દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવશે. શહેરના એક વરિષ્ઠ ભાજપ નેતા દરેક સંમેલનમાં વક્તા તરીકે હાજરી આપશે."
વધુમાં તેમણે કહ્યું હતું કે, "અમે છેલ્લા ૧૧ વર્ષોમાં મુંબઈમાં થયેલા નોંધપાત્ર વિકાસ કાર્ય અને બીએમસીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન પ્રદાન કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરી રહ્યા છીએ. આ ઉપરાંત શહેરની સલામતી જાળવવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભાજપે જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં બાકીના મતવિસ્તારોમાં પણ સમાન કાર્યક્રમો યોજાશે.