અમદાવાદઃ શહેરનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં વધુ એક મેગા કોન્સર્ટનું સાક્ષી બની શકે છે. આ વર્ષે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના તાલે ઝૂમેલા આ શહેરમાં ટૂંક સમયમાં પોપ આઈકોન શકીરાના ઠુમકા જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શકીરાની ટીમે વર્ષ 2026માં શહેરમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે.
શકીરા કેમ અમદાવાદમાં કરી શકે છે કોન્સર્ટ
આ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા સૂત્ર મુજબ, શકીરાના મેગા કોન્સર્ટને અમદાવાદ લાવવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બે હાઉસફૂલ શો બાદ શકીરાની ટીમ તેના કોન્સર્ટ માટે વેન્યુ તરીકે અમદાવાદની પસંદગી કરી શકે છે. કોલંબિયન સિંગર-ગીતકારે હજુ સુધી તેની 'Las Mujeres Ya No Lloran World Tour' અથવા અન્ય કોઈ પ્રવાસના ભાગરૂપે ભારતમાં કોન્સર્ટની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેની ટીમે અમદાવાદમાં કોલ્ડપ્લે જેવો જ ભવ્ય કોન્સર્ટ આયોજિત કરવામાં રસ દાખવ્યો છે.
સૂત્રો જણાવ્યું કે, ગુજરાત સરકાર આ બાબતે તમામ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, અંતિમ નિર્ણય શકીરાની ટીમ પર નિર્ભર છે. તેમણે પણ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે, તેથી અમને આશા છે કે તેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે. આસામ પણ આ કોલંબિયન સ્ટારની યજમાની કરવા માટે રેસમાં છે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેમનું રાજ્ય આગામી વર્ષે શકીરાને ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલ્ચર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શકીરાનો ભારતમાં છે વિશાળ ચાહકવર્ગ
"Hips Don't Lie", "Whenever, Wherever", અને "Waka Waka" જેવા ગ્લોબલ હિટ ગીતો માટે જાણીતી 47 વર્ષીય શકીરા ભારતમાં વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેણે 4 ગ્રેમી એવોર્ડ્સ અને 15 લેટિન ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને વિશ્વભરમાં હિસ્પેનોફોન (સ્પેનિશ ભાષી) સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેને જાય છે.
કોણ છે શકીરા
શકીરાનો જન્મ 2 ફેબ્રુઆરી 1977 ના રોજ કોલંબિયાના બેરેન્ક્વિલામાં થયો હતો. તે વ્યવસાયે પોપ સિંગર, ડાન્સર અને રેકોર્ડિસ્ટ છે. તે સ્પેનિશ અને અંગ્રેજી બંને ભાષાઓમાં ગીતો ગાય છે. તેના પિતા લેબનીઝ અને માતા કોલંબિયન હતા. તેણે બાળપણમાં જ બેલી ડાન્સિંગ શરૂ કરી દીધું હતું. 1990 માં એક સ્થાનિક થિયેટર સોની કંપનીના એક્ઝિક્યુટિવ સાથે મળીને ફ્લોરિડામાં તેની મદદ કરી અને ત્યારબાદ શકીરાએ એક રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા.
તેના પ્રથમ આલ્બમ 'મેગિયા' (1991) અને 'પોલિગ્રો' (1993) બહુ ફેમસ થયા નહોતા, પરંતુ 1995 માં તેનું મ્યુઝિક વિડિયો 'પીસાલ્જોસ' (Pies Descalzos) ઘણું પ્રસિદ્ધ થયું હતું. 2001 માં શકીરાએ 'એમટીવી અનપ્લગ્ડ' (2000) માટે સર્વશ્રેષ્ઠ લેટિન પોપ આલ્બમનો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. જોકે, શકીરાનું સૌથી વધુ પસંદ કરવામાં આવેલું ગીત 'વાકા-વાકા' છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. દુનિયાભરમાં શકીરાના ચાહકોની સંખ્યા કરોડોમાં છે અને તે રોમન કેથોલિક ધર્મમાં માને છે.
શકીરાનું અંગત જીવન
વર્ષ 2000 થી 2011 સુધી શકીરાએ એન્ટોનિયો ડી લા રુઆને ડેટ કર્યો હતો. ત્યારબાદ 2011 થી 2022 સુધી તે ફેમસ ફૂટબોલર જેરાર્ડ પિકે (Gerard Pique) સાથે રિલેશનશિપમાં હતી.
કેટલી છે શકીરાની નેટવર્થ
લોકપ્રિય પોપ સ્ટાર શકીરાના ફેન્સ વિશ્વભરમાં ફેલાયેલા છે. એક રિપોર્ટ પ્રમાણે શકીરાની નેટવર્થ આશરે 222 મિલિયન ડોલર જેટલી છે.