અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. આગામી 24 કલાકમાં તાપમાનનો પારો હજુ પણ ગગડશે. અમરેલી અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.5, ડીસામાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, ભુજમાં 14.9 ડિગ્રી, નલિયામાં 14.6,કંડલામાં 16.4 ડિગ્રી, દિવમાં 13.4, સુરેન્દ્રનગરમાં 16.2 ડિગ્રી, કેશોદમાં 13.4, મહુવામાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નોંધનીય છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ક્રિસમસ આવી ગઈ હોવા છતાં ઠંડી પડી નથી.
પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. એક સપ્તાહ સુધી ઉત્તર ભારતના મેદાની વિસ્તારો સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
કેટલાક રાજ્યોમાં શીતલહેર
ભારતીય હવામાન વિભાહે કેટલાક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ભારત પર હાલ એક પશ્વિમી વિક્ષોભ સક્રિય છે અને બીજું 27 ડિસેમ્બર સુધી આવવાની સંભાવના છે. આ બંને વિક્ષોભના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થશે. જેની સીધી અસર મેદાની વિસ્તારોમાં ઠંડીના રૂપમાં જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં 29 ડિસેમ્બર સુધી, ઉત્તરાખંડમાં 28 ડિસેમ્બર સુધી તથા મધ્ય પ્રદેશમાં 25 ડિસેમ્બર સુધી રાત્રે અને સવારના સમયે ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. બિહારમાં 25 ડિસેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે.
આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઓડિશામાં 28 ડિસેમ્બર સુધી, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 25 ડિસેમ્બર સુધી તથા રાજસ્થાન અને છત્તીસગઢમાં 24 ડિસેમ્બર સુધી ધુમ્મસની અસર જળવાઈ રહી શકે છે. ઉત્તર-પૂર્વી ભારતમાં પણ 26 ડિસેમ્બર સુધી ધુમ્મસ રહેવાની શક્યતા છે.