Thu Jan 01 2026

Logo

White Logo

ગેરકાયદે સિમ કાર્ડને બહાને થાણેના : વેપારી સાથે 1.25 કરોડનું સાયબર ફ્રોડ

3 weeks ago
Author: Yogesh C Patel
Video

થાણે: ડેટા પ્રોટેક્શન બોર્ડ ઑફ ઈન્ડિયા અને નાશિક પોલીસના અધિકારીના સ્વાંગમાં ગેરકાયદે સિમ કાર્ડને બહાને થાણેના 64 વર્ષના વેપારી પાસેથી 1.25 કરોડ રૂપિયા પડાવીને સાયબર ફ્રોડ કરનારાઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 11 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન ફરિયાદીને કૉલ્સ કરીને કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.

ફરિયાદીને કૉલ કરનારા શખસે પોતાની ઓળખ મુંબઈના ખાર સ્થિત ડેટા પ્રોટેક્શન બોર્ડ ઑફ ઈન્ડિયાના પ્રતિનિધિ રાજેશ કુમાર ચૌધરી તરીકે આપી હતી. નાશિકમાંથી ફરિયાદીના નામનું ગેરકાયદે સિમ કાર્ડ ઇશ્યુ થયું હોવાથી તેનો ઉપયોગ અનેકને ધમકી આપવામાં થયો હોવાનું આરોપીએ ફરિયાદીને કહ્યું હતું. આ મામલે નાશિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પણ શખસે કહ્યું હતું.

બાદમાં ફરિયાદીને નાશિક પોલીસ સ્ટેશનના અધિકારીના સ્વાંગમાં ઠગે કૉલ કર્યો હતો. ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને નાશિકની બૅન્કમાં ખાતું ખોલવવામાં આવ્યું છે અને તેના થકી મોટા પાયે ગેરકાયદે આર્થિક વ્યવહાર અને મની લોન્ડરિંગ થતું હોવાનું આરોપીએ કહ્યું હતું.

કાર્યવાહીનો ભય દેખાડી ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં 1.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. પોતે છેતરાયો હોવાની જાણ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે નૌપાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. બૅન્ક ખાતાની વિગતો અને કૉલ રેકોર્ડને આધારે આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)