(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં એક સમયે ગુજરાતી પ્રતિનિધીઓ સભાને ગજવતા હતા પણ સમય જતા ગુજરાતી નગરસેવકોનું પ્રભુત્વ ઘટતું ગયું અને ૨૦૧૭ની મહાનગરપાલિકામાં ૨૨૭ બેઠકમાંથી માંડ ૨૬ ગુજરાતી નગરસેવકો ચૂંટાયા હતા અને હવે ૨૦૨૬ની ચૂંટણીમાં કેટલા ગુજરાતીઓ નગરસેવકો મહાનગરપાલિકાને ગજવશે એ આગામી દિવસોમાં રાજકીય પાર્ટીઓ કેટલા ગુજરાતીઓને ટિકિટ આપે છે તેના પર આધાર રાખે છે. એ સાથે જ જોકે ૨૦૧૭ની ચૂંટણીમાં ચૂંટાયેલા અનેક નગરસેવકોનું ફરી નગરસેવક બનવાનું સપનું અનામતની લોટરીને કારણે તૂટી ગયું છે. આવા ગુજરાતી નગરસેવકોના રાજકીય ભવિષ્ય સામે મોટો પડકાર ઊભો થઈ ગયો છે.
ગુજરાતીઓની બહુમતી વસતી ધરાવતા વિસ્તારોમાં જ અનુભવી ગુજરાતી નગરસેવકોના પત્તા અનામતની લોટરીને કારણે કપાઈ ગયા છે. ભૂતપૂર્વ નગરસેવકોએ તો અન્ય બેઠકો પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું માનવામાં આવે છે પણ પાર્ટી તેમને ટિકિટ આપવા ઈચ્છુક ન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પણ બીજી બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવવાને બદલે પક્ષના આદેશને માન આપીને ચૂપચાપ બીજા ઉમેદવાર માટે રસ્તો સાફ કરીને આપો એવું ચોખ્ખા શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૬માં થનારી ચૂંંટણીમાં દહિસર વોર્ડ નંબર બેના ભાજપના નગરસેવક જગદીશ ઓઝાનો વોર્ડ અગાઉ જનરલ હતો અને હવે જનરલ લેડીઝ થઈ ગયો હોવાથી તેમને ઘરે બેસવું પડવાનું છે. દહિસરમાં વોર્ડ આઠના ભાજપથી ચૂંટાયેલા હરિશ છેડાનો વોર્ડ અગાઉ જનરલ કેટેગરીમાં હતો પણ હવે તે જનલર લેડીઝ થઈ ગયો છે. બોરીવલીમાં વોર્ડ નંબર ૧૫નો વોર્ડ જનરલ શ્રેણીમાં હતો અને અહીંથી પ્રવીણ શાહ ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે હવે આ વોર્ડ જનરલ લેડીઝ થઈ ગયા છે પાછું તેમની વય મર્યાદા પણ નડી શકે છે. આ ત્રણે વોર્ડ ગુજરાતી બહુમતી ધરાવે છે અને સિનિયર નગરસેવકોને રહ્યા છે પણ અનામતને કારણે ત્રણે નગરસેવકોને ઘરે બેસવું પડવાનું છે.
ગોરેગામના વોર્ડ નંબર પંચાવનમાં અગાઉ ઓબીસી માટે અનામત હતો અને અહીંથી ભાજપના હર્ષ પટેલ નગરસેવક હતા. જોકે હવે આ વોર્ડ જનરલ થઈ ગયો છે. તેથી આ વોર્ડમાં પક્ષના જનરલ કેટેગરીમાં આવતા અનેક સિનિયર કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઉત્સુક હોવાનું માનવામાં આવે છે. જોકે ઓબીસી શ્રેણીમાં આવતા ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી ચૂંટણી લડી શકે છે અને હર્ષ પટેલ પાંચ વર્ષના નગરસેવક અને ત્યારબાદના ચાર વર્ષના તેમણે કરેલા કામને કારણે તેમના પર્ફોમન્સને જોતા પક્ષ તેમને ઉમેદવારી આપશે કે તે આગામી દિવસોમાં ખબર પડી જશે.
મલબાર હિલના વોર્ડ નંબર ૨૧૯માંથી ભાજપમાંથી ચૂંટાયેલા જ્યોત્સના મહેતાનો વોર્ડ ઓબીસીમાં અનામત થઈ ગયો છે અને તેઓ જનરલ શ્રેણીમાં આવતા હોઈ તેમનું પત્તુ ઓટોમેટિક કપાઈ ગયું છે. આ બેઠક માટે બહારથી ઓબીસી ઉમેદવાર બહારથી લાવવામાં આવશે એવું માનવામાં આવશે.
મુંબાદેવીના વોર્ડ નંબર ૨૨૦માંથી ભાજપમાંથી અતુલ શાહ જીત્યા હતા. તેમનો વોર્ડ અગાઉ જનરલ હતો અને હવે જનરલ કેટેગરીમાં મહિલા માટે અનામત થઈ ગયો છે. તેથી તેમને માટે પણ કોઈ અવકાશ રહ્યો નથી.
મુલુંડમાં ૧૦૮ નંબરની બેઠક પરથી ૨૦૧૭માં ભાજપના નીલ સોમૈયા નગરસેવક બન્યા હતા. આ વોર્ડ હવે ઓબીસી લેડીઝ માટે અનામત થઈ ગયો છે. તેથી તેમની માટે પણ કયાથી ઊભા રહેવું એ માથાનો દુખાવો બની ગયો છે. એમ તો નીલ સોમૈયાએ બે જનરલ વોર્ડમાથી લડવાની ઈચ્છા દર્શાવી હોવાનું કહેવાય છે પણ એ બંને વોર્ડમાં ભૂતપૂર્વ નગરસેવકો પ્રકાશ ગંગાધરે અને પ્રભાકર શિંદે સહિત અન્ય તેમના વોર્ડ માટે ટિકિટ માગી રહ્યા છે તો અન્ય એક જનરલ વોર્ડ છે તેમાં મહિલા નગરસેવિકા છે તે સીટ પરથી પણ તેઓ લડી શકે છે. જોકે પક્ષ તેમને કયાથી ટિકિટ આપે છે તેના પર તેમનું રાજકીય ભવિષ્ય ટકેલું છે.
આમ આ બધા ગુજરાતી નગરસેવકોને અનામતનો ફટકો પડતો જોવા મળી રહ્યો છે