મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી યુક્રેને હુમલો કર્યો છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનના નિવાસે ડ્રોન હુમલાનો નો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ હુમલાઓ નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર કરવામાં આવ્યા હતા.
લાંબા અંતરથી ડ્રોન હુમલા થયા હતા
આ અંગે લાવરોવે વધુમાં જણાવ્યું હતું કે 28-29 ડિસેમ્બરની રાત્રે લાંબા અંતરથી ડ્રોન હુમલા થયા હતા. જોકે, રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે બધા ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે તેને યુક્રેન સરકાર દ્વારા આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ હુમલાનો જવાબ આપવામાં આવશે. જેમાં હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન હાજર હતા કે નહીં તે અંગે કોઈ માહિતી મળી નથી.
યુક્રેન પર આતંકવાદી હુમલો કરવાનો આરોપ
રશિયાએ આ હુમલાઓનો બદલો લેવાની તૈયારી કરી છે અને બદલો લેવાનો હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે પણ નક્કી કર્યું છે. રશિયાએ શાંતિ કરાર પરના તેના વલણને પલટાવવાનો પણ સંકેત આપ્યો છે. તેણે યુક્રેન પર આતંકવાદી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે હવે જ્યારે યુક્રેન આતંકવાદનો આશરો લીધો છે ત્યારે તે શાંતિ મંત્રણા પર પુનર્વિચાર કરશે.
ઝેલેન્સકીએ રશિયાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા
જોકે, આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા કે યુક્રેને નોવગોરોડમાં પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેલેન્સકીએ આ દાવાઓને બનાવટી અને ખોટા ગણાવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે યુક્રેને પુતિનના કોઈપણ નિવાસસ્થાન પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી.